- આજે બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામો
- પ્રસંગપટ
- રાજકારણમાં લોકો કપડાં ખંખેરતા હોય એમ ડિપ્રેશન ખંખેરી નાખે છે અને ફરી લડવા માટે તૈયાર થઈ જાય છે...
આજે બિહાર વિધાનસભા જંગનાં પરિણામો જાહેર થશે. ભારતમાં ચૂંટણીઓનાં પરિણામો જાણવાની ઉત્સુકતા એટલી બધી હોય છે કે લોકો દિલ્હીના વિસ્ફોટની તપાસને ભૂલીને બિહારમાં કોણ જીતે છે તે જાણવાનો પ્રયાસ કરતા રહે છે. ટીવી સામે બેસી ગોઠવાઈ જનારો વર્ગ વારંવાર ચેનલો બદલીને પોતાને ગમતા રાજકીય પક્ષને ક્યાં વધુ બેઠકો મળી રહી છે તે જાણતા રહે છે. બિહારમાં સત્તાધારી એનડીએ પક્ષ સામે વિપક્ષના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવ છે. એક્ઝિટ પોલ અનુસાર તેજસ્વી સત્તાથી દૂર રહે તેવી સંભાવના છે, પરંતુ તેમનો વિજય માટેનો આત્મવિશ્વાસ તેમના કાર્યકરોનું જોમ વધારી રહ્યો છે.
આપણે ત્યાં સામાન્ય લોકો અમુક પરિસ્થિતિમાં સંભવિત હારના કારણે કે પરિણામે ડિપ્રેશનમાં આવી જાય છે, પરંતુ રાજકારણ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં હારેલા નેતાઓમાં ડિપ્રેશન જોવા મળતું નથી. હા, તેમના કાર્યકરો કદાચ નાહિંમત થઈ જાય, પરંતુ નેતાઓ સ્થિર અને સંતુલિત રહેતા હોય છે.
પોતાની વિરૂદ્ધ એક્ઝિટ પોલ આવ્યા છતાં તેજસ્વી યાદવે હુંકાર કર્યો કે વિજય તો મારો જ થવાનો છે, અમને કુલ ૨૪૩ બેઠકોમાંથી ૧૬૦થી વધુ બેઠકો મળશેે. બિહારમાં સત્તા મેળવવા તેજસ્વીએ અથાગ પ્રયાસો કર્યા છે. નજર સામેની હારને પણ તે પડકારી રહ્યા છે.
રાજકારણનું ક્ષેત્ર અનોખું છે. અન્ય ક્ષેત્રોમાં હારની સંભાવના માત્ર જોઇને પણ લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. પોતાની પ્રિય ક્રિકેટ ટીમ કોઈ મોટી મેચ ન જીતે તો લોકો આવેશમાં આવી ટીવી સુદ્ધાં તોડી નાખતા હોય છે. રાજકારણમાં કંઈક એવું તત્ત્વ છે કે અહીં પરાજિત લોકો કપડાં ખંખેરતા હોય એમ ડિપ્રેશન ખંખેરી નાખે છે અને ફરી લડવા માટે તૈયાર થઇ જાય છે.
ફિલ્મ ઉદ્યોગમાં હિટ ગણાતા હીરોની બે-ત્રણ ફિલ્મોે ફ્લોપ જાય તો એ ડિપ્રેશનમાં આવી જાય છે. લોકો પ્રેમભંગ થાય તો પણ ડિપ્રેશનમાં આવી જાય છે. આ લોકાએેે ખરેખર તો રાજકીય નેતાઓની લાઇફ પર નજર નાખવા જેવી છે. રાજકારણના ક્ષેત્રમાં જે ડિપ્રેશનને પોતાનાથી દૂર રાખી શકે છે એ જ આગળ વધી શકે છે. સેકન્ડ કેડરના કાર્યકરો હારથી ઉશ્કેેરાઇ જાય છે, પરંતુ નેતાઓ હારને પચાવીને ફરી ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરીને મેદાનમાં આવી જાય છે. તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓને હાર મળે તો પણ બીજી જ ક્ષણે હસતા મુખે લોકો સમક્ષ આવે છે.
રાજકારણીઓની હરકતો, પગલાં કે નિર્ણયો ઘણી વાર એવાં હોય છે કે તેના લીધે પ્રજા હતાશામાં સરકી પડે, પણ રાજકારણીઓને ખુદને કશો ફરક પડતો નથી. આવા લોકોને આપણે 'જાડી ચામડી'ની કેટેગરીમાં મુકીએ છીએ. રાજકારણીઓ સંવેદનશીલ માણસ ચાલે જ નહીં. માનો કે આવી વ્યક્તિ રાજકારણમાં આવી પણ ગઈ હોય તો તે આગળ નહીં વધી શકે. રાજકારણીઓ પર આક્ષેપો અને તેજાબી ટીકાઆનોે ડગલે ને પગલે વરસાદ વરકતો હોય છે. તેમના ચહેરા પર રોજીંદા વ્યવહારમાં કોઇ તેનો ખાસ કોઈ અફસોસ કે પ્રભાવ આપણને દેખાતો હોતો નથી. ઘણીવાર સવાલ થાય કે રાજકારણીઓમાં સંવેદના જેવું કશું હોય છે કે નહીં?
બિહારમાં જે હારશે તેમણે જવાબો તૈયાર રાખ્યા હશે, જેમ કે મતદારોનાં નામ યાદીમાં નહોતાં, બોગસ મતદાન કરાયું, ચૂંટણી પંચનો વાંક છે, અમે લોકોની ભાવના સમજવામાં થાપ ખાઈ ગયા, અમે આત્મચિંતન કરીશું, અમે હાર પછી પણ લોકસેવા ચાલુ રાખીશું, વગેરે. રાજકારણીઓ એ લોકો છે જે પક્ષપલ્ટો કરીને પોતાનાં વર્ષો જૂના દુશ્મનની છાવણીમાં બેસી શકે છે. તેમની સંપત્તિ જપ્ત કરાઇ હોય કે કોર્ટમાં ન્યાયમૂર્તિની ફટકાર ખાધી હોય તો પણ તેમના રંગઢંગમાં કોઇ ફરક પડતો નથી.
ખાઈ બદેલા રાજકારણીઓને હારના ફટકાની બહુ અસર નથી થતી. ઊભરતા રાજકારણીઓ સંવેદનશીલ હોઈ શકે છે, પરંતુ પીઢ રાજકારણીઓ 'નવી ગિલ્લી નવો દાવ'નો અભિગમ ધરાવતા હોય છે. બિહારની ચૂંટણી મહત્વની છે. તેનાં પરિણામો પરથી સત્તાધારી પક્ષ અને વિપક્ષની લોકપ્રિયતાનો અંદાજ આવી શકશે. વિરોધ પક્ષની એકતા પણ બિહારની હારજીત પર આધારિત છે. બિહારમાં વિપક્ષી ગઠબંધન જીતશે તો તે કેન્દ્રમાં એનડીએની સરકારને પડકારશે અને અન્ય રાજ્યોમાં વધુ ઝનૂનપૂર્વક જંગ લડશે. એનડીએ માટે પણ બિહારમાં જીત અગત્યની છે જ.


