- પ્રસંગપટ
- પહેલા પ્રયાસમાં કારના કાફલાની સંખ્યા ઘટાડાઇ
- સરકાર પોતાની વાહવાહી કરવા જે તોતિંગ ખર્ર્ચા કરે છે તે બંધ કરીને ઇલેકટ્રિક વ્હીકલ ખરીદનારને વધુ સબસીડી આપવી જોઇએ
વડાપ્રધાને બેફિકર રહીને જીવતી જનતાને દેશ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવીને શાંત પાણીમાં પથ્થર ફેંક્યો છે. 'ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ' કહેવતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પોતાની કારનો કાફલો ઘટાડી નાખ્યો છે, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી પણ માત્ર બે જ કાર સાથે બહાર જતા થયા છે. ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ બચાવવાના કેટલાક ફરજિયાત સ્વ-નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. જો તેનો કડક અમલ થશે તો સરકારની વાહવાહી થશે. પ્રજાને સલાહ આપવા કરતાં સરકાર પોતાના વહીવટમાં કરકસર કરવાની જાહેરાત કરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
માત્ર ભારત જ નહીં, પણ વિશ્વની આથક સ્થિતિ તેલના વધતા ભાવોને કારણે લપસી રહી છે. રોડ પર ઢોળાયેલા ઓઇલ પરથી પસાર થતાં ટુ-વ્હીલર સ્લિપ ન થઈ જાય તે માટે તેના પર માટી કે રેતી નાખવામાં આવે છે, જે ઓઇલને શોષી લે છે. પરંતુ આથક તંત્ર લપસી ન પડે તેવી કોઈ રેતી કે માટી હોતી નથી. તેને મુશ્કેલીમાં પસાર ન થવું પડે તે માટે 'ડાયવર્ઝન' આપવું પડે છે. વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની વાત કરીને આવું જ એક ડાયવર્ઝન આપવાનો પ્રયાસ કર્યો છે.
સરકાર પોતાની વાહવાહી કરવા છાશવારે તોતિંગ ખર્ચ કરતી રહે છે તેના પર પૂર્ણવિરામ મૂકાવું જોઈએ. ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ખરીદનારને વધુ સબસિડી આપવી જોઈએ અથવા ઘેર કે ઓફિસમાં સોલર પેનલ નખાવનારને વધુ રાહત આપવી જોઈએ. સરકારે પ્રજાના માથે જવાબદારી નાખીને મામલો વધુ ગંભીર બનાવી દીધો છે. સરકારી કાર્યક્રમો અને તેના જમણવારમાં થતા ખર્ચ ઘટાડવાથી પણ કરોડો રૂપિયા બચાવી શકાય છે.
ત્રણ મુદ્દે ભારતે પહેલ કરી છે, જેની આસાન સમજ અહીં આપી છેઃ
૧. આથક દેશભક્તિ (ઇકોનોમિક પટ્રિઓટીઝમ)ઃ જાતે જ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરી રેલવે, એસટી બસ જેવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો. વ્યક્તિગત સ્તરે આ મુદ્દે જાગૃતિ જરૂરી છે.
૨. આયાત બિલઃ પ્રજાએ આયાત બિલ પર પણ નજર રાખવી જોઈએ, કારણ કે આપણે જે વપરાશ કરીએ છીએ તે વિદેશથી મંગાવાય છે. જ્યારે ૮૫ ટકા ઓઇલ બહારથી મંગાવાતું હોય ત્યારે આયાત બિલમાં ઉછાળો આવે તે સ્વાભાવિક છે.
૩. ફોરેક્સ રિઝર્વઃ દેશ પાસે રહેલો ડોલરનો ભંડાર 'ફોરેક્સ રિઝર્વ' તરીકે ઓળખાય છે. ભારત જે તેલ ખરીદે છે તેની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે, તેથી આ ભંડાર સાચવવો જરૂરી છે.
સૈનિકો સરહદનો મોરચો સંભાળે છે, જ્યારે પ્રજાએ આથક મોરચો સંભાળવો પડશે. અમેરિકા-ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ સમાધાનથી દૂર જઈ રહ્યું છે ત્યારે ભારત માટે તેલના વધુ પૈસા ચૂકવવાનો વખત આવ્યો છે. યુદ્ધ શરૂ થયું ત્યારે ઓઇલનો ભાવ બેરલ દીઠ ૬૫ ડોલર હતો, જે આજે ૧૧૫ ડોલરને વટાવી ચૂક્યો છે. અખાતમાં સ્થિતિ ફરી રાબેતા મુજબ બને તો પણ ઓઇલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો ધ્યેય સરકારે રાખવો પડશે. ૮૦ ટકા તેલ આયાત કરવું પડતું હોય ત્યારે ભારત ઓશિયાળું રહે તે સ્વાભાવિક છે. સરકાર વારંવાર આત્મનિર્ભર બનવા પર ભાર મૂકી રહી છે, જેના પગલે વિવિધ ક્ષેત્રે 'પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ' સ્કીમ અમલમાં મુકવામાં આવી છે, જેનો લાભ લેવાઈ રહ્યો છે.
જેમ વૃક્ષારોપણ માટે સરકાર ઝુંબેશ ચલાવે છે, તેમ દરેક ઘરે સોલર પેનલ માટે ઝુંબેશ કરવી જોઈએ. હાઈ-રાઈઝ અને લક્ઝરી ફ્લેટો ઊભી કરતી રિયલ એસ્ટેટ કંપનીઓએ સોલર પેનલ ફરજિયાત બનાવવી પડશે. નવી સ્કીમોમાં ફ્લેટ લેતા લોકોએ પણ 'કમ્બાઈન્ડ સોલર પેનલ' માટે આગ્રહ રાખવો પડશે. સરકારે તેનાં વાહનોમાં ઈવીનો ઉપયોગ વધારવો પડશે અને લોકોને પણ તે દિશામાં વાળવા પડશે. ઈવીની સૌથી મોટી સમસ્યા ચાજગ સ્ટેશનોની અછત છે. બેંગલુરુનું એક સ્ટાર્ટઅપ વાહનની ઉપર જ સોલર પેનલ ફિટ કરવા વિશે સંશોધન કરી રહ્યું છે. સૂર્યની ગરમી જ ગતિશીલ વાહનને ચાર્જ કર્યા કરે તો મામલો આસાન બની જાય.
નવાં ઈવી સબંધિત સંશોધનો પાછળ સરકારે રોકાણ કરીને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા પડશે. અખાતી દેશો તેમના સ્વભાવગત યુદ્ધો કરતા રહેશે અને અમેરિકા જેવા દેશો વચ્ચે પડીને યુદ્ધને વકરાવતા રહેશે. ૮૦ ટકા ઓઇલની આયાત કરતા ભારત જેવા દેશોને વગર લેવા-દેવાએ પીસાવાનું આવે છે. સરકાર માટે પણ હવે પડકાર ઊભો થયો છે કે તે પોતે ઓઇલના વપરાશમાં કરકસર કરીને પ્રજા માટે અનુકરણીય બને. સરકારે માત્ર અપીલ કરવાને બદલે હવે 'એક્શન મોડ'માં આવવાની જરૂર છે.


