ઓપરેશન વિજય ટુ સિંદુર શૌર્ય, તાકાત અને સંવેદના
- ગુલમર્ગ,પાયથોન,ટ્રાઇડેન્ટ,મેઘદૂત,પરાક્રમ
- પ્રસંગપટ
- બાંગ્લાદેશનો ઉદય થયો ત્યારના લશ્કરી ઓપરેશનનું નામ ઓપરેશન કેકટસ લીલી નામ અપાયું હતું..
ઓપરેશન સિંદુર હવે લોકજીભે ચઢી ગયું છે. લોકો તે નામમાં શૌર્યના દર્શન થાય છે. આ નામની પસંદગીની પ્રશંસા થઇ રહી છે. સોશ્યલ નેટવર્ક પરના ક્રિયેટીવ લોકો ઓપરેશન સિંદુર પછીના લશ્કરી ઓપરેશનાનો નામનું સૂચન કરવા લાગ્યા છે, જેમકે ઓપરેશન મંગળ ફેરા, ઓપરેશન વરમાળા, ઓપરેશન હનીમૂન વગેરે વગેરે. પહેલીવાર એવું થયું છે કે લોકોને લશ્કરી ઓપરેશનના નામમાં રસ જાગ્યો છે.
પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતે ત્રાસવાદના સફાયા માટે શરૂ કરેલા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદુર રાખ્યું છે. પહેલગામમાં અનેક મહિલાના સિંદુર ભૂંસાઇ ગયા હતા. મહિલાઓની નજર સામેજ તેમના પતિને ફૂંકી મરાયા હતા. તેમના સિંદુર વેરણ કરનારાને ફૂંકી મારવા ભારતે શરૂ કરેલા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદુર રાખીને લશ્કરે સૌના દિલ જીતી લીધા હતા.
સત્તાવાળાઓએ ઓપેશન સિંદુરના નામની સાર્થકતા માટે પ્રેસ કોન્ફરન્સમાં બે મહિલા લશ્કરી અધિકારીને સૈન્યની કામગીરીના બ્રીફીંગની જવાબદારી સોંપીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ બંને મહિલા એટલે અધિકારી વિંગ કમાંડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી.
સમગ્ર વિશ્વની જે એર સ્ટ્રાઇક પર નજર હતી તેનું બ્રિફીંગ કરવા બે મહિલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી તે ઓપરેશન સિંદુરના નામને સમર્થન સમાન હતું.ભારતે યુધ્ધ દરમ્યાન કરેલા ઓપરેશનના અનેક નામો આપ્યા છે. તેમાં મુખ્યત્વે રીડલ, મેઘદૂત જેવા નામો લોકોને યાદ છે પરંતુ એાપરેશન સિંદુરનું નામ લાંબા સમય સુધી યાદ રહી શકે છે કેમકે સિંદુર એ સૌભાગ્યવતીનું પ્રતીક છે.
પહેલગામ પરના ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામેલા પતિની નજીક બેઠેલી મહિલાનું દ્રશ્ય હજુ લોકોની આંખો સામેથી ખસી શકતું નથી.
ભારતે ઓછામાં ઓછા દશ જેટલા લશ્કરી ઓપરેશનો કર્યા છે. જેમાં મુખ્યત્વે ૧૯૭૧નું ઓપરેશન ટ્રાઇડેન્ટ, ૧૯૯૯નું ઓપરેશન વિજય, ૨૦૧૯નું ઓપરેશન બંદર વગેરેનો સમાવેશ થાય છે.
આવા નામો શૈાર્ય ઉભું કરનારા હોય છે. પાકિસ્તાન સાથેની પહેલી વોર ૧૯૪૭-૪૮ માં લડાઇ તેનું નામ ઓપરેશન ગુલમર્ગ અપાયું હતું. ૧૯૬૫ની ભારત પાકિસ્તાન વચ્ચેની વોરને ઓપરેશન રીડલ નામ અપાયું હતું. જમ્મુના અખનૂર રીજીયનને જમ્મુથી છૂટું પાડવાના પ્રયાસને ઓપરેશન ગ્લાન્ડ સ્લેમ નામ અપાયું હતું.
૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં જ્યારે બાંગ્લાદેશનો ઉદય થયો ત્યારના લશ્કરી ઓપરેશનનું નામ ઓપરેશન કેકટસ લીલી નામ અપાયું હતું. ત્યારે નૌકાદળે કરેલા હુમલાને ઓપરેશન ટ્રાઇડેન્ટ અને ઓપરેશન પાયથોન નામ અપાયું હતું. ઓપરેશન ટ્રાઇડેન્ટમાં ભારતના નૌકાદળે કરાચી પોર્ટ પર હુમલો કર્યો હતો. ત્યારે તે ક્ષેત્રને બચાવવા પહેલીવાર એન્ટી શીપ મિસાઇલનો ઉપયોગ કરાયો હતો. ૧૯૭૧ની ૪થી ડિસેમ્બરે કરાયેલા હુમલાના કારણે પાક્સ્તિાનના ઓઇલ રિઝર્વને બહુ મોટું નુકશાન થયુ ંહતું.
ઓપરેશન ટ્રાઇડેન્ટ પછી ૧૯૭૧થી ૮ ડિસેમ્બરે કરાચી ખાતે પાકિસ્તાનના બાકી રહેલા નૌકા મથકોને ઓપરેશન પાયથોન હેઠળ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.જેના પગલે બાંગ્લાદેશનો જન્મ થયો હતો અને પાકિસ્તાનની અપમાનજનક હાર થઇ હતી અને તેના ૯૦,૦૦૦ સેનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું.
૧૯૮૪નું ઓપરેશન મેધદૂત તો સફળતાની સેલ્યૂટ સમાન હતું. ૨૦૦૩ની ચાર ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર વોર લડાઇ હતી અને ભારતે સિયાચીન પર કબજો મેળવ્યો હતો.
એવી જ રીતે ૧૯૯૯ની કારગીલ વોરને ઓપરેશન વિજય નામ અપાયું હતું. જેમાં ભારતે ૫૦૦ જેટલા તો પાકિસ્તાને ૩૦૦૦ જેટલા સૈનિકો ગુમાવ્યા હતા. ભારતની સંસદ પરના હુમલા બાદ પાકિસ્તાન પર કરેલા હુમલાનો ઓપરેશન પરાક્રમ નામ અપાયું હતું.
૨૦૧૯માં બાલાકોટ એરસ્ટ્રાઇકને ઓપરેશન બંદર નામ અપાયું હતું. ઓપરેશન સિંદુર તેના રંગની જેમ વધુ લાલચટ્ટક બની રહ્યું છે.