- પગાર અને વળતર સહિત 6,361 કરોડ રૂપિયાનું પેકેજ
- પ્રસંગપટ
- ભારતમાં નાની કંપનીઓ પગાર અને કોમ્પેન્સેશનને એકસમાન ગણે છેઃ વિદેશમાં મોટા ભાગની કંપનીમાં પ્રોફેશનલ સીઇઓ
ગુગલના સીઇઓ સુંદર પિચાઇનો પગાર વિશ્વના અન્ય સીઇઓ કરતાં દસ ગણો વધુ છે. બે દિવસ અગાઉ જ્યારે ગુગલે સુંદર પિચાઇના નવા પગાર ધોરણની જાહેરાત કરી ત્યારે વિશ્વની દરેક મોટી કંપનીઓને પણ આશ્ચર્ય થયું હતું. ભારતમાં તો કેટલીક કંપનીઓની કુલ આવક કરતાં પણ વધુ સુંદર પિચાઇનો પગાર છે. ભારતની કંપનીઓમાં સીઇઓના પગાર ૧૨ લાખથી ૧૦ કરોડ રૂપિયા સુધીનો હોય છે.
ગુગલના સીઇઓ સુંદર પિચાઇનું ત્રણ વર્ષનું પગાર સહીતનું કોમ્પેનસેશન (વળતર) પેકેજ અધધ... કહી શકાય એેવું ૬૯૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૬,૩૬૧ કરોડ રૂપિયાનું છે. આલ્ફાબેટ કંપનીએ ગુગલના ગ્રોથના આધારે વળતરની રકમ વધારી છે.
એક અંદાજ અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જની ૨૦૦ કંપનીઓમાં સીઇઓનું સરેરાશ પગાર પેકેજ વાર્ષિક ૮ કરોડ રૂપિયા જેટલું હોય છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિ ડામાડોળ હોવા છતાં ભારતની કંપનીઓેએ સ્ટાફ ઘટાડયો છે, પણ સીઇઓેના પગારોમાં કાપ નથી મૂક્યો, કેમ કે તેમની વ્યૂહરચના અનુસાર કંપની પ્રોગ્રેસ કરતી હોય છે.
સુંદર પિચાઇના વળતરના પેકેજમાં બે મિલિયન ડોલરની વાર્ષિક બેઝિક પગારનો સમાવેશ થાય છે. વળતરમાં મોટો હિસ્સો ૧૨૬ મિલિયન જેટલો છે, જે સ્ટોક સંબંધિત છે. આલ્ફાબેટની અન્ય કંપનીઓના પરફોર્મન્સની પણ ગણત્રી કરાશે.
ગુગલના સુંદર પિચાઇને મળતા પગારની સરખામણી વિશ્વની ટોચની કંપનીઓના સીઇઓે સાથે કરવામાં આવે તો માઇક્રોસોફ્ટના સત્ય નડેલાનું વાર્ષિક પેકેજ ૯૬.૫ મિલિયન ડોલર મળે છે, તો એપલના ટીમ કૂકને ૭૪.૩ મિલિયન ડોલર મળે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓેના સીઇઓના કોમ્પેનસેશન (વળતર)માં મોટો ઉછાળો નોંધાયો છે. સીઇઓને પગાર પેટે રકમ વધે છે કે વળતર રૂપે વધે છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે કંપની તરફથી તેમને મળતી રકમમાં વધારો થઇ રહ્યો છે.
ભારતની વાત કરીએ તો, ૨૦૨૫માં સોથી વધુ વળતર વિપ્રોના સીઇઓને મળે છે - તેમને ૧૬૮ કરોડ ચૂકવાયા હતા. બીજા નંબરે પર્સિસ્ટન સિસ્ટમના સીઇઓ સંદીપ કાલરાનું નામ આવે છે. તેમને પણ ૧૬૮ કરોડ રૂપિયાનું વળતર સાથેનું પેકેજ મળી રહ્યું છે. ત્રીજે હિરો મોટર કોર્પોરેશનના પવન મુંજાલ આવે છે, જે કંપનીના પ્રમોટર પણ છે અને ચેરમેન- ડિરેક્ટર પણ છે.
કોમ્પેનસેશન રકમમાં બોનસ, કમિશન, હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇનોવેટીવ કામના પૈસા, વધારાના કામનો અને મૂળ કંપનીની સાથે જોડાયેલી અન્ય કંપનીઓના વહિવટમાં સુધારો કરવાના પ્રયાસનું વળતર વગેરેનો સમાવશે થાય છે. વળતરનું મોટું પેકેજ સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને છે. કંપનીમાં નવા જોડાતા લોકો પણ કોમ્પેનસેશન કેટલું મળે છે તેના પર નજર રાખતા હોય છે.
ભારતની અનેક કંપનીઓમાં કોમ્પેેન્સેશનની સિસ્ટમ ઊભી કરાઇ નથી. નાની કંપનીઓ તો પગાર અને કોમ્પન્સેશનને એક સમાન ગણતી
આવી છે.
કોલેજ કેમ્પસમાં ટેલેન્ટ સિલેક્શન માટે આવતી દેશની ટોચની કંપનીઓ જ્યારે કોઇ વિદ્યાર્થીને એક કરોડનું વાર્ષિક પેકેજ ઓફર કરે છે ત્યારે તે સમાચાર બની જાય છે.
ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું આર્થિક તંત્ર બનવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કંપનીના પ્રમોટરોએ કંપનીમાં સીઇઓ નીમીને વહિવટમાં નવી સૂઝ ઊભી કરવા પ્રયાસ કરવો જોઇએ. ભારતની અનેક કંપનીઓ કુટુંબના સભ્યોને કે પારિવારિક નિકટતા ધરાવતી વ્યક્તિને વહિવટ સોંપતી હોય છે.
વિદેશની લગભગ દરેક કંપનીઓમાં સીઈઓ જોવા મળે છે. ભારતની અનેક કંપનીઓમાં પ્રોફેશનલ સીઇઓ છે. તેમને કંપનીમાં નિર્ણયો લેવાની સ્વતંત્ર સત્તા સોંપવામાં આવે છે. તેમના પર્ફોર્મન્સના આધારે પગાર નક્કી થતો હોય છે. મલ્ટિનેશનલ કંપનીઓ સીઇઓને તગડા પગારો આપે છે. કંપનીમાં સીઇઓ વહિવટમાં આધુનિકીકરણ અપનાવી શકે છે અને ઇનોવેશનને મહત્ત્વ આપે છે.


