Updated: Mar 13th, 2023
- આર્થિક નિષ્ણાતો માથું ખંજવાળી રહ્યા છે
- પ્રસંગપટ
- સિલિકોન વેલી બેંકે માત્ર ભારત નહીં, દુનિયાના વિકસિત દેશોની ઊંઘ ઉડાડી દીધી છે
અમેરિકાની સિલિકોન વેલી ટોચની આઈટી કંપનીઓના કારણે વિશ્વમાં ખ્યાતનામ છે, પરંતુ સિલિકોન વંેલી બેંકના ઉઠમણાથી તેની બદનામી થઇ છે. લોકોએ બોધપાઠ એ લેવો જોઇએ કે પરસેવો પાડીને ભેગી કરેલી મૂડી એક જ બેંકમાં નહીં, પણ એક કરતાં વધારે બેંકોમાં રાખવી જોઈએ. અમેરિકાની સોળમા નંબરની સૌથી મોટી ગણાતી બેંક સિલિકોન વેલી બેંક સહકારી મંડળીની જેમ રાતોરાત ઉઠી ગઇ અને હવે એની સંભવિત અસરો પર ચર્ચા થઇ રહી છે. બેંક પાસે થાપણદારોને ચૂકવવાના ડોલર ખૂટી પડતાં બેંકનું ઉઠમણું થયું હતું.
અદાણીના શેરમાં કડાકો સાંભળીને જે અમેરિકનો ખુશ થઇ ગયા હતા, પણ હવે એમણે એમનું થૂંકેલું ચાટવું પડે એવી સ્થિતિ થઇ છે. આર્થિક ક્ષેત્રે વારા પછી વારો, મારા પછી તારો જેવી સ્થિતિ છે. આવું કોઇ પણ દેશ સાથે થઇ શકે છે. અમેરિકા એકવાર વિશ્વના આર્થિક તંત્રને લેહમેન બ્રધર્સના નામે ફટકો મારી ચૂક્યું છે. સિલિકોન વેલીની કંપનીઓનાં રોકાણ પર નભતા ભારતના આઈટી ક્ષેત્રના ઉદ્યોગોએ ટેમ્પરરી આઘાત સહન કરવો પડશે.
આપણા દેશમાં સહકારી બેંકો રાતોરાત ઉઠી જાય છે અને બેંકને તાળાં લાગી જાય છે એવું વારંવાર જોવા મળ્યું છે, પરંતુ અમેરિકા જેવા સમૃદ્ધ દેશ કે જેના આર્થિક નિષ્ણાતો છાશવારે ભારત સહિત દુનિયાભરના દેશોને આર્થિક બાબતોની સલાહ સૂચનો આપ્યા કરે છે, તેમના માટે તો શરમજનક સ્થિતિ ઊભી થઇ છે. સિલિકોન વેલીમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વિસા, માસ્ટરકાર્ડ, શેવરોન, વેલ્સ ફાર્ગો જેવી અગણિત દુનિયાની ટોચની કંપનીઓ છે ત્યાં સિલિકોન વેલી બેંકનું રાતોરાત ઉઠમણું થયું તે ભારતમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિ આર્થિક મેગેઝિન 'ફોર્બ્સ' તરફથી સિલિકોન વેલી બેંકને શ્રેષ્ઠ બેંક તરીકે જાહેર કરવામાં આવી હતી. બેંક ઉઠી ગઇ એના ફક્ત પાંચ દિવસ પહેલાં એટલે કે માર્ચ ૬, સોમવારે બેંકે જાહેર કર્યું કે 'ફોર્બ્સ' દ્વારા અમને શ્રેષ્ઠ બેંક જાહેર કરવામાં આવી છે તે વાતનું અમે ગૌરવ અનુભવીએ છીએ. ભારતમાં તો લોકો 'ફોર્બ્સ' કહે તેને બ્રહ્મ વાક્ય ગણતા હતા, પરંતુ હવે તો 'ફોર્બ્સ'ના રેન્કીંગ સામે પણ શંકા ઊભી થઈ રહી છે.
ભારતનાં સ્ટાર્ટ-અપ્સ પર અમેરિકન બેંકના ઉઠમણાની સીધી અસર થઇ શકે છે. આ સ્ટાર્ટ-અપ્સ ઉપરાંત કેલિફોર્નિયા ઉપરાંત ઘણી કંપનીઓની વેન્ચર કેપિટલ ફર્મ દ્વારા પૈસા મેળવે છે.
સામાન્ય માણસ બેંકમાં પૈસા મૂકે છે. થોડુંઘણું સેવિંગ કરે છે અને વ્યાજ લેવાનું સપનું જોયા કરે છે, પણ બેંક તમારા પૈસામાંથી બીજાને લોન આપીને એમાંથી વ્યાજ કમાય છે અને બાકીના પૈસા સિક્યોરિટીઝમાં રોકે છે. ખાતેદારોને અમુક પૈસા પાછા જોઈતા હોય એટલે બેંક અમુક કેશ હાથ ઉપર રાખે છે. સિલિકોન વેલી બેંકનાં ટ્રાન્ઝેક્શન કરોડો ડોલરમાં થતાં હતા. આ બેંકમાં જાયન્ટ ટેકનિકલ કંપનીઓની ૧૦૦ મિલિયન ડોલર જેવી થાપણો વન્ચર કેપિટલ ફન્ડ તરફથી આવતી. આ વન્ચર કેપિટલ ફન્ડ માટે સિલિકોન વેલી બેંક એક પ્લેટફોર્મ હતી કે જ્યાંથી ટેક કંપનીઓ પૈસા કલેક્ટર કરી લેતી.
બેંકોને પણ આવક તો વધારવાની જ હોય એટલે સિલિકોન વેલી બેંકે લોકોના પૈસા ગવર્મેન્ટ બોન્ડમાં રોક્યા. દરેક દેશની સરકારો પોતાનો ખર્ચો કાઢવા માટે લોકોને સરકારી બોન્ડ યોજનામાં આમંત્રણ આપે છે. સરકારી બોન્ડમાં રોકાણ બહુ સલામત કહેવાય, કારણ કે સરકાર પૈસા આપવા બંધાયેલી છે. બોન્ડ બહુ તરે નહીં તો પણ તમારાં પૈસા ડૂબે નહીં. સિલિકોન વેલી બેંકે પણ અમેરિકન સરકારી બોન્ડ ખરીદ્યા હતા. બસ, ત્યારથી મુશ્કેલી ચાલુ થઇ.
સિલિકોન વેલી બેન્કે જે બોન્ડ લીધેલા એ લોંગ ટર્મ માટે હતા, જેમાં વ્યાજનો દર ઓછો હતો. બોન્ડ માર્કેટ હરીફાઈમાં ટકી શકે એમ નહોતા અને વધતા વ્યાજ દર સામે એમની કિંમત કોડીની થઇ ગઇ. બેન્ક પાસે ૧૧૭ બિલિયન ડોલરના બોન્ડ હતા, પણ ખરીદવામાં આવ્યા ત્યારે તેની કિંમત ૧૨૭ બિલિયન ડોલર હતી. અધૂરામાં પૂરું વ્યાજદર વધ્યો એમાં બેંકના બધા પૈસા એક જ રાતમાં ડૂબી ગયા. સદભાગ્યે થાપણદારોને લગભગ અઢી લાખ ડોલર સુધીની રકમ ચૂકવવા માટે કોઇ મુશ્કેલી નથી, પણ એનાંથી વધારે પૈસા મૂક્યા હોય એમણે લગભગ નાહી નાખવું પડશે. બેંક પાસે લગભગ ૧૫૧ બિલિયન ડોલર અસુરક્ષિત હતા. આ રકમ હવે ગયા ખાતે સમજી લેવાની. સૌથી વધુ પૈસા રોકુ નામની કંપનીએ ગુમાવ્યા છે - લગભગ ૪૮૭ મિલિયન ડોલર. બ્લોકફાઇ નામની ક્રિપ્ટો કંપનીએ ૨૨૭ મિલિયન ગુમાવ્યા છે.