કાળઝાળ ગરમી સામેની ડિફેન્સ સિસ્ટમ એટલે એસી અને વૃક્ષો
- દોઢ કરોડ લોકોએ આ વર્ષે એસી ખરીદ્યાં છે
- જ્ઞાતિના સમૂહ લગ્નોમાં વર કન્યાને ગિફ્ટમાં ફ્રિજ અને દોઢ ટનના એસીનો પણ સમાવેશ
- પ્રસંગપટ
આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ઠંડકનો એહસાસ કરવા શ્રીમતો અને ઉચ્ચમધ્યમ વર્ગ જ નહીં, હવે તો મધ્યમ-મધ્યમ વર્ગના લોકો પાસે પણ એસી (એરકંડીશનર) જેવાં કૃત્રિમ ઉપકરણો છે. વિશાળ વૃક્ષોનો છાંયો કુદરતી એસી સમાન છે. માણસ પાસે તો ગરમીનો સામનો કરવાની સમજ અને સવલત બંને છે, પરંતુ પૃથ્વી પર રહેતાં પશુપક્ષીઓની હાલત આવી ભયાનક ગરમીમાં ખરાબ થઈ જાય છે.
૪૫ ડિગ્રી તાપમાનને આગ ઓકતી ગરમી કહી શકાય. બપોરે કરફ્યૂ જેવું વાતાવરણ થઈ જાય છે. પ્રત્યેક ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ પર સરકારે મંડપ જેવું કવર કરવાની જરૂર છે. અગનગોળા વરસી રહ્યા હોય ત્યારે ટ્રાફિક સિગ્નલ પર એક અડધી-એક-દોઢ મિનિટ માટે ઊભા રહેવાનું આવે એટલે હિટ સ્ટ્રોકનો ભોગ બનવાની શક્યતા ખૂબ વધી જાય.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો ૪૫ ડિગ્રી ગરમીથી જાણે કે ટેવાઇ ગયા હોય છે. બનાસકાંઠાના વિસ્તારોમાં તો ગરમીનાં 'દર્શન' કરાવતી વિશેષ ટૂરના આયોજન કરવાની જરૂર છે!
દિલ્હીમાં આગામી ત્રણ દિવસ ભારે ગરમી પડવાના અહેવાલો છે. ભારે ગરમીમાં પૃથ્વી પરના જીવો આકુળવ્યાકુળ થઇ જાય છે. સાધનસંપન્ન લોકો ગરમીનેા સામનો કરનાં ઘરમાં રહીને એસી ઓન કરી દે છે, પરંતુ શ્રમજીવી લોકો મેધરાજાને વિનવે છે કે જલદી પધારો અમને ગરમીના ત્રાસમાંથી મુક્ત કરો.
એરકન્ડીશનર હવે જીવન જરૂરિયાત બની ગઇ છે. ભારતમાં દોઢ કરોડ લોકોએ આ વર્ષે એસી ખરીદ્યાં છે. એસીના કારણે લાઇટ બિલ વધારે આવે છે, પણ કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે તે માટે લોકો એસીનો ઉપયોગ કર્યા વગર રહી શકતા નથી. ઈએમઆઈ અથવા તો માસિક હપ્તા ભરીને પણ મધ્યમવર્ગ ઘરમાં એસી વસાવે છે અને જરુરિયાત પ્રમાણે વાપરે છે. બંગલાઓમાં વસતા લોકો સોલાર પેનલ એટલા માટે નખાવે છે કે ઘરના દરેક રૂમમાં એસીનો ઉપયોગ કરવામાં આવે તો પણ તે મોંઘું ન પડે.
ૉફ્રીજ ઘણાં વર્ષો પહેલાં ભારતીયોનું રોજિંદા વપરાશનું ઉપકરણ બની ચૂક્યું હતું. હવે એસીની ગણના પણ આ જ રીતે થાય છે. તોજેતરમાં એક જ્ઞાતિના સમૂહલગ્નમાં વર-કન્યાને ટેમ્પો ભરીને ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં સ્ટીલનો કબાટ, ડબલ બેડ, ગેસની સગડી, ફર્નિચર ઉપરાંત ફ્રિજ અને દોઢ ટનના એસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
એસીનો વપરાશ વધતાં એસી બનાવતી કંપનીઓ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી રહી છે. તેઓ દાવો કરે છે કે અમારી નવી ટેકનોલોજીવાળું એસી વાપરશો તો લાઇટ બિલ ઓછું આવશે, કૂલિંગ ઓટોમેટિકલી વધારે-ઓછું થશે, રૂમ બહારનું ટેમ્પરેચર પણ ડિસ્પ્લે થશે, વધારે. હવે કેટલાય સમાજોમાં યોજાતાં સમૂહલગ્નોમાં ભેટમાં એસી આપવાનું કોમન થઈ ગયું છે.
કાર, લકઝરી બસ વગેરે વાહનોમાં ચાલતાં એસી બહાર ગરમ હવા ફેંકે છે જે બફારામાં વધારો કરે છે. એક્ઝોસ્ટ એર પણ વાતાવરણની ગરમી અને બફારામાં વધારો કરે છે.
ઘરની બહાર વૃક્ષો રોપવાથી તમને ખુદ કદાચ છાંયો મળે કે મળે, પણ અન્ય જીવોને એનો લાભ જરુર મળશે. પર્યાવરણખાતાની બહુ મજાની જાહેરાત છે, જેમાં એક વ્યક્તિ લાઇટ બિલ એટલું ને એટલું રહે, જરાય ન વધે તેવું એસી ખરીદવા નીકળે છે. બધા તેની મશ્કરી કરે છે, પરંતુ એક વેપારીએ તેને કૂંડામાં રોપેલો છોડ આપીને કહે છેઃ તારા ઘરની બહાર આ છોડ રોપજે, તે પાંચ વર્ષમાં મોટું વૃક્ષ બનીને તને લાઇટ બિલ વિના એેસી જેવી ઠંડક આપશે.
દિલ્હીમાં જ્યાં ૫૦ ડિગ્રી ગરમી નોંધાઇ છે ત્યાં એસી પણ ઠંડક આપવામાં નિષ્ફળ જાય છે. લોકો મોડી સાંજની રાહ જોતા રહે છે અને કુદરતે ઠંડક થયા પછી બહાર નીકળે છે. ઉત્તર પ્રદેશના ૧૯ જીલ્લામાં આગામી ત્રણ દિવસમાં ૪૯ ડિગ્રી ગરમી પડવાની જાહેરાત કરાઇ છે. આવી કાળઝાળ ગરમીમાં જ્યારે જૈન ભગવંતો ખુલ્લા પગે ચાલીને જ્યાં ચોમાસું કરવાનું છે ત્યાં પહોંચવા વિહાર કરે છે ત્યારે તેમને વંદન કરવા માથું ઝુકી જાય છે.