ઘર આંગણે કોફીનો વપરાશ વધવા સાથે નિકાસમાં પણ વૃદ્ધિ
પ્રસંગપટ
ભારતની કોફીની માગ દરિયાપારના દેશોમાં પણ સારી
કોફીની નિકાસ ત્રિમાસિક ગાળામાં આશરે 22 ટકા વધી રૂ. 5275 કરોડ પહોંચી
ભારતમાં દેશવ્યાપી ધોરણે પરંપરાગત પીણા તરીકે ચાનો વપરાશ વર્ષોથી થતો રહ્યો છે અને આ દરમિયાન કોફીનો વપરાશ વિશેષરૂપે દેશના દક્ષિણના રાજ્યો પુરતો સિમિત રહ્યો હતો પરંતુ હવે તાજેતરના વર્ષોમાં સિનારીયો બદલાતો જોવા મળ્યો છે તથા હવે ખાસ કરીને દેશના યુવા વર્ગમાં કોફીની માગ વધતી જોવા મળી છે. મોટા શહેરો તથા નગરોમાં હવે કોફીની માગ વદી છે. તથા કોફી પીરસતા કેન્દ્રોેની સંખ્યા પણ વધતી જોવા મળી છે. આ દરમિયાન ઘરની બહાર પીવાતી કોફીની માગ વધી હતી પરંતુ હવે ઘરની અંદર પીવાતી કોફીની માગ પણ વધતી દેખાઈ છે. દેશમાં કોફીનું ઉત્પાદન જો કે દક્ષિણ ભારતના રાજ્યો પૂરતું સિમિત રહ્યું છે પરંતુ કોફીની બજાર હવે દેશવ્યાપી માગ વચ્ચે વિસ્તરતી જોવા મળી છે. દેશમાં કોફીની માગ વધી છે ત્યારે ભારતની કોફીની માગ દરિયાપારના દેશોમાં પણ સારી રહી હોવાનું કોફી બજારના જાણકારોએ જણાવ્યું હતું.
તાજેતરમાં જૂનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં દેશમાંથી થતી કોફીની નિકાસમાં આશરે ૧૮થી ૧૯ ટકાની વૃદ્ધી જોવા મળી હોવાના સમાચાર આવ્યા છે. આવી નિકાસ વૃદ્ધી જો કે મુલ્યના સંદર્ભમાં થઈ છે તથા આ ૩ મહિનાના ગાળામાં કોફીની નિકાસ વધી આશરે ૬૧થી ૬૨ કરોડ ડોલર આસપાસ થઈ છે. જો કે કવોન્ટીટી (પ્રમાણ)ના સંદર્ભમાં જોઈએ તો આ ગાળામાં ભારત ખાતેથી કોફીની નિકાસમાં આશરે ૧૭થી ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોફી બજારના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે કોફીના ભાવ ઉંચા જતાં મુલ્યના સંદર્ભમાં કોફીની નિકાસમાં વૃદ્ધી જોવા મળી છે. ગયા વર્ષે ૨૦૨૪માં આ ત્રિમાસિક ગાળામાં આવી નિકાસ આશરે ૫૧થી ૫૨ કરોડ ડોલર જેટલી થઈ હતી. સરકાર હસ્તકના કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે જૂન અંતે ત્રિમાસિક ગાળામાં કોફીની નિકાસ પ્રમાણમાં સંદર્ભમાં આશરે ૧ લાખ ૩ હજાર ટન જેટલી થઈ છે જે ગયા વર્ષે આ આ ગાળમાં આશરે ૧ લાખ ૨૩ હજાર ટન જેટલી નોંધાઈ હતી. કોફીના ભાવ ઉંચા રહેતાં ભારતની કોફીમાં દરિયાપારના બાયર્સ ખપ પૂરતી ખરીદી કરતા આ વર્ષે જોવા મળ્યા હતા. કોફીના ભાવમાં તાજેતરના વર્ષોમાં તેજીનો પવન ફઊંકાતો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે બ્રાઝીલ તથા વિયેતનામમાં કોફીની સપ્લાય ઘટી હોવાના વાવડ મળ્યા હતા. દરમિયાન, રૂપિયાના સંદર્ભમાં ભારતમાંથી કોફીની નિકાસ ત્રિમાસિક ગાળામાં આશરે ૨૧થી ૨૨ ટકા વધી રૂ.૫૨૭૦થી ૫૨૭૫ કરોડ જેટલી થઈ છે જે પાછલા વર્ષે આ ગાળામાં રૂ.૪૩૧૪થી ૪૩૧૫ કરોડ જેટલી થઈ હતી. ગયા વર્ષે કોફીની નિકાસમાં ટનદીઠ આશરે રૂ.૩ લાખ ૩૫થી ૪૦ લાખ ઉપજ્યા હતા તે આ વર્ષે રૂ.૫ લાખથી ૧૦ હજાર જેટલા ટનદીઠ ઉપજ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
છ મહિનાના ગાળામાં કોફીની નિકાસ આશરે ૨૬ ટકા વધી ૧૧૬થી ૧૧૭ કરોડ ડોલર થઈ છે. જ્યારે આ ગાળામાં ક્વોન્ટીટી (પ્રમાણ)ના સંદર્ભમાં કોફીની નિકાસ ૨ લાખ ૪૩ હજાર ટનથી ઘટી ૨ લાખ ૬ હજાર ટન જેટલી થઈ છે. ભારતની કોફી નિકાસ આ ગાળામાં ઈટલી તરફ વિશેષ થઈ છે તથા જર્મની, બેલ્જિયમ, રશિયા તથા તુર્કી તરફ પણ કોફીની નિકાસ આ ગાળામાં વિશેષ જોવા મળી છે. જો કે ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો એ વખતે તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કરતાં ત્યાર પછીના ગાળામાં ભારતની તુર્કી તરફ થતી કોફીની નિકાસ પર પ્રતિકૂળ અસર જોવા મળી હોવાનું કોફી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે કોફીના થતા કુલ ઉત્પાદનમાં ભારત સાતમા ક્રમાંકે આવે છે. જ્યારે કોફીની નિકાસના સંદર્ભમાં ભારતનો ક્રમાંક વૈશ્વિક સ્તરે પાંચમો રહ્યો છે. ભારતમાં કોફીનું વાર્ષિક ઉત્પાદન કુલ જેટલું થાય છે એ પૈકી આશરે બે તૃતીયાંશ જેટલી કોફી આપણે નિકાસ કરીએ છીએ એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં જૂન મહિનામાં વધુ પડતો વરસાદ થતાં દેશના કોફી ઉત્પાદકો ચિંતામાં પડયાના વાવડ પણ મળ્યા હતા. ખાસ કરીને કર્ણાટક રાજ્યમાં કોફી ઉગાડતા ખેડૂતોમાં આવો અજંપો વધ્યો છે. આ વિસ્તારમાં અરેબીકા તથા રોબસ્ટા કોફીમાં જીવાત પણ દેખાઈ છે. ઘણા વર્ષો અગાઉ ઇથોપિયામાં કોફીની શોધ થઈ હતી અને ત્યારબાદ કોફીનો વ્યાપ વિશ્વ બજારમાં ફેલાયો હતો. કોફીની ખેતીનો વ્યાપ વધારવા ઘણા ઉત્પાદક દેશો જંગલો કાપીને કોફી ઉગાડતા થયા હતા અને આના કારણે યુરોપના દેશોએ જંગલો કાપીને કોફી ઉગાડતા દેશોનો તાજેતરમાં વિરોધ પણ શરૂ થયાના વાવડ મળ્યા છે. આના પગલે કોફીની નિકાસ કરતા દેશોમાં અજંપો પણ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી.