For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકીય આકાશમાં કાણ કોને પતંગ કાપશે? દરેક પક્ષ પતંગ હવામાં રાખવા મથી રહ્યા છે

Updated: Jan 14th, 2023

Article Content Image

- પ્રજાનો મૂડ અને અપેક્ષાનો ટોન શું છે તે જાણી શકાશે

- ઉત્તરાયણ અગાઉ વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નીતિશકુમારે ચઢાવેલો પતંગ કોંગ્રેસે કાપી નાખ્યો છે...

- પ્રસંગપટ

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સ્વાભાવિક રીતે જ રાજકારણ બહુ મહત્ત્વનું પાસું હોવાનું. આજે ઉતરાણ છે. રાજકીય આકાશમાં કાણ કોનો પતંગ કાપશે તેના પર સૌની નજર છે. ૨૦૨૩ના આકાશમાં ચઢતા અને કપાતા પતંગોના આધારે ૨૦૧૪ના લોકસભાના જંગમાં ક્યા રાજકીય પક્ષના નેતાઓના પતંગ આકાશમાં ચઢશે અને કોણ કોના પતંગ કાપશે તેનો અંદાજ મળી શકાશે. 

૨૦૨૩માં નવ રાજ્યોમાં ચૂંટણી છે.૨૦૨૪માં મહત્ત્વની એવી લોકસભાની ચૂંટણી આવતી હોઇ ૨૦૨૩ના વિધાનસભાનાં પરિણામો પણ અનેક સંકેતો આપી શકે છે. ઉત્તરાયણ અગાઉ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નીતિશકુમારે ચઢાવેલો પતંગ કોંગ્રેસે કાપી નાખ્યો છે. કોંગ્રેસ હજુ ખોંખરીને  નથી કહેતું કે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી રહેશે.  તાજેતરમાં કોંગ્રેસના નેતા જયરામ રમશે કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વડાપ્રધાન પદ માટેની તેમની ઉમેદવારી માટે નથી, પરંતુ એ વાત ના ભૂલવી જોઇએ કે ભારત જોડો યાત્રાને કારણે રાહુલની  વડાપ્રધાન પદ માટેની દાવેદારી વધુ મજબૂત બની છે. 

૨૦૨૩ પ્રજાનો મૂડ કઇ તરફ છે અમને પ્રજાની અપેક્ષાનો ટોન શું છે તે પણ જાણી શકાશે. ચૂંટણીના પરિણામો બેરોમીટર સમાન હોય છે. જો ૨૦૨૩ના વિધાનસભા જંગમાં કેન્દ્રનો સત્તાધારી પક્ષ ભાજપ  બહુ સારો દેખાવ નહીં કરી શકે તો વિરોધ પક્ષનો આત્મવિશ્વાસ વધશે અને તે ભાજપને લોકસભામાં પડકારી શકશે. જો કોંગ્રેસ સારો દેખાવ નહીં કરી શકે તો વિપક્ષની એકતા તૂટશે અને તે વડાપ્રધાન મોદી માટે ફરી એક ટર્મ માટની જીત આસાન બનાવી દેશે.

રાજકારણની દિશા ચૂંટણી પરિણામો પરથી નક્કી થતી હોય છે. ૨૦૨૩માં થનારા  વિધાનસભાના જંગમાં વિપક્ષો એક થાય તેવા કોઇ ખાસ સંકેતો નજરે પડતા નથી. રાજકીય સમીક્ષકોનું ગણિત એ છે કે જો ૨૦૨૩ના વિધાનસભા જંગમાં કોંગ્રેસ સારો દેખાવ નહીં કરે તો વિપક્ષો ફરી એક થશે અને તેઓ ભાજપને પડકારી શકે છે.

વિપક્ષનો હવેનો મોરચો ભાજપ-વિરોધી નહીં પણ મોદી-વિરોધી બની શકે છે. વિરોધ પક્ષોના સલાહકારો કહે છે કે કેટલાક રાજ્યોમાં ભાજપને ઉમેદવારોને મળેલી જીતનો માર્જીન બહુ ઓછો હતો માટેે તે મત વિસ્તારોને ટાર્ગેટ કરવા જોઇએ. વિપક્ષની કમનસીબી એ છે કે તેમના  દરેક નેતાને વડાપ્રધાન થવું છે. મમતા બેનરજી, અખિલેશ યાદવ વગેરે નેતાઓ પણ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા ટાંપીને બેઠાં છે. 

જોકે આ દરમ્યાન રાહુલ ગાંધીએ ભારત જોડો  યાત્રા શરૂ કરીને પોતાની ઉમેદવારી મજબૂત બનાવી દીધી છે.  કેટલાક રાજકીય સમીક્ષકો માને છે કે ભારત જોડા યાત્રાની સફળતાથી રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો ગયો છે, પરંતુ તે વિપક્ષને સાથે રાખી  શક્યા નથી તે પણ હકીકત છે.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે વડાપ્રધાન બનવા માટે તો બિહારમાં ભાજપ સાથેનું જોડાણ તોડી નાખીને તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ તેમને નિરાશ કર્યા છે.

નવ રાજ્યોમાંથી બે રાજ્યો એવાં છે કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ સાવ સામસામે છે -  રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં કુમારસ્વામીના જનતા દળ (એસ)ને કારણે ત્રિકોણીયો જંગ જોવા મળશે. ભાજપને યેદુઆરપ્પા જૂથ પરેશાન કરી રહ્યું છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જૂથબંધી જાહેરમાં દેખાય છે ત્યારે ભાજપમાં જૂથબંધી બંધ મુઠ્ઠીમાં છે. જો તે ખુલે તો ભાજપની ઇમેજ રાખમાં મળી શકે છે, પરંતુ ચૂંટણીવ્યૂહ રચનામાં બંને પક્ષો પાવરધા છે અને કર્ણાટક જીતવા એડીચોટીનું જોર લગાવી દેશે. 

૨૦૨૩ના વિધાનસભા જંગમાં કોંગ્રેસને સૌથી મોટી રાહત એ છે કે તેના વોટ તોડતી આમ આદમી પાર્ટીએ હજુ ચૂંટણી લડવાની જાહેરાત નથી કરી. ગુજરાતમાં ધબડકો કરનાર આમ આદમી પાર્ટી કદાચ સંગઠન બનાવવા પર વધુ ભાર આપશે એમ લાગી રહ્યું છે. ૨૦૨૩માં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાય તો કાશમીરની પ્રજા શું ઇચ્છે છે તે જાણી શકાશે. 

ઉત્તરાયણ આજે છે તે સાચું, પણ ભારતના રાજકીય આકાશમાં દરેક પક્ષ એકબીજાનો પતંગ કાપવા હંમેશા તૈયાર રહે છે તે પણ એટલું જ સાચું.

Gujarat