Get The App

કાનપુરમાં વગદારના પુત્રને સજાથી બચાવવા પોલીસની શંકાસ્પદ ભૂમિકા

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
કાનપુરમાં વગદારના પુત્રને સજાથી બચાવવા પોલીસની શંકાસ્પદ ભૂમિકા 1 - image

- 10 કરોડની લકઝરી કાર લમ્બોર્ગિનીનું કમઠાણ

- કારચાલક શિવમ મિશ્રાને બચાવવા પોલીસ અને વગદાર કુટુંબના હવાતીયાં: ચાર કલાકમાં જામીન

- પ્રસંગપટ

ભારતમાં જ્યારે પણ કોઇ વગદાર કુટુંબના સંતાનથી કાર અકસ્માત થાય ત્યારે પોલીસ તંત્રની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. પોલીસ તંત્ર એક તરફ કાયદાનું પાલન કરવા મથે છે તો બીજી તરફ વગદાર લોકોની સરભરા તેમને કાયદાનું પાલન કરતાં અટકાવે છે.  

તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે એક વગદાર ફેમિલીના પુત્રની ૧૦થી ૧૨ કરોડની લકઝરી કાર લમ્બોર્ગિની રેવુલ્ટોથી   થયેલા અકસ્માતમાં જે ત્રણ લોકોને ઇજા થઇ તેમની જાણે કે કોઇને પડી નહોતી. જોકે લકઝરી કારનો કાર ચાલક શિવમ મિશ્રાને બચાવવા એમનું વગદાર કુટુંબ અને પોલીસે જે હવાતીયાં માર્યાં તે લોકોની નજર સામે આવી ગયા છે.

શરૂઆતમાં પોલીસે નોંધેલી એફઆઇઆરમાં વગદાર ઉદ્યોગપતિના આ પુત્રરત્નનું નામ જ નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પર ઊહાપોહ થયા પછી પોલીસે તેનું નામ એફઆઇઆરમાં ઉમેરવું પડયું હતું.

કાનપુરનો લમ્બોર્ગિની અકસ્માતનો કેસ બહુ ચર્ચાસ્પદ બનવા પાછળનું મુખ્ય કારણ પોલીસની શંકાસ્પદ તપાસ છે. એફઆઇઆરમાં કાર ચાલકનું સાચું નામ લખવામાં કરવામાં આવેલા ગલ્લાંતલ્લાં અને પછી સોશિયલ મિડીયામાં સીસીટીવી ફૂટેજની ક્લિપ્સ વાઇરલ થયા બાદ ફેરવી તોળવામાં આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કાર ચલાવનાર શિવમ મિશ્રા ટોબેકો કિંગ તરીકે ઓળખાતા કે.કે. મિશ્રાનો પુત્ર છે. એ કંઈ અઢાર-વીસ વર્ષનો જુવાનિયો નથી, એ ૩૫ વયનો ભડભાદર માણસ છે. તેણે બેફામ રીતે કાર ચલાવતા અકસ્માત થયો હતો, જેમાં ત્રણ લોકોને ઇજા થઇ હતી. 

કાનપુર પોલીસે આ કેસમાં  ડ્રાઇવરનું નામ નહીં લખીને કેસને રફે-દફે કરવાની કોશિશ કરી હતી એવો આક્ષેપ સોશ્યલ નેેટવર્ક પર શરૂ થયો હતો. મામલો બહુ ચગતાં શિવમ મિશ્રાના પિતા કે.કે. મિશ્રા તેમના વકીલોની ફોજ સાથે પુત્રને બચાવવા મેદાનમાં આવી ગયા હતા. એવી રજૂઆત કરાઇ હતી કે  શિવમ નહીં, પણ એનો ડ્રાઇવર મોહનલાલ કાર ચલાવતો હતો. 

મિશ્રાના વકીલોએ એવી એફિડેવિટ રજૂ કરી હતી કે કાર તો ડ્રાઇવર ચલાવતો હતો અને શિવમ એની બાજુમાં બેઠો હતોે. શિવમને ચક્કર આવતાં તે ડ્રાઇવરની તરફ ઝૂકી જતાં ડ્રાઇવર સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી બેઠો હતો અને અકસ્માત થયો હતો.

જોકે તરતજ  સોશિયલ મીડિયા પર વીડિયો ફરતા થયા હતા, જેમાં  કેટલાક બોડી ગાર્ડ શિવમને કાર સીટ પરથી ખેંચીને બહાર કાઢતા હતા. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે શિવમ મિશ્રા અકસ્માત કરીને ભાગી ગયો હતો. એણે પોતાનું નામ છૂપાવવા ડમી ડ્રાઇવર મોહનલાલનું નામ  ફરતું કર્યું હતું.  પુત્રનો ગુનો છુપાવવા પિતાના વકીલોની ફોજે જ આ ડમી નામ રજૂ કર્યું હતું. શા માટે પોલીસ શિવમ મિશ્રાને બચાવી રહી છે તેનો જવાબ કાનપરનું પોલીસ તંત્ર આપી શકતું નથી.

૮ ફેબુ્રઆરીએ થયેલા અકસ્માત બાદ પોલીસે કહ્યું હતું કે અકસ્માત બાદ શિવમ ભાગી ગયો છે. કોર્ટમાં પણ ડ્રાઇવિંગ સીટ પર અન્ય ડ્રાઇવર હોવાની એફિડેવિટ રજૂ કરાઈ હતી. આ બધું જ મેનેજ કરવામાં આવ્યું હતું, કેમ કે શિવમને ગાડીમાંથી બહાર ખેંચી લેવાયો હોવાનો વીડિઓ હકીકત બયાન કરે છે. બાઉન્સરો જાહેરમાં લકઝરી કારની નંબર પ્લેટ ખેંચી કાઢતા નજરે પડયા હતા.

અતિ શાણા રાજકારણીઓ અકસ્માત કે ઝઘડાના કેસોમાં સીધા કૂદી પડતા નથી, પણ પડદા પાછળ રહીને વગદારને બચાવવા તેમના કાર્યકરો દ્વારા કળા કરતા રહે છે. શિવમ મિશ્રાના કેસમાં રાજકારણીઓ પોલીસ પર દબાણ કર્યું હશે પરંતુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા પૂરાવા અને તેના પગલે જાગેલા થયેલા ઊહાપોહ સામે સૌ લાચાર હતા. બહુ હો-હા થઈ એટલે ચાર દિવસ પછી શિવમ મિશ્રાની ધરપકડ કરાઇ હતી અને ચાર જ કલાકમાં તેના જામીન આપી દેવામાં આવ્યા. 

આપણે ત્યાં શ્રીમંત પિતાઓ પોતાના સંતાનને લકઝરી કાર ચલાવવા ચાવી સોંપીને બહુ ગૌરવ અનુભવતા હોય છે, પરંતુ જ્યારે તે અકસ્માત કરીને ભાગતાં ફરે છે ત્યારે કદાચ લકઝરી કાર ખરીદવા જેટલો જ ખર્ચ સંતાનને છોડાવવા કરવા પડે છે. પોલીસ તંત્ર અનેક વાર વગદાર લોકોના હાથનું રમકડું બની ચૂક્યું છે. લોકો પારદર્શક તપાસ ઇચ્છે છે.