Get The App

મુંબઈનાં કબૂતર પછી દિલ્હીનાં કૂતરાંનો વારોઃ પ્રાણીપ્રેમીઓ નારાજ

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈનાં કબૂતર પછી દિલ્હીનાં કૂતરાંનો વારોઃ પ્રાણીપ્રેમીઓ નારાજ 1 - image

- સુપ્રીમ કોર્ટના કડક ચુકાદાની સમીક્ષા કરવામાં આવશે

- પ્રસંગપટ

- પેરિસમાં રસ્તે રખડતાં કૂતરાં-બિલાડીઓનો સફાયો કરાયો ત્યારે  મોટા મોટા ઉંદરો શેરીઓમાં ફરવા લાગ્યા હતા..

ગઈ કાલે મુંબઈનાં કબૂતરોને ચણ નાખવાનું કોર્ટના આદેશથી બંધ કરાયું અને હવે દિલ્હીનાં રસ્તે રખડતાં કૂતરાઓને પકડી લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાંથી રખડતાં કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલી દેવાનો નિર્ણય અમાનવીય અને અવ્યવહારુ હોવાથી તેનો વિરોધ થયો છે. તે જોઇને ચીફ જસ્ટીસ ગવઇએ કહ્યું છે કે હું આ ઓર્ડરની સમીક્ષા કરીશ. દિલ્હી સરકાર પાસે હજારો કૂતરાં રાખવાનાં શેલ્ટર હોમ નથી. શેલ્ટર હોમમાં મોકલેલાં કૂતરાંને રોજ ખોરાક આપવાનું બજેટ પણ નક્કી નથી. ટૂંકમાં, આદેશ પ્રમાણે શેલ્ટર હોમમાં લવાયેલાં કૂતરાં અંદરોઅંદર લડીને મોતને ભેેટવાનાં છે.

સુપ્રીમ કોર્ટે  દિલ્હી સરકારને આદેશ કર્યો છે કે ગુરૂગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદના મ્યુનિસિપલ સત્તાવાળાઓને તમામ શેરી કૂતરાંને પકડીને શેલ્ટર હોમમાં નાખવાની તાકીદ કરે. સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા માનવતાભર્યા હોય છે, પરંતુ રખડતાં કૂતરાં બાબતનો ચુકાદો પ્રાણીપ્રેમીઓ માટે આઘાતજનક છે. સુુપ્રીમ કોર્ટે તેના ઓર્ડરમાં એમ પણ કહ્યું છે કે કૂતરાં પકડાવાની ગાડી આવે ત્યારે કોઈ તેનો વિરોધ નહીં કરી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કૂતરાંને પકડીને શેલ્ટર હોમમાં રાખો અને તેમને ખાવાપીવાની સવલતો આપો. દિલ્હીમાં કૂતરાં રાખવા માટે પૂરતાં અને મોટાં  શેલ્ટર હોમ નથી. સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદામાં પાલતુ કૂતરાં કે તેમના માલિકો માટે કોઇ આચારસંહિતા દર્શાવવામાં આવી નથી. પાળેલાં કૂતરાં પણ અનેક વાર હિંસક બનતાં હોય છે.

મોડી રાત્રે કામે ચડતા ચોરો જે-તે વિસ્તારમાં ચોરી કરતાં પહેલાં પૂરી તપાસ કરે છે. સૌથી પહેલું ધ્યાન તે રાખે છે કે આ વિસ્તારમાં રખડતાં કૂતરાં કેવાંક છે. જો રખડુ કૂતરાંનું પ્રમાણ વધારે પડતું હોય તો તે વિસ્તારમાં ચોરી કરવાનું માંડી વાળે છે. સ્ટ્રે ડોગ્સ પકડવાની કામગરી શરૂ થશે ત્યારે અમુક સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થવાનું છે તે નક્કી, કેમ કે એવા કેટલાય વિસ્તારો છે, જે ડોગ-ફ્રેન્ડલી છે. 

કૂતરાંને ધિક્કારનારા અને કૂતરાંને ચાહનારા બંને  સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સામસામે આવી ગયા છે. દિલ્હીમાં એનિમલ કેર સેન્ટર ચલાવતાં ભૂતપૂર્વ સાંસદ તેમજ લેખિકા મેનકા ગાંધીએ કહ્યું છે કે તમે શહેરી વસાહતોમાંથી કૂતરાંને દૂર કરશો તો તેમની જગ્યો વાનરો આતંક મચાવશે. મેનકા ગાંધીનો પ્રાણીપ્રેમ જાણીતો છે.

૨૦૧૮માં કોલકાતામાં કૂતરાઓના ખસીકરણના નામે  તેમનો ખાત્મો બાલાવવાનો શરૂ કરવામાં આવ્યો ત્યારે વિરોધ થયો હતો. 

રસ્તે રખડતાં કૂતરાં બાપડાં આખી જીંદગી આમતેમ ભટકવામાં અને એઠું ખાવામાં પસાર કરી નાખે છે, જ્યારે પાલતુ કૂતરાં વૈભવી જીવન જીવે છે. ભારતમાં ડોગ ફૂડનું માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૩૦૦ કરોડ રૂપિયાના આંબી જશે તેવો અંદાજ છે. ગુરૂગ્રામમાં તો પાળેલા ડોગ માટે ક્રિટેરટી નામની હોટલ પણ છે. ડોગ પાર્લર તો તમામ  મોટાં શહેરોમાં જોવા મળે છે. કેટલીક વીમા કંપનીઓ હવે તો પાલતુ કૂતરાંનો વીમો પણ ઉતારે છે.  

એક અહેવાલ અનુસાર, ભારતમાં આશરે ૬ કરોડ રખડતાં કૂતરાં છે. કૂતરાં ૬૦ જેટલા રોગનું વહન કરે છે. તેમાંય હડકવા તો બહુ જોખમી હોય છે. વર્ષે આશરે ૩૦ લાખ લોકોને કૂતરાં કરડે છે, જેમાંથી આશરે ૫,૦૦૦ કેસોમાં મોત થાય છે.

અન્ય એક અંદાજ એવો છે કે આ કૂતરાં રોજ ૧૫,૦૦૦ ટન જેટલું મળત્યાગ કરે છે અને ૮૦ લાખ ગેલન જેટલો મૂત્રત્યાગ કરે છે. કૂતરાંનાં મળમૂત્ર રસ્તાઓ ગંદા કરે છે અને પર્યાવરણને નુક્સાન કરે છે.

૧૮૮૦ના દાયકામાં પેરિસમાં રસ્તે રઝળતાં કૂતરાં અને બિલાડીઓનો સફાયો કરવામાં આવ્યો ત્યારે એક નવી સમસ્યા ઊભી થઇ હતી. કૂતરાં-બિલાડીના સફાયો થયો કે તરત જ રોડોન્ટ (મોટા ઉંદરો) શેરીમાં ફરવા લાગ્યા હતા. 

સુપ્રીમ કોર્ટના આદેશને આવકાર પણ મળી રહ્યો છે, પરંતુ તેની ટીકા કરનારા ઓછા નથી. ઝનૂની રખડું કૂતરાં માટે પણ વિશેષ સેન્ટરો ઊભાં કરવાનાં સૂચનોપર ધ્યાન આપવાની જરૂર છે.