- નવા એકાઉન્ટમાં જૂની રકમ ટ્રાન્સફર કરવાની સમસ્યા
- પ્રસંગપટ
- બેંકો કે વિમા કંપનીઓ બે લાખ કરોડ જેટલી જંગી રકમના વારસદારો શોધી શકતી નથી
ભૂલકણા સ્વભાવના લોકો ટ્રેનમાં કે એરપોર્ટ પર પોતાનો માલસામાન ભૂલી જાય ત્યાં સુધી ઠીક છે, પરંતુ પોતાની બેંક અકાઉન્ટ્સ, ફિક્સ ડિપોઝીટ્સ કે ઇન્શ્યોરન્સમાં પણ નોમિનીનું નામ લખવાનું ભૂલી જાય ત્યારે તેને બેદરકારી કહી શકાય, અજ્ઞાાન કહી શકાય, મારું રોકાણ કે બચત કોઇ જાણી જાય તેવું ન બનવું જોઈએ - આ પ્રકારની માનસિકતા પણ કહી શકાય.
ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમ્યાન ૫૮૦ જેટલા ભૂલકણા પ્રવાસીઓની ૪.૬ કરોડની ચીજો રેલવે પ્રોટેક્શન ફોર્સે સાચવીને રાખી હતી અને અનેક ચીજો આ ભૂલકણાઓના ઘેર સુધી પહોંચાડી હતી. માત્ર મુંબઇમાં જ ગયા વર્ષે રેલ્વેના પ્રવાસીઓ બેગ, પર્સ, લેપટોપ જેવી ૨.૨૮ કરોડ રૂપિયાની ચીજો ટ્રેનમાં કે સ્ટેશન પર ભૂલી ગયા હતા. કેટલાય પ્રવાસીઓ પોતાની ભૂલાઈ ગયેલી ચીજો બાબતે ફરિયાદ પણ નથી કરતા, તેમ છતાં રેલ્વે ડિપાર્ટમેન્ટ આવા ભૂલકણા પ્રવાસીઓને શોધીને તેમની ચીજો પરત કરે છે.
તાજેતરનો એક કિસ્સો એવો છે કે રેલ્વે પોલીસને સાયન સ્ટેશન પરથી ૧૦,૦૦૦ રોકડ, એટીએમ કાર્ડ તેમજ બેંકની પાસબુક સાથેની એક નાની બેગ મળી હતી. તે ખોવાયાની ફરિયાદ કરવા કોઇ નહોતું આવ્યું, પરંતુ બેગમાં રહેલી પાસબુકમાંથી એડ્રેસ મેળવીને રેલ્વે પોલીસ જ્હોન પીટર નામના એક સિનીયર સિટીઝનને ઘર સુધી પહોંચી ગઇ હતી. તેમના હાથમાં ખોવાયેલી બેગ પરત આવતાં જ તેમની આંખમાં પાણી આવી ગયાં હતાં.
લોકો ઉતાવળમાં, તો ક્યારેક વાતોમાં તલ્લીન થઈ જવાથી ચીજો ભૂલી જાય છે. જેમ રેલવે 'ઓપરેશન અમાનત' ચલાવે છે એવું કશુંક શરૂ કરવાનું બેંકો કે વીમા કંપનીઓ વિચારતી નથી. બેંક અકાઉન્ટ, એફડી કે વીમા પોલિસીમાં નોમિનીનું નામ લખવાનું ભૂલી જતા લોકોના વારસદારોને શોધવાનો બહુ પ્રયાસ કરવામાં આવતો નથી.
બેંકો કે વિમા કંપનીઓ બે લાખ કરોડ જેટલી જંગી રકમના વારસદારાને શોધી શકતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં સૌથી વધુ દાવા વિનાની રકમ પડી રહી છે. બેંકોની દાનત સાફ છે, પરંતુ નોમિની વિના ડિપોઝીટ કરાવનાર સુધી પહોંચવામાં બેંકો કોઇ આધુનિકીકરણ અપનાવતી નથી. આવી રકમ છેલ્લા પાંચ વર્ષમાં વધી છે ત્યારે આશ્ચર્ય એ થાય છે કે બેંકો શા માટે નોમિની વગર ડિપોઝિટો લે છે. દરેક બેંક ડિપોઝીટો લે છે, પરંતુ ફોર્મ વ્યવસ્થિત રીતે ભરાવતા નથી. ખરેખર તો નોમિની વિના ડિપોઝીટો લઇ ન શકાય, પરંતુ સૌ બેન્કવાળાઓ પૈસા પોતાની બેંકમાં ખેંચી લેવા ઉતાવળા હોય છે. બેંકમાં જ્યારે વ્યક્તિ ડિપોઝીટ ભરવા આવી ત્યારે બેંકના મેનેજર કોણ હતા, કોણે ફોર્મ ચકાસ્યું? સીસીટીવી ચાલુ હતા કે કેમ, વગેરે જેવી ઇન્કવાયરીનો અભાવ જોવા મળે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે કે દાવા વિનાની પડી રહેલી રકમ ક્યાંય જવાની નથી. જે લોકો પૂરાવા પેશ કરીને દાવો કરે છે તેમને તરત જ તે રકમ સોંપી દેવાય છે. એવી જ રીતે ૮૯,૦૦૦ કરોડના રૂપિયાના ૧૬૬ કરોડ શેર્સ દાવા વિનાના પડી રહ્યા છે. કેટલાક લોકો ફેમિલીથી છુપાવીને રોકાણ કરતા હોય છે, જેના કારણે તેમના અવસાન પછી તેમના વારદારો મૃતક સ્વજને કરેલું રોકાણ શોધી શકતા નથી અને દાવો પણ કરી શકતા નથી. આવા શેર્સ માટે સાત મહિના માટે રાહ જોવાય છે, પછી તેને આઇપીએફમાં જમા કરી દેવાય છે.
ઇન્શ્યોરન્સ પોલિસીની દાવા વિનાની રકમનો આંકડો ૧૦,૯૧૫ કરોડ રૂપિયા જેટલો છે. ૩૧.૬૭ લાખ એેકાઉન્ટ ઓપરેટીવ નથી. પ્રોવિડન્ટ ફંડ-ઇપીએફમાં ૧૦,૯૦૦ કરોડ રૂપિયા કોઇ દાવા વિનાના પડી રહ્યા છે. કોઇ વ્યકિતની ટ્રાન્સફર અન્ય કંપનીમાં થાય ત્યારે તેની જૂની કંપનીની રકમ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું ઘણી વાર રહી જાય છે, જેના કારણે તેની બચતને નિવૃત્તિ સમયે ઉપયોગમાં લઇ શકાતી નથી.
ઇપીએફની સિસ્ટમ ઓનલાઇન ભલે હોય પરંતુ ત્યાં લાલીયાવાડી વધુ ચાલે છે. લોકોના પેન્શન નિયમિત જમા થતા નથી અને ધક્કા ખાઈને કંટાળેલા લોકો ઘણી વાર રકમને છોડી દે છે. આ ડિપાર્ટમેન્ટ ક્યારેય કર્મચારીની સમસ્યા જાણવા સામેથી જતું નથી. લોકો ભૂલકણા છે તો બેંકો અને અન્ય વિભાગો પણ દાવા વિનાની રકમ વારસદારો સુધી પહોંચે તે માટેના પોઝિટીવ પ્રયાસો ભાગ્યે જ કરે છે.


