Get The App

બાસમતીના નિકાસ કન્ટેઈનર્સ બીજા દેશો તરફ વાળવા પડયા

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
બાસમતીના નિકાસ કન્ટેઈનર્સ બીજા દેશો તરફ વાળવા પડયા 1 - image

- પ્રસંગપટ

- જોકે હવે 90 દિવસની રાહત અપાતાં ફરી સમીકરણો બદલાયા

- ચોખામાં ભારતે નિકાસ અંકુશો હળવા કર્યા ત્યારે હવે ટ્રમ્પની ટેરીફનો ફટકો વાગ્યો

દેશના અનાજ બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના આગમન પછી શરૂ થયેલા  વૈશ્વિક ટેરીફ યુદ્ધના પગલે વૈશ્વિક અનાજ બજારમાં પણ પ્રવાહો પલટાતા જોવા મળ્યા છે. ટ્રમ્પની ટેરીફ નીતિના  પગલે થાઈલેન્ડમાં ચોખાના ભાવ ઘટી ત્રણ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ વિશ્વ બજારમાંથી મળ્યા હતા. ભારતના ચોખાના નિકાસભાવ તાજેતરમાં  ઘટી બે વર્ષના તળિયા નજીક ઉતર્યાના વાવડ પણ મળ્યા હતા.  નવી માગ રુંધાઈ હતી. 

 વિયેતનામના ચોખાના ભાવ સહેજ વધ્યા હતા જ્યારે બંગલાદેશમાં ચોખાની આયાતના પ્રયત્નો છતાં ત્યાં સ્થાનિક અનાજ બજારોમાં ચોખાના ભાવ ઉંચા રહ્યાના નિર્દેશો પણ મળ્યા હતા. દરમિયાન ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે ભારતમાંથી થતી બાસમતી ચોખાની નિકાસને પણ અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  

જો કે  ટ્રમ્પે ટેરીફ પ્રશ્ને ૯૦ દિવસની રાહત આપ્યાના સમાચાર પણ તાજેતરમાં મળ્યા હતા.ભારતમાં બાસમતી ચોખાનું સૌથી વધુ ઉત્પાદન પંજાબમાં થાય છે. દેશમાં બાસમતીના થતા કુલ ઉત્પાદન પૈકી આશરે૪૦ ટકા ઉત્પાદન પંજાબમાં થાય છે. બાસમતીના ઉત્પાદનમાં પંજાબ પછી હરિયાણાનો નંબર આવે છે.  

ભારતમાંથી અમેરિકા  તરફ વાર્ષિક સરેરાશ આશરે ૩.૧૦થી ૩.૧૫ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ થાય છે. ટ્રમ્પના આગમન પછી હવે આ ક્ષેત્રે સિનારીયો બદલાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા.  ભારતમાંથી અમેરિકા ઉપરાંત બાસમતીની વિશેષ નિકાસ ઈરાન, સાઉદી અરેબીયા, ઈરાક, યમન વિ. દેશો તરફ થાય છે.  ટ્રમ્પની ટેરીફ પછી નિકાસકારો તથા બાયર્સ વચ્ચે વિવાદોનો દોર શરૂ થઈ ગયાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા છે. ૨૬ ટકા ટેરીફ ગણતાં ટનદીઠ આશરે ૩૦૦ ડોલરનો બોજ આવે છે. આયાતકારો  ભારત ખાતેથી ટનના આશરે ૧૧૦૦ ડોલર આસપાસના ભાવોએ બાસમતીની ખરીદી  કરતા હતા.

ભારતથી રવાના થયેલા બાસમતીની નિકાસના કન્ટેઈનરોેને બીજા દેશો તરફ વાળવાનો વારો પણ ઘણા નિકાસકારોને આવ્યો  હોવાની ચર્ચા અનાજ બજારમાં સંભળાઈ રહી હતી, ૨૬ ટકાનો બોજ સેલરોએ સહન કરવો  એવો આગ્રહ બાયરો રાખતા જોવા મળ્યા હતા. ડોલર સામે ભારતના રૂપિયાનો ભાવ રૂ.૮૫.થી ૮૬ આસપાસ રહ્યો છે. 

ઁજ્યારે પાકિસ્તાનના રૂપિયાનો ભાવ ડોલર સામે રૂ.૨૮૦ જેવો ઉંચો રહ્યો છે.ભારતમાંથી બાસમતી ખરીદવાના બદલે  પાકિસ્તાનમાંથી બાસમતી ખરીદવા ઈમ્પોર્ટરોને સસ્તા પડે છે. પેસ્ટીસાઈડસનો વિવાદ પણ બાસમતીના નિકાસ બજારમાં તાજેતરમાં ચગ્યો  હોવાના સમાચાર આવ્યા હતા.  દરમિયાન, રાઈસ એક્સપોર્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ છ મહિનાથી ભારતમાથી ચોખાની નિકાસ વેગ પકડશે એવી આશા જણાય છે. 

ભારતના પાંચ ટકા બ્રોકન ચોખાના નિકાસ ભાવ તાજેતરમાં ઘટયા છે જ્યારે પાકિસ્તાન તથા વિયેતનામના આવા ચોખાના નિકાસભાવ તાજેતરમાં ઉંચા ગયાના વાવડ મલ્યા હતા. થાઈલેન્ડના આવા ચોખાના ભાવ ઘટયાના સમાચાર પણ આવ્યા છે. પાકિસ્તાન તથા વિયેતનામ ખાતે  ચોખાનો સ્ટોક હવે ઘટી ગયો છે એ જોતાં દરિયાપારની પણ હવે પછી ભારત તરફ વળવાની ગણતરી જાણકારો બતાવતા હતા. 

૨૦૨૪ના ઓકટોબરમાં સરકારે ચોખાની નિકાસ પરના વિવિધ અંકુશો દૂર કર્યા પછી વિશ્વ બજારમાં ભારતે નવેસરથી પ્રવેશ કરતાં સિનારીયો બદલાયો હતો અને હવે ટ્રમ્પની ટેરીફ નીતિએ ફરી સમીકરણો બદલાયાની ચર્ચા વિશ્વ બજારમાંસંભળાઈ હતી. ચોખાની નિકાસમાં વૈશ્વિક વાર્ષિક કુલ વેપાર આશરે ૬૦૦ લાખ ટનનો મનાય છે. 

ભારતમાં ચોખાનું ઉત્પાદન ૨૦૨૪-૨૫ની ખરીફ તથા રવિ મોસમનો મળીને આશરે ૧૨૩૮થી ૧૨૩૯ લાખ ટનનો મનાય છે. જે ૨૦૨૩-૨૪માં આશરે ૧૨૭૮થી ૧૨૭૯ લાખ ટનનો નોંધાયો હતો. 

માર્ચના આરંભમાં સરકારના હસ્તકના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ચોખાનો સિલ્લક સ્ટોક આશરે ૩૬૭થી ૩૬૮ લાખ ટનનો અંદાજાયો હતો. દરમિયાન, ભારતમાં ઉનાળું પાકનું ડાંગરનું વાવેતર ૧૭ ટકા વધી આશરે ૩૨ લાખ હેેકટર્સ નોંધાયું છે.