Get The App

30,000 કરોડ માટે આખું કુટુંબ સામસામે કોર્ટ ચઢ્યું છે

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
30,000 કરોડ માટે આખું કુટુંબ સામસામે કોર્ટ ચઢ્યું છે 1 - image

- સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા અતિ ચતુર છે

- પ્રસંગપટ

- કરિશ્મા કપૂરે છૂટાછેડા વખતે મેળવેલા 1900 કરોડ ઉપરાંતની રકમ સંતાનોને મળે તે માટે દાવો કર્યો છે

કોર્ટે ચઢવાથી કે અન્ય કોઇ વિવાદ ઊભો કરવાથી પૈસો મળતો હોય તો કોણ એ જતો કરે? અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ દિવંગત પતિ સંજય કપુરની સંપત્તિ માટે વારસદારો વચ્ચે ચાલતું યુદ્ધ હવે કોર્ટમાં પહોંચ્યું છે. સંજય કપુરના ફેમિલી ટ્રસ્ટની અસ્કયામતો ૩૦,૦૦૦ કરોડથી પણ વધુ છે. સંજયની બહેનો, માતા, વર્તમાન પત્ની  પ્રિયા, ભૂતપૂર્વ પત્ની કરિશ્મા, એનાં સંતાનો વગેરેએ પોતપોતાનો ભાગ માગ્યો છે. 

સંજય કપુરના અવસાન બાદ ઊભો થયેલા વિવાદ ક્રમશઃ વધુ ને વધુ વિવાદાસ્પદ બનતો જાય છે. ઘરની મુખ્ય વ્યક્તિ જ્યારે સમયસર વીલ કરતી નખી ત્યારે એની વિદાય બાદ સંતાનો કોર્ટે ચઢતા શરમાતાં નથી. પુષ્કળ સંપત્તિ હોય અને બહોળું કુટુંબ હોય ત્યારે વીલ થયું હોય તો પણ પરિવારના સભ્યોને અસંતોષ રહે છે. આ અસંતોષ જ કુટુંબને ભાગલા તરફ દોરી જતું હોય છે.

દિવંગત સંજય કપુરની વર્તમાન વિધવા પત્ની પ્રિયા કપુરે તાજેતરમાં કોર્ટમાં કહ્યું છે કે કરિશ્માનાં સંતાનો હિસ્સો માગી રહ્યાં છે, પરંતુ મારા પતિએ તો મૃત્યુ પામતાં પહેલાં જ ૧૯૦૦ કરોડની મિલ્કત એમના નામે ટ્રાન્સફર કરી નાખી હતી. કરિશ્માનાં સંતાનો તરફથી આક્ષેપ કરાયો હતો કે સંજય કપુર અમારા પિતા છે છતાં તેમની સંપત્તિમાંથી અમારૃં નામ કમી કરી દેવાયું છે.

નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની આવક અને ટ્રસ્ટની સંપત્તિ બંને અલગ વસ્તુઓ ગણાય. કરિશ્માનાં સંતાનોએ ટ્રેસ્ટની આવકમાંથી ભાગ માગ્યો છે. કાયદો કહે છે કે જો વ્યક્તિની આવકને ટ્રસ્ટમાં  ટ્રાન્સફર કરવામાં આવી હોય, અને ટ્રસ્ટનો વહીવટ ટ્રસ્ટીઓ કરતા હોય ત્યારે તેમાં વારસદારોનો હકહિસ્સો રહેતો નથી. તેનો અર્થ એ થયો કે કરિશ્માનાં સંતાનોને મળેલા ૧૯૦૦ કરોડ રૂપિયા જો ટ્રસ્ટમાંથી ટ્રાન્સફર કરાયા હોય તો તેઓ (કરિશ્માનાં સંતાનો) પિતાની સંપત્તિમાં પોતાનાો હિસ્સો માગી શકે છે. 

સંજય કપુરે ત્રણ વાર લગ્ન કર્યાં હતાં.  કરિશ્મા એની બીજી પત્ની છે. તેમનાં લગ્ન ૨૦૦૩માં થયાં અને ૨૦૧૬માં તેમણે છૂટાછેડા લઈ લીધા. કરિશ્માને આ લગ્ન થકી બે સંતાનો છે - દીકરી સમાઈરા (જન્મઃ ૨૦૦૫) અને દીકરો કિઆન (જન્મઃ ૨૦૧૦). સંજય કપુરની પહેલી પત્ની નંદિતા મહતાનીને કોઈ સંતાન નથી, જ્યારે વર્તમાન પત્ની પ્રિયાને એક દીકરી છે - સફિરા (જન્મઃ ૨૦૧૮).

કરિશ્માનાં સંતાનોએ કોર્ટમાં કહ્યું છે કે સંપત્તિનો ભાગ કેવી રીતે પડયો છે કે  પડશે તે સંબંધિત કોઇ ડોક્યુમેન્ટ અમને દેખાડવામાં આવ્યો નથી. સઘળો વહીવટ  પ્રિયા કપુરના હાથમાં છે, જે  અમને યોગ્ય ભાગ આપવાની તરફેણમાં નથી એવું દેખાઇ રહ્યું છે. તેમણે અદાલતમાં એવું પણ કહ્યું છે કે પ્રિયાએ જણાવ્યું હતું કે એમના પિતાનું કોઇ વીલ નથી અને તમામ સંપત્તિ આરકે ફેમિલી  ટ્રસ્ટ પાસે પહોંચી ગઇ છે. વાસ્તવમાં વીલ અસ્તિત્ત્વ ધરાવતું હતું, જે પછી પ્રકાશમાં આવ્યું, તેથી અમને (કરિશ્માનાં સંતાનોને) પ્રિયાના ઇરાદાઓ પર શંકા છે.

સંજય કપુરનાં ૮૦ વર્ષીય માતા રાણી કપુરે પણ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. એ કહે છે કે મને પણ વીલની ખબર નહોતી. મારા ભાગે તો કશું આવતું નથી. મને કમસે કમ ૧૦,૦૦૦ કરોડ મળવા જોઇએ!

કરિશ્મા સાથે છૂટાછેડા થયા ત્યારે તેમનાં બન્ને સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમના કુલ ૧૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા, પણ તેમણે પિતાની સંપત્તિમાંથી વધુ ભાગ મેળવવા દાવો કરતાં વિવાદ વધુ વકર્યો હતો.

સંજય કપુરની ત્રીજી પત્ની પ્રિયા  ચતુર છે. તેણે સંપત્તિ પોતાના નામે કરાવી દીધી હોવાનો આક્ષેપ સંજય કપુરની માતાએ કોર્ટમાં કર્યો છે. આમ, અદાલતમાં સંજય કપુરની માતા,  કરિશ્મા અને તેનાં સંતાનો તથા ત્રીજી પત્ની પ્રિયા - આમ ત્રણ-ત્રણ મોરચા ઊભા થયા છે. 

પ્રિયા કપુરે કોર્ટમાં જે વીલ રજૂ કર્યું  તે પણ ખોટું છે એવો આક્ષેપ થતાં વિવાદને વળ ચડયો છે. પ્રિયા કપુરે કોર્ટમાં વીલ રજૂ તો કર્યું, પણ આ વીલ રજીસ્ટર્ડ નથી. 

સંજય કપુરની બહેનો, માતા અને પત્નીઓ એમના મૃત્યુના બીજા જ દિવસથી ઝઘડવા લાગ્યાં હતાં. મૃતકની અઢળક સંપત્તિમાંથી કોને કેટલું મળશે તે કોર્ટ નક્કી કરશે, પરંતુ નાણા માટે તાણખેંચ કરનારાઓએ સંજય કપુરના મોતનો મલાજો જાળવ્યો નથી એ તો નક્કી.