Get The App

કોકોના ભાવ ટોચ પરથી તૂટયા દિવાળીમાં ચોકલેટોના ભાવ નીચા રહેશે

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
કોકોના ભાવ ટોચ પરથી તૂટયા દિવાળીમાં ચોકલેટોના ભાવ નીચા રહેશે 1 - image

- પ્રસંગપટ

- ઈકવેડોરમાં કોકોના ઉત્પાદનમાં થયેલી નોંધપાત્ર વૃદ્રિ

- વૈશ્વિક સ્તરે કોકો બજારમાં સપ્લાય ડેફીસીટના બદલે હવે સપ્લાય સરપ્લસના સંકેતો

દેશમાં દિવાળીના તહેવારો નજીક આવ્યા છે તથા વિવિધ બજારોમાં ચહલ પહલ વધી રહ્યાના વાવડ મળ્યા છે. દિવાળીના તહેવારોમાં વર્ષો અગાઉ વિવિધ મીઠાઈઓનું ચલણ વધુ રહેતું હતું પરંતુ તાજેતરના વર્ષોમાં હવે મીઠાઈઓનું ચલણ ઘટયું છે તથા વિવિધ સૂકામેવાઓ તથા ચોકલેટોનું ચલણ વધતું જોવા મળ્યું હોવાનું બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. 

લોકો હવે આરોગ્ય માટે વધુ સભાનતા બતાવતા થયા છે અને તેના પગલે વિવિધ બજારોમાં પણ સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. દરમિયાન, ચોકલેટોની માગ હવે વધી છે તથા વર્ષ દરમિયાન આવી માગ સતત રહેતી હોય છે તેવા તહેવારોમાં તથા ગીફટીંગમાં હવે આવી માગ વિશેષ દેખાતી રહે છે. વર્ષો પૂર્વે ચોકલેટોનો વપરાશ મુખ્યત્વે નાના બાળકોમાં રહેતો હતો પરંતુ હવે દરેક વયના તથા દરેક ઉંમરના લોકો ચોકલેટો ખાતા થઈ ગયા છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. 

ચોકલેટોના ઉત્પાદનમાં મુખ્યત્વે  કોકોનો ઉપયોગ થાય છે તથા કોકોના ભાવમાં થતી વધઘટની અસર ચોકલેટ બજાર પર વર્તાતી જોવા મળી છે.ચોકલેટનો ઉત્પાદન ખર્ચ છેલ્લા ૩ વર્ષમાં આશરે ૫૦ ટકા જેટલો વધ્યો છે. વૈશ્વિક સ્તરે કોકોનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૭૦ ટકા ઉત્પાદન વેસ્ટ આફ્રિકામાં થાય છે. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નિતીના કારણે અમેરિકામાં ચોકલેટની બજારોમાં સમીકરણો બગલાયા છે. વિશ્વ બજારમાં કોકોના ભાવ ઉંચા મથાળેથી તાજેતરમાં નીચા આવતા જોવા મળ્યા છે અને તેના પગલે ચોકલેટ ઉત્પાદકોમાં રાહત પણ જોવા મળી છે. 

કોકોના ભાવ તાજેતરમાં ઘટી ટનના ૭૪૦૦ ડોલરની સપાટીની અંદર ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.  કોકોની બજારમાં ૨૦૨૪નું વર્ષ ખાસ્સી તેજીનું રહ્યા પછી ૨૦૨૫ના વર્તમાન વર્ષમાં આરંભના મહિનાઓમાં કોકોના ભાવ ઉંચા રહ્યા પછી ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટતા જોવા મળ્યા હતા. કોકોના ભાવ ઉંચા ગયા પછી યુરોપ, એશિયા તથા નોર્થ અમેરિકાના દેશોમાં  કોકોની માગ ધીમી પડી ગઈ હતી અને તેના પગલે કોકોના ભાવમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ ઈકવેડોર દેશમાં કોકોનું ઉત્પાદન વધ્યું છે તથા ત્યાં ૨૦૨૫-૨૬ના વર્ષમાં કોકોનું ઉત્પાદન વધી ૬ લાખ ૫૦ હજાર ટનની ઉપર જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. 

કોકોનું ઉત્પાદન ધાના દેશ કરતાં હવે ઈકવેડોરમાં વધુ થઈ રહ્યું હોવાથી કોકોના વૈશ્વિક ઉત્પાદક વિવિધ દેશોમાં હવે ધાના દેશને પાછળ ધકેલી ઈકવેડોર દેશ બીજા ક્રમાંકે આવી ગયાના વાવડ દરિયાપારથી મળ્યા હતા. 

કોકોના વૈશ્વિક ભાવ ગયા વર્ષે ઉછળી ઉંચામાં ટનના ૧૨ હજાર ડોલર સુધી જતા રહ્યા હતા અને તેના પગલે ઊંચા ભાવના આકર્ષણ વચ્ચે કોકોનું ઉત્પાદન વધારવા વિશ્વના વિવિધ ઉત્પાદક દેશોના ખેડૂતોએ પ્રયત્નો વેગીલા બનાવ્યા હતા. 

ગયા વર્ષે આઈવરી કોસ્ટ તથા ધાનામાં કોકોનું ઉત્પાદન નોંધપાત્ર ઘટયું હતું.  આ વર્ષે હવે ઉત્પાદનના સમીકરણો બદલાયા છે. ઈકેવડોરમાં ૨૦૨૪-૨૫માં કોકોનું ઉત્પાદન ૫ લાખ ૭૦ હજાર ટન થયું હતું. ત્યાં ૨૦૩૦ સુધીમાં આ આંકડા વધી ૮ લાખ ટન સુધી પહોંચી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ધાનામાં હેકટરદીઠ ઉત્પાદન આશરે ૫૦૦ કિલો જ્યારે ઈકવેડોરમાં ૮૦૦ કિલો નોંધાયું છે. 

વૈશ્વિક સ્તરે કોકો તથા ચોકલેટની બજારનું કુલ કદ જે હાલ વાર્ષિક ૨૩થી ૨૪ અબજ ડોલર થઈ જવાની શક્યતા તજજ્ઞાો બતાવી રહ્યા હતા.કોકોનો વપરાશ હવે ચોકલેટ ઉપરાંત કેક, પેસ્ટ્રીઝ તથા બેરવેજીસ હવે પીણાઓમાં વધ્યો છે. વિશ્વ બજારમાં કોકોના ભાવ તાજેતરમાં ઘટી ૨૦ મહિનાના તળિયે ઉતર્યા છે. 

 વિશ્વ બજારમાં છેલ્લા ઘણાં વર્ષોથી સપ્લાય ડેફીસીટમાં રહ્યા પછી આ વર્ષે સપ્લાય સરપ્લસમાં આવી હોવાના સંકેતો દરિયાપારથી મળ્યા હતા અને કોકોના ભાવ ટોચ પરથી ઝડપી નીચા આવતાં હવે દિવાળીના તહેવારોમાં ચોકલેટના ભાવ કદાચ ગયા વર્ષની સરખામણીએ ઓછા રહેવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.કોકોના વૈશ્વિક ભાવ ગયા વર્ષે ઉંચામાં ટનના ૧૨ હજાર ડોલર સુધી પહોંચી ગયા હતા તે હવે અડધા થઈ ગયા છે.