દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો જવાબ ભારત આપી શકે છે: પાકિસ્તાનમાં ફફડાટ

- વ્હાઇટ કોલર સ્લીપર યુનિટોનું નેટવર્ક તોડવાનાં પગલાં
- પ્રસંગપટ
- ઓપરેશન સિંદૂરને માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે, તેના પર પૂર્ણવિરામ મૂકાયું નથી
૧૨ લોકોનો ભોગ લેનાર દિલ્હીના બહુચર્ચિત કાર વિસ્ફોટના પગલે પાકિસ્તાન અને અમેરિકા એમ બંનેનો ફફડાટ વધ્યો છે. પાક્સ્તિાનમાં છેલ્લા છ મહિનામાં થયેલા વિસ્ફોટ પાછળ કોઇ અજ્ઞાાત તત્ત્વોનો હાથ છે એમ કહીને આડકતરી રીતે ભારત તરફ આંગળી ચીંધાતી હતી. દિલ્હીમાં વિસ્ફોટ થયાના બીજા જ દિવસે પાકિસ્તાનમાં થયેલા વિસ્ફોટમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના શાસકોએ આ વિસ્ફોટ પાછળ પણ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. અમેરિકા એટલા માટે ટેન્શનમાં છે કે ભારત તેના પ્રમુખને ગાંઠતું નથી. હવે જ્યારે ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદીને સંબંધો બગાડયા છે ત્યારે તે ભારતને સંભવિત યુદ્ધ કે યુદ્ધ જેવા હુમલા રોકી શકે એમ નથી કે તે માટે અનુરોધ પણ કરી શકે એમ નથી.
એટલે જ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારત તરફ કૂણું વલણ બતાવતા થયા છે. કહે છે કે જો દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનું કનેક્શન હોવાના નક્કર પૂરાવા મળે પછી ભારત ઓપરેશન સિંદૂર ભાગ-૨ કરી શકે છે. ભારતીય સત્તાધારીઓ અનેક વાર કહી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂરને માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે, તેના પર પૂર્ણવિરામ મૂકાયું નથી. ભારતમાં ખેંચી લવાતા આરડીએક્સનું પગેરૂં પાકિસ્તાન સુધી પહોંચશે તો ફરી યુદ્ધવિમાનોની ઘરઘરાટી સાંભળવા મળી શકે છે. લશ્કરી પગલાં સિવાય પાકિસ્તાન ગાંઠે એમ નથી તે ભારત સમજી ગયું છે.
ભારતનું જાસૂસી તંત્ર નિષ્ફળ ગયું છે એવું એટલા માટે કહી શકાય કે આરડીએક્સ જેવા સ્ફોટક પદાર્થોનો જથ્થો ભારતમાં ઘૂસી શક્યો. તે ક્યા માર્ગે પ્રવેશ્યો? તે માર્ગ પર ક્યા ચોકીદારે આંખ આડા કાન કર્યા? ક્યાં સ્લીપર યુનિટોએ આ કામગીરીમાં ભૂમિકા ભજવી? આ સઘળા પ્રશ્નોના જવાબ હજુ શોધાઈ રહ્યા છે.
ત્રાસવાદીઓની કમર ઓપરેશન સિંદૂરમાં તોડી પડાયા પછી પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંગઠનોએ ભારતમાં વ્હાઇટ કોલર સ્લીપર યુનિટોને એક્ટિવ કરી દીધાં છે. સામાન્ય માન્યતા તો એવી રહી છે કે ત્રાસવાદીઓ કે આત્મઘાતી બોમ્બરો ગરીબ ઘરમાંથી આવતા હોય છે. પૈસા કે મદદની લાલચમાં અમુક જરૂરતમંદ લોકો ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઈ જતા હોય છે. જોકે ત્રણ દિવસ અગાઉ દિલ્હીના બ્લાસ્ટ સાથે સંડોવાયેલાં નામો બહાર આવતા આ થિયરી પાંગળી પૂરવાર થઈ છે. આ આતંકવાદી કૃત્યમાં ક્વોલિફાઈડ ડોક્ટરો સંડોવાયેલા હોવાની જાણ થતાં જ સરકારે હવે મેડિકલ જેવી મહત્ત્વની વિદ્યાશાખા પર પણ નજર રાખવી પડશે. ડોક્ટરની ડિગ્રી લેનારાનું કામ દર્દીઓને બચાવવાનું હોય છે, જ્યારે અહીં તો એમણે નિર્દોષ લોકોને ફૂંકી મારવાનું કામ હાથમાં લીધું હતું.
વ્હાઇટ કોલર સ્લીપર યુનિટોને શોધવા બહુ મુશ્કેલ બની જવાનું છે, કેમ કે આવા લોકો સમાજનો જ એક હિસ્સો છે, સામાન્ય નાગરિક છે. શક્ય છે કે તેઓ દેશભક્તિનો દેખાડો પણ કરતા હોય. સમાંતરે તેઓ દેશવિરોધી પ્રવૃત્તિ ચાલુ રાખે છે. જોકે પોલીસની આકરી પૂછપરછનો સામનો વ્હાઇટ કોલર જમાત કરી શકશે કે કેમ તે સવાલ છે. ઝડપાઈ ગયા પછી ડરના માર્યા તેઓ પોપટની જેમ પટ્ પટ્ બોલીને બધી વિગતો જાહેર કરી દે, એવું બને.
પાકિસ્તાનને ડર એ વાતનો છે કે અફઘાન સરહદે તાલીબાનોનું સૈન્ય પાકિસ્તાનને ધમકાવી રહ્યું છે, જ્યારે આંતરિક સ્તરે બલૂચિસ્તાનના લડવૈયાઓ આત્યંતિક બની ગયા છે. રશિયા તો ભારતનું મિત્ર છે જ, પણ હાલ ચીન જેવી મહાસત્તા પણ ભારત-તરફી છે એવી અસર ઊભી થઈ છે. ભારત ભૂતકાળમાં પાકિસ્તાનને યુદ્ધમાં એકાધિક વખત હરાવી ચૂક્યું છે. લશ્કરી સ્તરે પાકિસ્તાન સાથે શી રીતે કામ પાડવું તે ભારત સારી રીતે જાણે છે. જોકે છેલ્લી કેટલીક લશ્કરી ગતિવિધિઓમાં ભારત લાંબુ યુદ્ધ કરવાને બદલે પોતાની તાકાતનો સ્વાદ ચખાડીને પરત આવી જાય છે. ઓપરેશન સિંદૂર વખતે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ઘાંઘા થઈ ગયેલા પાકિસ્તાન તરફથી મળ્યો હતો. ભારતની સંરક્ષણ તાકાતનો પરચો કરી ચૂકેલું પાકિસ્તાન જાણે છે કે ભારત ફરી ઓપરેશન સિંદૂર આગળ ધપાવશે તો ત્રાસવાદીઓના ખાત્મા ઉપરાંત બીજી ઘણી ખાનાખરાબી થશે. પાકિસ્તાનને અફધાન સરહદે ટેન્શન ખાળવાનું છે, તો બીજી તરફ આંતરવિગ્રહ મ્હોં ફાડીને ઊભો છે.
દિલ્હી વિસ્ફોટથી ચેતી ગયેલી ભારત સરકાર ઘરઆંગણે પાકિસ્તાન પ્રેરિત વ્હાઇટ કોલર સ્લીપર યુનિટોનું નેટવર્ક તોડવાનાં પગલાં ભરી રહી છે. દિલ્હીના વિસ્ફોટે ભારત સરકાર સામે ચેલેન્જ ફેક્યો છે. ભારતને છંછેડીને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે.

