Get The App

એક તરફ આકરી ગરમીનો પ્રકોપ, તો બીજી તરફ ભારે વરસાદની ચેતવણી

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
એક તરફ આકરી ગરમીનો પ્રકોપ, તો બીજી તરફ ભારે વરસાદની ચેતવણી 1 - image

- પ્રસંગપટ

- ભારતમાં કુદરતનો બેવડો પ્રહાર

- આ દેશવ્યાપી વાતાવરણીય અસ્થિરતાનો ભાગ છે, જે આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેવાની શક્યતા છે

ભારત હાલમાં હવામાનનાં બે વિરોધાભાસી અને અસામાન્ય ચરણોમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના એક હિસ્સામાં અતિ ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે, તો બીજી તરફ, અન્ય ભાગોમાં સખત હીટ વેવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાનશાીઓના મતે આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ દેશવ્યાપી વાતાવરણીય અસ્થિરતાનો ભાગ છે, જે આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં અગનગોળા વરસી રહ્યા છે, જેના પગલે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

ઉત્તર અને પૂર્વોત્તર ભારત વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હવામાનનો સૌથી મોટો તફાવત ઉત્તરના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ત્રિપુરા જેવાં રાજ્યોમાં આગામી ૧૦થી ૧૪ દિવસ સુધી સતત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી પૂર અને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે.

દક્ષિણ એશિયામાં જીવલેણ હીટ વેવ જોવા મળી રહ્યો છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં ઘણો ઉપર પહોંચી ગયો છે. અનેક વિસ્તારોમાં તાપમાન ૪૫થી ૫૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. પાકિસ્તાનમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં ૧૦ માણસોનાં મોત થયા છે, જ્યારે ભારતમાં પણ જાનહાનિના ઘણા અહેવાલો છે.

માનવજીવન ઉત્તરોત્તર ત્રસ્ત બની રહ્યું છે. નિષ્ણાતો આ આત્યંતિક હવામાન માટે માનવસજત જળવાયુ પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માની રહ્યા છે.

અમદાવાદ અને બનાસકાંઠાના વિસ્તારોમાં બપોરે ૧૨ વાગ્યાથી વરસતા અગનગોળાનો મારો સાંજે પાંચ વાગ્યા સુધી ચાલતો રહે છે. બનાસકાંઠાના ગરમ વિસ્તારોમાં વાતાવરણ ભઠ્ઠી સમાન બની જાય છે. આકાશ અને પૃથ્વી વચ્ચે રહેતા માનવ સહિતના તમામ જીવો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. વરસાદ કે ઠંડી હવા ૧૬ જૂન પછી શરૂ થવાની સંભાવના છે, જેને હજુ એક મહિનાની વાર છે. તે દરમિયાન બે-ત્રણ કમોસમી માવઠાં પડવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી કરતા પ્રાઈવેટ ખગોળશાીઓ હવામાન બાબતે વધુ સચોટ પુરવાર થઈ રહ્યા છે.

કૃષિ ઉત્પાદનો માટે કેટલીક વાર ગરમીની જરૂર પડે છે, પરંતુ કાળઝાળ ગરમીમાં કેટલાક પાક ઊભા બળી જાય છે અને શાકભાજીના વેલાઓ પણ નાશ પામે છે. પરિણામે પગલે ભાવમાં વધારો થાય છે.

ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મંગળવારથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જે લોકોને ગરમીથી થોડી રાહત અપાવશે. પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ૧૨ મેથી વરસાદની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં ૩૦-૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં પણ આગામી સપ્તાહમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં ૧૫ મે સુધી હીટવેવ યથાવત રહેશે.

માનવજીવનને સંકોચી નાખતા હીટ વેવ પાછળનાં કારણોની ચર્ચા કરતા નિષ્ણાતો કહે છે કે, આ વખતની ગરમી પાછળ મુખ્ય ત્રણ પરિબળો છેઃ હાઈ-પ્રેશર સિસ્ટમ, અલ નીનો ઇફેક્ટ અને હિમાલયમાં બરફનું પીગળવું. વાતાવરણમાં સર્જાયેલી હાઈ-પ્રેશર સિસ્ટમ ગરમ હવાને જમીન પાસે જકડી રાખે છે, જેનાથી હવા ઠંડી થઈ શકતી નથી. અલ નીનો ઇફેક્ટ એટલે પેસિફિક મહાસાગરમાં વધતું તાપમાન, જે વૈશ્વિક ગરમીમાં વધારો કરે છે. એવી જ રીતે હિમાલયમાં બરફનો ઘટાડો પણ એક મોટું કારણ છે. એક અહેવાલ અનુસાર, હિમાલયમાં બરફના આવરણમાં ૧૮%નો ઘટાડો નોંધાયો છે. બરફ ઓછો થઈ જવાને કારણે સૂર્યપ્રકાશ પરાવતત થવાને બદલે જમીન દ્વારા શોષાય છે, જે ગરમી વધારે છે.