Get The App

ત્રાસવાદના ઉછેર કેન્દ્ર સમાન પાક.ને આર્થિક મદદ : IMF સામે શંકાની સોય

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
ત્રાસવાદના ઉછેર કેન્દ્ર સમાન પાક.ને આર્થિક મદદ : IMF સામે શંકાની સોય 1 - image

- પાકિસ્તાનને એક અબજ ડોલરની સહાયનો વિરોધ

- પ્રસંગપટ

- એમ લાગી રહ્યું છે કે આઇએમએફને વિશ્વમાં પ્રસરેલા ત્રાસવાદી હિંસાચારની જાણે કશી પડી જ નથી

ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાલતું હતું ત્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને એક અબજ ડોલર (અંદાજે (૮,૫૦૦ કરોડ રૂપિયા)ની લોન આપીને તેને ટૂંક સમય માટે થોડી રાહત કરી આપી છે. દેખીતી રીતે જ ભારત સહિતના અનેક દેશોએ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)ની આ ફાળવણી બદલ ટીકા કરી છે.

પાક્સ્તાનને લોન આપવા બાબતે મળેલી આઇએમએફની મિટીંગમાં વોટિંગ વખતે ભારત પોતાના વિરોધ સાથે દૂર રહ્યું હતું. વિવાદ એ છે કે એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે જ પાકિસ્તાને એક અબજ ડોલર ફાળવીને આઇએમએફે એવો સંકેત આપ્યો હતો કે વિશ્વના દેશો પાકિસ્તાનની સાથે છે. ભારત પાકિસ્તાન સામે યુદ્ધે ચઢ્યું તેની પાછળનું મુખ્ય કારણ ત્રાસવાદ છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ધમધમતા નવ ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કરીને ફૂંકી મારવામાં આવ્યા છે.

પાકિસ્તાન પ્રેરીત ત્રાસવાદે પંદર દિવસ અગાઉ પહેલગામ ખાતે ૨૬ પ્રવાસી નાગરિકોની હત્યા કરી તેના વિશ્વભરમાં પડઘા પડયા હતા. એમ લાગે છેકે આઇએમએફે જાણે આ ઘટનાને ધ્યાનમાં લીધી હોય એમ લાગતું નથી. આખું વિશ્વ ત્રાસવાદથી ત્રસ્ત છે ત્યારે ત્રાસવાદના ઉછેર ેકેન્દ્ર સમાન પાકિસ્તાનને એક અબજ ડોલર ફાળવીને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ત્રાસવાદ તરફ આંખ આડા કાન કર્યા છે. શું આઇએમએફને વિશ્વમાં પ્રસરતા ત્રાસવાદી હિંસાચારની કશી પડી જ નથી? 

જે મિટીંગમાં પાકિસ્તાનને લોનની મંજૂરી કરવામાં આવી તેમાં હાજર નહીં રહીને ભારતે સીધો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે ખુલ્લંખુલ્લા કહ્યું હતું કે આઇએમએફે પાકિસ્તાનની જનતા માટે નહીં, પણ ત્રાસવાદી પ્રવૃત્તિને ટેકો આપવા ફંડ આપ્યું છે. ત્રાસવાદને પ્રોત્સાહન આપતા દેશને યુદ્ધ સમયે એક અબજ ડોલર ફાળવવાની ચેષ્ટા અનેક લોકોને  આઘાતજનક લાગી છે. તેમનું માનવું છે કે પાકિસ્તાન આ નાણું જનતાની સુખાકારી માટે વાપરવાને બદલે ત્રાસવાદી પ્રવૃત્તિ પાછળ વાપરશે. 

ભારતે કરેલા વિરોધ બાદ આઇએમએફની આર્થિક સહાય ફાળવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. યુદ્ધ ટાંકણે જ પાકિસ્તાનને અપાયેલા એક અબજ ડોલરને તે યુદ્ધખોર પ્રવૃત્તિઓમાં વાપરશે એવી શંકા ભારતે વ્યક્ત કરી છે.

પાકિસ્તાન જંગી દેવા હેઠળ કચડાઈ ગયું છે. છેલ્લે ચીને પણ તેને આર્થિક સહાય માટે ના પાડી દીધી હતી. અમેરિકાના આધિપત્યવાળું આઇએમએફ પાકિસ્તાનને ચાલુ યુદ્ધે એક અબજ ડોલર ફાળવે ત્યારે ભારતે કરેલો વિરોધ વાજબી ગણાય. આઇએમએફના બોર્ડમાં ૨૪ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે. જે દેશ જેટલું વધારે ભંડોળ આપે એટલું તેનું વધારે વજન પડે. આઇએમએફને સૌથી વધારે નાણું અમેરિકા આપે છે, તેથી અમેરિકાના વોટનું વજન કુલ વોટિંગના ૧૬ ટકા જેટલું છે. જે-તે દેશને લોન આપવી કે નહીં તે મામલે અમેરિકાની સહમતી યા તો અસહમતીથી સમગ્ર ચિત્ર પલટાઇ શકે છે.

આઇએમએફની મિટીંગમાં વોટ ન આપવા ઇચ્છતો સભ્ય દેશ ગેરહાજર રહી શકે છે, પણ કોઈ સભ્ય હાજર રહીને નેગેટિવ વોટિંગ કરી શકતો નથી. ભારતે એમ પણ કહ્યું છે કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં પાકિસ્તાનને ચાર વાર વિવિધ મુદ્દે લોન અપાઇ છે. તેને સતત આર્થિક સહાય કરવાથી તેના પર ચૂકવણીનો બોજ વધે છે. પાકિસ્તાનને આઇએમએફ ટેકો આપી રહ્યું છે એવો આક્ષેપ ભારત વારંવાર કરતું આવ્યું છે.  પાકિસ્તાન છેલ્લાં ૩૫ વર્ષથી વિવિધ મુદ્દે આઇએમએફ પાસેથી ગ્રાન્ટ અને લોન લેતું આવ્યું છે. જે પ્રોજેક્ટ્સ માટે લોન લીધી હોવાનો દંભ પાકિસ્તાન કરે છે, તે પ્રોજેક્ટ્સમાં ભાગ્યે જ કશુંય કામ થતું હોય છે. 

જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યું છે કે યુદ્ધના સમયે પાકિસ્તાનને એક અબજ ડોલરની સહાય આપવા પાછળનું આઇએમએફનું લોજીક સમજમાં આવતું નથી. સૌથી કડક પ્રત્યાઘાત તો અફધાનિસ્તાનનાં ભૂતપૂર્વ સંસદસભ્ય મરીયમ સોલાઇમખીલે એ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આઇએમએફની લોન સહાયથી પાકિસ્તાનની ઇકોનોમીમાં કોઇ ફેર પડવાનો નથી, પરંતુ તેનાથી વધુ લોહી રેડાશે. તેમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે લોકોને મારવા માટે પાક્સ્તિાનને વિશ્વ ક્યાં સુધી પૈસા ચૂકવતું રહેશે?