- કાળા બજાર કરનારા સામે કડક પગલાં જરૂરી
- પ્રસંગપટ
- 24 કલાક ચાલતો કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે, પરંતુ પાયાની સમસ્યાનો ઉકેલ શોધવા સરકાર પ્રયાસ કરતી નથી
અખાતી યુદ્ધના પગલે ભારતમાં કોઇ સીધી અસર નહીં થાય તેવી વાતેા ભ્રમણા સમાન સાબિત થઇ છે. આજે રાંધણ ગેસના ધાંધિયા જોવા મળે છે તો થોડા દિવસો પછી પેટ્રોલ-ડિઝલ માટે લાઇનો જોવા મળશે. ભારતના વહિવટકારોની કમનસીબી એ છે કે તેઓ સપ્લાય બરાબર છે કે નહીં તેની પર નજર રાખી શકે છે, પરંતુ બજારમાં આવતો માલ ગ્રાહકો સુધી આસાનીથી પહોંચે છે કે કેમ તેનું ધ્યાન રાખવામાં નિષ્ફળ જાય છે.
રાંધણ ગેસની શોર્ટેજ પાછળના ખરા ખલનાયકો ગેસના બાટલાને સગેવગે કરનારા અને તેને કાળા બજારમાં વેચનારાઓ છે. સરકારને મધ્યમવર્ગ મત આપે છે છતાં પ્રજાને શોર્ટેજના નામે લૂંટતા વેપારીઓના નેટવર્કને તોડી શકાતું નથી. યુદ્ધ જેવી દશામાં સંગ્રહ કરનારા અને કાળા બજાર કરનારાને ચાંદી થઈ જાય છે. સરકાર સંસદમાં ખાત્રી આપે છે, પરંતુ પ્રજાની વચ્ચે જઇને કોઇ સમસ્યા સાંભળવા તૈયાર નથી.
સરકાર જાણે છેકે કાળા બજારનું નેટવર્ક ચલાવનારા કોણ છે, પરંતુ તેમને પકડવાની સરકારની કોઇ ઇચ્છા હોય એમ લાગતું નથી. સરકારની એક લાલ આંખથી રાંધણ ગેસની સમસ્યા દૂર થઈ શકે છે, પરંતુ સરકારનાં કેટલાંક ખાતાં જ ભ્રષ્ટાચારની ઇકોસિસ્ટમનો એક ભાગ છે. રાંધણ ગેસની મોટી એજન્સીઓ બાટલા કાળા બજારમાં વેચીને ધીકતી કમાણી કરે છે.
ભારતનાં મોટાં શહેરોમાં ઘેર ઘેર સીએનજી પાઇપ વાટે રાંધણ ગેસ પહોંચે છે. તેમને ગેસની શોર્ટેજનો અનુભવ નથી. ભૂતકાળમાં આ શહેરોમાં પણ એલપીજી સિલિન્ડર વપરાતાં હતાં. હવે જ્યારે શહેરોની એક બહુ મોટા વર્ગ સુધી સીએનજી પાઇપ લાઇન પહોંચી છે ત્યારે તેઓ રોજીંદા જીવનની એક હાડમારીમાંથી બચી ગયા છે. મોટાં અને મેટ્રો શહેરોમાં રાંધણ ગેસના બાટલાની કોઇ અછત નથી વર્તાઈ, પરંતુ નાનાં નગરોમાં રાંધણ ગેસ લેવા લાંબી લાઇનો લાગી છે.
ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાંથી ચાલતો વ્યવહાર ખોટકાતા એલપીજીના પૂરવઠા પર ફટકો પડયો છે. ભારતમાં વપરાતા કુલ એલપીજીના ૬૨ ટકા ગેસ આયાત થાય છે, તે પૈકી મોટા ભાગનો પૂરવઠો હોર્મુઝની ખાડીમાંથી પસાર થઇને ભારત પહોંચે છે. આ પુરવઠાની નિયમિતતા પર બ્રેક વાગી છે. આ ટેકનિકલ કારણોથી સૌ પરિચિત છે, પરંતુ દેશના સંગ્રહખોરોનું નેટવર્ક સરકાર વેરવિખેર કરી શકતી નથી તેથી આ જ લોકો સ્ટોક હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરીને સરકારને મૂંઝવણમાં મૂકી દે છે.
લોકોની સમસ્યા ઉકેલવા સરકારે ૨૪ કલાક ચાલતો કન્ટ્રોલ રૂમ ઊભો કર્યો છે, પરંતુ પાયાની સમસ્યાનો ઉકેલ શોધવા સરકાર પ્રયાસ નથી કરતી. ગેસ એજન્સીઓ ગ્રાહકોને કહે છે કે ઓનલાઇન બુક કરાવનારાઓને બાટલો મળશે, પરંતુ ઓનલાઇન નોંધણી કરતી સાઇટો બંધ આવે છે. ઇલેક્ટ્રિસિટી પર કામ કરતા ઇન્ડકશન કૂક ટોપ્સની ડિમાન્ડ એટલી મોટા પાયે ઉછળી છે કે તેનો સ્ટોક ખલાસ થઇ ગયો છે. ઇકોમર્સ સાઇટો પર પણ તેનો સ્ટોક ખલાસ થઇ ગયો છે.
રાંધણ ગેસની અછત બાબતે અફવા ફેલાવનારા પર સરકારે કડક પગલાં લેવાનો આદેશ રાજ્ય સરકારોને આપ્યા છે. ચેન્નાઇ, કોલક્ત્તા અને બેંગલુરૂમાં રાંધણ ગેસ આધારિત રસોઇ બંધ કરાઇ છે અને કોલસા તેમજ લાકડાનો ઉપયોગ ઇંધણ તરીકે થઇ રહ્યો છે. ભારતમાં એલપીજીનો વાર્ષિક વપરાશ અંદાજે ૩૧.૩ મિલીયન ટન છે, જેમાં ઘરગથ્થુ વપરાશ ૮૭ ટકા છે. હોર્મુઝની ખાડીના રસ્તેથી ૮૫થી ૯૦ ટકા જથ્થો આવે છે.
રાંધણ ગેસ અને પેટ્રોલ-ડિઝલ ક્ષેત્રે ઉભી થનારી તંગીએ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. સરકારે લોકોમાં ભરોસો ઊભો કરવા વિવિધ દાવા કર્યા છે. ગુરૂવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાંધણ ગેસની અછતના કારણે ઊભી થયેેલી લાચાર સ્થિતિનો ચિતાર આપ્યો હતો, તો સામે છેડે પટ્રોેેલિયમ પ્રધાને સરકાર કેવી રીતે રાંધણ ગેસની અછતનો મુકાબલો કરી રહી છે તેની રજૂઆત કરી હતી. સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે હૂંસાતૂંસી ચાલતી રહી. કેન્દ્ર સરકારે ખરેખર તો રાંધણ ગેસના કાળા બજાર કરનારા સામે કડક પગલાં લઇને પ્રજામાં ભરોસો ઊભો કરવો પડશે.


