Get The App

સોશિયલ નેટવર્ક પર ઊંટવૈદોથી ચેતો : પાયા વિનાની સલાહનું દૂષણ

Updated: Mar 13th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ નેટવર્ક પર ઊંટવૈદોથી ચેતો : પાયા વિનાની સલાહનું દૂષણ 1 - image

- 18 વર્ષની યુવતી મોતના મોંમાં ખેંચાઇ ગઈ

- પ્રસંગપટ

- શ્રીનંદા

- ઓનલાઇન હેલ્થ 'એક્સપર્ટ્સ'નાં સૂચનોને  સો ગળણે ગાળ્યાં પછી જ અમલમાં મૂકવાં

સોશિયલ નેટવર્ક પર જાતજાતની સલાહ આપનારાઓ એટલા મોટા પાયે ફૂટી નીકળ્યા છે કે વાત ન પૂછો. તેમને અનુસરનારા ક્યાં તોકોઇ ફ્રોડનો ભોગ બને છે અથવા ગેરમાર્ગેદોરાય છે. 

વજન ઓછું કરવું, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવો, ઊંઘ ના આવવી, મોટાપો દૂર કરવો, ટાલ પર વાળ ઉગાડવા, જોઇન્ટ પેઇન દૂર કરવું, ઘૂંટણનું ઓપરેશન કરાવવાને બદલે ચોક્કસ પ્રકારના તેલથી માલિશ કરવું, રોજની ચાર પાંચ ચોક્કસ પ્રકારની કસરત કરવી, ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી, એક્યુપ્રેશર અજમાવવું, દિવસમાં ચાર વાર તાળી પાડવી, નિયમિત પેટ સાફ કરવા માટેની હરડે લેવું કે અમુક પ્રકારનાં યોગાસના કરવા... આ પ્રકારના કોન્ટેન્ટથી સોશિયલ નેટવર્ક છલકાઇ રહ્યું છે.

જેટલી શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપતી જાહેરાતો આવે છે તેનાથી વધુ શરીરમાં ઇન્વેસ્ટ કરવાની જાહેરાતો આવે છે. આપણે જેને ડોશીમાંનું વૈદું કહેતા આવ્યા છે તેને કેટલાક ચાલાક લોકો મઠારીને એવી રીતે પેશ કરે છે કે જાણે મેથી કે હળદરના ઉપયોગનું સંશોધન તેણે પોતે જ કર્યું હોય. 

વજન ઘટાડવા માટે એક ૧૮ વર્ષની શ્રીનંદા નામની એક યુવતી એક નોન-ક્વોેલિફાઇડ યુટયુબરને રવાડે એવી ચઢી ગઇ કે તેને મોત ખેંચી ગયું. યુવતીઓ ભારે વજનની સમસ્યાને દૂર કરવા જાતજાતના ઉપાયો શોધતી હોય છે. કેરળની આ કન્યા યુટયુબના એવા ઓનલાઇન સલાહકારનાં સૂચનોને અનુસરતી હતી જેને શરીરશાસ્ત્રની કશી ગતાગમ નહોતી. આ મહાશયે એને વજન ઉતારવા માટે બધું જ ખાવાપીવાનું બંધ કરીને માત્ર ગરમ પાણી પર રહેવાની સલાહ આપી હતી.

સલાહકારને એવી અક્કલ નહોતી કે ૧૮ વર્ષના યુવાન શરીરના કોષો સતત ખોરાક અને પોષણ માગે છે. આ ખોરાકમાંથી જ લોહી બને છે જેનું આખા શરીરમાં અભિસરણ થાય છે. ખરેખર તો ૧૮ વર્ષની ઉંમરે માણસે દિવસમાં ચાર વાર ખાવું જોઈએ. અલબત્ત, સમજીવિચારીને. આ કિસ્સામાં છ મહિનાથી ફક્ત ને ફક્ત ગરમ પાણી પેટમાં નાખનારી શ્રીનંદા અંતે લો બ્લડ સુગર લેવલ અને લો બ્લડ પ્રેશરનો ભોગ બની હતી. એના શરીરમાં  સોડિયમ બિલકુલ  અનીચ્છનીય સ્તરે પહોંચી ગયું હતું. તે એટલી નબળી પડી ગઇ હતી કે  તેને વેન્ટીલેટરનો સપોર્ટ પણ આપી શકાય તેમ નહોતો.  

આજના યંગસ્ટર્સને, ખાસ કરીને યુવતીઓને સ્લિમ-એન્ડ-ટ્રિમ રહેવાના એવા ધખારા હોય છે કે તેઓ સમતોલ પૌષ્ટિક આહારનું મહત્ત્વ ભૂલી જાય છે. શ્રીનંદાના શરીરમાં ઇલેકટ્રોલાઇટ્સ અસમતોલ બની ગયા હતા. એાનલાઇન ઊંટવૈદો મેડિકલ સાયન્સને પડકારતા હોય તેમ મન ફાવે તેવું ડાયેટિંગ સૂચવતા હોય છે અને મોટા મોટા દાવા કરીને લોકોને ફસાવતા હોય છે. કોઈને ઘઊં ખાવાનું બંધ કરાવી દે છે, તો કોઈ પાસે અન્ય કશાક ધાન્ય પર ચોકડી મૂકાવી દે છે. 

અમુક 'હેલ્થ ઇન્ફ્લુએન્સરો'નું માર્કેટિંગ ભારે અસરકારક હોય છે. એમની ચેનલ કે પેજ પર એમની સલાહને અનુસરીને પાતળા થઈ ગયેલા લોકોના ટેસ્ટિમોનિઅલ્સ હોય છે. વાસ્તવમાં આ પૂરાવા આપનારા લોકો એમના જ મળતિયા હોય છે.  

 સોશિયલ નેટવર્કનો પ્રભાવ લોકોના દિલ- દિમાગ પર એ હદે પ્રભાવી બની ચૂક્યો છે કે મેડિકલ સાયન્સ જેવા ગંભીર વિષયમાં પણ લોકો આવા  ઊંટવૈદોનો શિકાર બની જાય છે. ભૂતકાળમાં તેમના વિરુદ્ધ ફરિયાદો પણ થઈ છે, પણ વાણી સ્વાતંત્ર્યના નામે બધું ચલાવી લેવાય છે. ડાયાબિટીસ મટાડવાની સલાહ આપનારા ડોેક્ટર તો ઠીક, ક્યારકેક સામાન્ય સાયન્સ ગ્રેજ્યુએટ પણ હોતા નથી.

 હેલ્થ એન્ડ ફિટનેસના ઓનલાઇન 'એક્સપર્ટ્સ' બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ચિત્રવિચિત્ર સૂચનો કરતા વીડિયો બનાવીને તેઓ લાઇક્સ ઉઘરાવી લે છે. જો ગાફેલ રહી જઈએ તો સોશિયલ નેટવર્ક એક જોખમી જગ્યા શકે છે. સત્તાવાળા તેના પર અંકુશ મુકે ત્યારે ખરા, બાકી સોશિયલ મીડિયા પર પડયાપાર્થર્યા રહેતા લોકોએ આવા કહેવાતા સલાહકારોનાં સૂચનોને સો ગળણે ગાળ્યા પછી જ અમલમાં મૂકવી જોઇએ.