- અમેરિકાનાં 96 યુનિકોર્ન સ્ટાર્ટઅપ પાછળ મૂળ ભારતીયો
- પ્રસંગપટ
- એચવન-બી વિઝાના મામલામાં અને ટેકનિકલ સેક્ટરમાં ભારતીયો પ્રત્યે કિન્નાખોરી જોવા મળે છે
- જ્યોતિ બંસલ, અરવિંદ શ્રીનિવાસ અને મોહિત અરોરા
અમેરિકાનું વહિવટી તંત્ર વિઝાના નિયમો કડક બનાવીને વિદેશના લોકોને ખાસ કરીને ભારતીયોને અમેરિકામાં પ્રવેશતાં રોકવા માગે છે. અમેરિકામાં અનેક ભારતીયો ટોપ પર છે. બિઝનેસ કમ્યુનિટીમાં ખાસ કરીને મોટેલ બિઝનેસ ભારતીયોના હાથમાં છે. અમેરિકામાં ૧૯૬૦ના દાયકામાં ગયેલા ભારતીયો ત્યાં સેટ થઇ ગયા છે અને પોતાના પરિવારના લોકોને પણ બોલાવીને સેટ કર્યા છે. કેટલાય ભારતીયોની એકાધિક પેઢી અમેરિકામાં વસે છે. અમેરિકા જવાનું સપનું લોકો વર્ષોથી સેવતા આવ્યા છે.
ભારતીયોને નકારવા અમેેરિકા માટે બહુ આસાન નથી. સિલિકોન વેલીમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. સિલિકોન વેલીની કેટલીક આઇટી કંપનીઓના કેમ્પસના પ્રવેશ દ્વારે ગણપતિ ભગવાનને સ્થાપિત કરેલા જોવા મળે છે. ભારતીયો આવીને સ્થાનિક લોકોની રોજગારી આંચકી લે છે તેવા અહેવાલો અમેરિકાના સ્થાનિક નાગરિકો માટે ચિંતાજનક હતા.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાના વિદ્યાર્થીઓને કરેલા સંબોધનમાં જાહેરમાં કહ્યું હતું કે તમે ભણો, નહીંતર તમારે ભારતીયોના હાથ નીચે કામ કરવું પડશે. અમેરિકાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી દૂર રહેતા હોવાથી ઓબામાએ તેમને ચેતવ્યા હતા. હવે ઓબામાની વાત સાચી પડી રહી છે તેવી અસર ઊભી થાય છે.
તાજેતરના એક અહેવાલ અનુસાર અમેરિકાનાં ૯૬ યુનિકોર્ન સ્ટાર્ટઅપ એવા છે કે જેમાં કાં તો મૂળ ભારતીય તેના ફાઉન્ડર અથવા તો કો-ફાઉન્ડર છે.
અમેરિકામાં વસતા અન્ય દેશના ઇમિગ્રન્ટ્સની તુલનામાં ભારતીય મૂળિયા ધરાવનારાઓ સૌથી વધુ યુનિકોર્ન સાથે ટોપ પર છે. ઇઝરાયલ, યુકે, ચીન, કેનેડા અને રશિયાના ઇમિગ્રન્ટ્સ આ મામલામાં ભારતીયો કરતાં પાછળ છે.
અમેરિકામાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભું કરવામાં જે ભારતીયોનાં નામ મોખરે છે તેમાં જ્યોતિ બંસલ, અરવિંદ શ્રીનિવાસન,મોહિત અરોરાનો સમાવેશ થાય છે. અરવિંદ શ્રીનિવાસ પરપ્લેક્સિસીટીના કો-ફાઉન્ડર છે, જ્યારે મોહિત સેન સ્ટેલ્થ સ્ટાર્ટઅપના ફાઉન્ડર અને સીઇઓ છે.
અમેરિકાના કેટલાક લોકો એમ માને છેકે વિદેશથી આવતા નોન-ક્વોલિફાઇડ લોકો, અથવા ઇવન ક્વોલિફાઇડ લોકો પણ ઓછા વેતનથી નોકરી સ્વીકારી લે છે, જેને કારણે મૂળ અમેરિકનોની નોકરીઓ છીનવાઇ જાય છે.
મૂળ ભારતીય એવા ઉદ્યોગ સાહસિકોએ અમેરિકામાં ૯૬ અબજ ડોલરનાં સ્ટાર્ટઅપ ઊભાં કર્યા છે. અમેરિકાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ભારતીયો ચાવીરૂપ બનેલા છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના અહેવાલો અનુસાર યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કરવા એ સ્પર્ધામાં મોખરે રહેવા સમાન છે.
એક તરફ, ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ તેમના વિરોધમાં ચાલતા એનલાઇન પ્રચારનો સામનો કરી રહ્યા છે, અને બીજી તરફ ક્રિયેટીવ આઇડિયાને અમલી બનાવી રહ્યા છે. તેમના વિરૂદ્ધ ચાલતા ઓનલાઇન પ્રચારમાં એમ કહેવામાં આવે છે બહારથી આવેલા લાકો, ખાસ કરીને ભારતીયો, અમેરિકાના અર્થતંત્ર પર બોજ સમાન છે, માટે તેમને ટેકો ના આપો.
ટૂંકમાં, ભારતનાં સ્ટાર્ટઅપ સાહસિકો સામા પ્રવાહે તરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે. એચવન-બી વિઝા અને ટેકનિકલ સેક્ટરની જોબ માટે ભારતીયો પ્રત્યે કિન્નાખોરી જોવા મળે છે. હકીકત એ છે કે અમેરિકાના અર્થતંત્રના વિકાસમાં ભારતીય ઇમિગ્રન્ટ્સનો ફાળો મોટો છે.
અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોનો સાયલન્ટ વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં અમેરિકામાં સોથી વધુ જોબ ઊભી કરતી કંપનીઓમાં ભારતીય મૂળિયાં ધરાવતા ફાઉન્ડરોની કંપનીઓનાં નામ ઝગમગી રહ્યાં છે. અહેવાલો અનુસાર અમેરિકામાં વસતા અન્ય ઇમિગ્રન્ટ્સની તુલનામાં ભારત અને ચીનથી આવેલા ઇમિગ્રન્ટ વધુ સ્માર્ટ છે. એમાંય ખાસ કરીને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારતીયો આકર્ષક સફળતા મેળવી શક્યા છે.
અમેરિકામાં જ્યારે ભારતીયોની હત્યા થાય છે, ત્યારે હત્યારાના મનમાં ભારતવિરોધી ઝનૂન છવાયેલું હોય છે. નોકરીવિહોણા અમેરિકનોના મનમાં એક વાત ઘર કરી ગઇ છે કે અન્ય દેશો કરતાં ભારતથી આવતા લોકો અમારી નોકરીઓ સૌથી વધારે ઝૂંટવી લે છે.
અગાઉ નોંધ્યું તેમ, અમેરિકામાં મૂળ ભારતીયેાએ ૯૬ યુનિક્રેાન સ્ટાર્ટઅપ ઊભાં કર્યાં છે. તેની સરખામણીમાં ઇઝરાયલના ઇમિગ્રન્ટસે ૬૦, યુકેના લોકોએ ૪૭, ચીનના ઇમિગ્રન્ટ્સ ૪૧, કેનેડાના ૩૦ અને રશિયાના ઇમિગ્રન્ટ્સે ૨૩ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કર્યાં છે.


