Get The App

કમલનાથની જેમ ગેહલોત સરંડર ના થયા,નાટક ચાલુ..

- પાઇલોટનું વિમાન ટેકઓફ ના થઇ શક્યું

- પ્રસંગપટ .

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News

- ભાજપની પડદા પાછળની ચાલનું બૂમરેંગઃ વહેલા મોડા અશોક ગેહલોતને ઉથલાવાશે

કમલનાથની જેમ ગેહલોત સરંડર ના થયા,નાટક ચાલુ.. 1 - image

ગુંડા વિકાસ દુબેના એનકાઉન્ટર બાદ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનું પોલીટીકલ એનકાઉન્ટર થઇ રહ્યું છે. જોકે મધ્યપ્રદેશના કમલનાથ કરતાં અશોક ગેહલોત વધુ સ્માર્ટ પુરવાર થયા હતા. તેમણે ભાજપની પડદા પાછળની ચાલનું  બૂમરેંગ કરી નાખ્યું હતું. તેમ છતાં રાજસ્થાનની સરકાર સામે સતત જોખમ રહેલું છે.ભારતીય જનતા પક્ષવાળા પોલીટીકલ એનકાઉન્ટર કરવામાં પાવરધા થઇ ગયા હોય એમ લાગી રહ્યું છે.

જે રાજ્યોમાં સરકાર રચી શકાઇ તે રાજ્યોની સરકારો ઉથલાવી નાખવાનું ગણિત ભાજપવાળા રોજ ગણતા હતા.મધ્યપ્રદેશ પછી વારો મહારાષ્ટ્રનો નિકળવાનો હતો પણ રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચીન પાઇલોટને થોડી ઉતાવળ હતી એમ લાગે છે. પોલીટીકલ એનકાઉન્ટરમાં પક્ષ પલટો, વિધાન સભ્યો તોડવા, સત્તાધારી પક્ષને લઘુમતીમાં મુકવો જેવી રાજકીય ચાલનો સમાવેશ થાય છે.

રાજકીય એનકાઉન્ટરમાં આ વખતે  અશોક ગેહલોત લગભગ બચી ગયા છે પરંતુ  તેમનાજ નાયબ મુખ્ય પ્રધાનના હાથે  વહેલું મોડું એનકાઉન્ટર થવાનું છે. કહે છે કે સચીન પોઇલોટનો પનો ટૂંકો પડે છે તે મુખ્ય પ્રધાન પદ માટે દાવેદાર હોવા છતાં પક્ષના આંતરીક ડખાનો તે શિકાર બન્યા હતા. જેમ જ્યોતિરાદિત્ય સિંધીયાએ મધ્યપ્રદેશમાં કમનલાથની સરકાર ઉથલાવીને કોંગી મોવડીમંડળને મૂંઝવણમાં મુકી દીધું હતું એમ હવે સચીન પાઇલોટ કરી રહ્યા છે. 

રાજસ્થાનમાં કોંગ્રેસના ડખા આજના નથી ચાલતા. મુખ્ય પ્રધાન બનવાનું સચીન પાઇલોટ માટે નક્કી હતું ત્યારે સોનિયા ગાંધીની કિચન કેબિનેટે તેમના જુના સાથી અશેાક ગેહલોતને મુકી દીધા હતા. ત્યારથી સચિન પોતાની ક્ષમતાનો દાવો કર્યા કરે છે અને પોતાના હક માટે લોબીંગ કર્યા કરતા હતા. તેમના પાસે ૨૦ વિધાનસભ્યો છે અને જોઇએ છે  ૩૧ વિધાન સભ્યો. આમ સચિનનો પનો ટૂંકો પડે છે. સરકાર ઉથલાવવામાં ભાજપની મથારવટી મેલી છે.

તે ગુપચુપ ઉભા રહે તો પણ તેમના તરફ આંગળી ચીંધાય છે. જોકે કોંગ્રેસ એ સ્વિકારવા તૈયાર નથી કે પોતાનું ઘર કાચું છે એટલે ભાજપવાળા તેનો લાભ ઉઠાવે છે. કોઇ પણ સરકાર કાચી પડે એટલે તેનો આક્ષેપ વિપક્ષ પર નાખવામાં આવે છે. રાજકારણમાં સામેવાળાના ઉથલાવીને કે ટાંટીયા ખેંચીનેજ જીતાય તે લોકશાહી દેશની ખાસિયત કહી શકાય. તેને રાજકીય આવડત તરીકે પોંખવી જોઇએ.

ખરેખર તો મહારાષ્ટ્રની સરકારનો વારો હતો પરંતુ કોરોનાએ તેને ભીંસમાં લીધું છે અને ત્યાં ભાજપ માટે કોઇ સચીન પાઇલોટની ભૂમિકા ભજવી શકે એવો કોઇ ચહેરો નથી. ભાજપને મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો સાથ મળ્યો હતો એમ રાજસ્થાન માટે સચીન પાઇલોટે સાથ આપ્યો છે. આ બંને કોંગ્રેસના ભૂતપૂર્વ અને ભાવિ પ્રમુખ રાહુલ ગાંધીના માત્ર ખાસ મિત્રોની યાદીમાં નહીં પણ કિચન કેબિનેટના સભ્યો પણ હતા.

છતાં મિત્રતા કામ નહોતી આવી. કેમકે યુવા રાજકારણીઓ વધુ મહત્વકાંક્ષી હતા.  અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે કેમકે તેમના કહેવા પ્રમાણે તેમનુ માન જળવાતું નહોતું. સચીન પાઇલોેટો ગામેગામ જઇને કોંગ્રેસનો  પ્રચાર કરીને જીત અપાવી છતાં મુખ્ય પ્રધાન પદું ગેહલોતને અપાયું હતું.  રાજકીય અસંતોષ ઉધઇ જેવો હોય છે. તે પક્ષને ધીરે ધીરે કોરી નાખતો હોય છે. આવી ઉધઇ પોતાના વિચાર સાથે સંકળાયેલા સાથીઓને શોધી લેતી હોય છે. 

રાજકીય પક્ષોએ ખાસ કરીને કોંગ્રેસ યુવા નેતાઓની રાજકીય મહત્વકાંક્ષાને પંપાળવાની જરૂર છે. જ્યોતિરાદિત્ય સિંધીયાની નારાજગીની દવા કોંગ્રેસ ના કરી શકી અને એક રાજ્ય ગુમાવવું પડયું હતું. આવેા રાજ્ય ગુમાવવા જેવો ફટકો ખાધા પછી પણ કોંગ્રેસ સુધરી નહોતી અને હવે સચીન પાઇલોટે માથું ઉંચક્યું છે. કહેછે કે મિલિન્દે દેવરા પણ લાઇનમાં ઉભા છે. સચીન પાઇલોટે લાંબું વિચારીને ગેમ રમી છે. 

કોંગ્રેસના મોવડી મંડળે મોડે મોડે સમાધાનના પ્રયાસો કર્યા છે પરંતુ હવેના દરેક સમાધાન તકલાદી વેલ્ડીંગ સમાન રહેવાના છે. અશોક ગેહલોતને ઉથલાવવાનો સચીન પાઇલોટનો આ ત્રીજો પ્રયાસ છે. ભાજપવાળા સચીન પાઇલોટના ખભે બંદૂક મૂકીને અશેાક ગેહલોતનું મુખ્ય પ્રધાન પદું વહેલું મોડું આંચકી લેશે તે નક્કી છે. ભાજપના હાથમાં વધુ એક રાજ્ય આવે એવા સંકેતો મળી રહ્યા છે. ટૂંકમાં વાઘ લોહી ચાખી ગયો છે.....

Tags :