Get The App

રેલવે ટ્રેક પર નિર્દોષ પ્રાણીઓનાં મોત અકસ્માત નહીં, અવગણનાનું પરિણામ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે ટ્રેક પર નિર્દોષ પ્રાણીઓનાં મોત  અકસ્માત નહીં, અવગણનાનું પરિણામ 1 - image

- દર વર્ષે સિંહ, દીપડા અને હાથી સુધ્ધાં કચડાય છે 

- પ્રસંગપટ

- નઘરોળ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરાય છે, અહેવાલો અપાય છે, તપાસ કરાય છે પણ ઇચ્છિત પરિણામ ક્યારેય આવતું નથી

અસમમાં રેલવે ટ્રેક ઉપર અકસ્માત થવાથી હાથીઓના મોતની ઘટના સતત વધી રહી છે. ખાસ કરીને શિયાળા દરમિયાન હાથીઓનાં રેલવે ટ્રેક ઉપર અકસ્માત વધતા હોવાના અહેવાલો છે. થોડા સમય પહેલાં એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, છેલ્લાં એક દાયકામાં અસમમાં ટ્રેન  સાથે અથડાવાથી કે કપાઈ જવાથી ૬૦ હાથીઓનાં મોત થયા છે. લોકોનો આરોપ છે કે, આ તો સરકારી આંકડો છે. હકીકતમાં આના કરતાં વધારે હાથીઓના મોત થયા છે. બીજી બાજુ, થોડા સમય પહેલાં સંસદમાં રજૂ થયેલા આંકડા જણાવે છે કે, એક દાયકામાં સમગ્ર દેશમાં રેલવે અકસ્માતમાં ૧૮૬ હાથીઓનાં મોત થયા છે. 

માત્ર અસમની જ આ સ્થિતિ નથી. ભારતમાં ૬૯ હજાર કિલોમીટર લાંબી રેલવે લાઈન ફેલાયેલી છે. તેમાં નોર્થ -ઈસ્ટના રાજ્યો ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, તમિલનાડુ જેવાં રાજ્યોમાં  જંગલમાંથી રેલવે લાઈન પસાર થાય છે. તેના કારણે વન્યજીવોના અકસ્માતના અનેક કેસ બને છે. એ વાત જુદી છે કે મોટાભાગના કેસ વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા દબાવી દેવામાં આવે છે અને સરકારી ચોપડે નોંધાતા નથી. 

ગુજરાતની જ વાત કરીએ તો, દુનિયાના એકમાત્ર એશિયાટિક લાયન અહીં જોવા મળે છે. દુનિયાભરના લોકો આ સિંહ જોવા ગુજરાત આવે છે અને ગીરની સ્થાનિક પ્રજા સિંહને બચાવવા અથાક મહેનત કરે છે છતાં તંત્ર દ્વારા ઢાંકપિંછોડા કરવામાં આવે છે. ગીરમાં પણ રેલવે લાઈન પસાર થાય છે અને દર વર્ષે કેટલાક સિંહના જીવ આ રેલવે લાઈન થકી જતા હોય છે. 

ગુજરાતના આંકડા જોઈએ. ેગત વર્ષે વન્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં ૨૮૬ સિંહ, ૪૫૬ દીપડાનાં મોત થયા હતા. તેમાં ૧૪૩ સિંહબાળનો પણ સમાવેશ થાય છે. આ તમામ મોતમાંથી ૬૦ જેટલા સિંહોના અકુદરતી મોત થયાં હતાં. ૨૦૨૩-૨૪માં પણ ૩૨સિંહના અકસ્માતે મોત થયાના અહેવાલ હતા. તે સમયે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને વન વિભાગ અને રેલવે તંત્રને આ સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

 ઉલ્લેખનીય છે કે, આ સમસ્યા દાયકાઓથી ભારતમાં ચાલતી જ આવી છે. તંત્રની બેદરકારીને પગલે જાનવરોનાં મોત થાય છે. અવારનવાર અહેવાલો સામે આવે જ છે જેમાં ગાયો, ભેંસો, ઘેટા-બકરાં, સિંહ, હાથી જેવા પ્રાણીઓના રેલવે અકસ્માતમાં મોત થતા હોય છે. 

ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યોની સ્થિતિ જોઈએ તો અહીં જંગલોનું પ્રમાણ વધારે છે. અસમમાં બ્રહ્મપુત્રા ઘાટી, પહાડો, જંગલો, ચાના બગીચા અને નદી કિનારાનાં નાનાં મેદાનો અને આ બધાની વચ્ચેથી રેલવે લાઈનો પસાર થતી હોય છે. સ્થિતિ એવી છે કે, હાથીઓ દ્વારા કુદરતી રીતે જે રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેની વચ્ચેથી જ રસ્તા, હાઈવે કે પછી રેલવે લાઈનો પાથરવામાં આવી છે. તંત્ર દ્વારા ધરાર અવગણના થાય છે. તંત્રની બેદરકારી દાખવીને પ્રાણીઓની સુરક્ષા માટે કોઈ પગલાં લેતું નથી.  

હાથી એવું પ્રાણી છે જે પોતાના મગજમાં કુદરતી રીતે નિશ્ચિત થઈ ગયેલા રસ્તા ઉપર જ ચાલે છે. હાથીઓને ક્યાં કોઈ ટ્રાફિકના નિયમો નડે છે? તેઓ તો પોતાના કુદરતી જીપીએસને ફોલો કરીને રસ્તો શોધે છે, યાદ રાખે છે અને આજીવન તેનું પાલન કરે છે. 

અસમના નાગાંવ, હોજઈ, મોરીગાંવ અને લુમડિંગ જેવા વિસ્તારોમાં રેલવે લાઈનો આવી ગઈ છે. તેના પગલે અહીંયા હાથીઓના અકસ્માત વધી ગયા છે. ૨૦૨૪ના ડિસેમ્બરમાં જ રાજધાની એક્સપ્રેસ સાથે અકસ્માત થતાં ૮ હાથીનાં મોત થયાં હતાં. 

અસમ, નાગાલેન્ડ, મેઘાલય, ગુજરાત, કેરળ, તમિલનાડુ કે મહારાષ્ટ્ર જ્યાં પણ જંગલી પશુઓ કે પાલતુ પશુઓના અકસ્માતે મોત થાય છે તેમાં તંત્રની નિષ્ફળતા અને બેદરકારી સ્પષ્ટ દેખાય છે. જંગલ કાપીને પહેલેથી જ પ્રાણીઓના કુદરતી રહેઠાણ ઓછા કરાઈ રહ્યા છે. 

બીજી તરફ તેમના જંગલોની વચ્ચેથી જ રેલવે લાઈનો પસાર કરવામાં આવી છે. આ રેલવે લાઈનોની આસપાસ સુરક્ષાની વ્યવસ્થા નથી. વળી, જંગલોમાં પ્રવેશ કરતી ટ્રેનોની ઝડપ ઓછી થતી નથી.  તેના કારણે ગમે ત્યારે આવા ગમખ્વાર અકસ્માતો થતા રહે છે. નઘરોળ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરાય છે, અહેવાલો અપાય છે, તપાસ કરાય છે પણ પરિણામ ક્યારેય અપાતું નથી. બેદરકારી કાયમ મૂક પશુની જ કાઢવામાં આવે છે. 

જ્યાં સુધી સિસ્ટમમાં પારદર્શકતા અને સંવેદના નહીં આવે ત્યાં સુધી આવું બોદું તંત્ર દર વર્ષે હજારો નિર્દોષ પશુઓનાં ભોગ લેતું રહેશે.