Get The App

વિશ્વના AI તખ્તા પર ભારતને આગલી હરોળમાં મૂકતું બેંગલુરૂનું સર્વમ્ AI

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વના AI તખ્તા પર ભારતને આગલી હરોળમાં મૂકતું બેંગલુરૂનું સર્વમ્ AI 1 - image

- ભારતનો પ્રથમ AI પાર્ક તમિળનાડુ ખાતે બનશે

- પ્રસંગપટ

- ગુગલના જેમિની અને ઓપનએઆઇના ચેટજીપીટી કરતાંય  સર્વમ્ AI ઉપયોગ કરવામાં અસરકારક પૂરવાર થશે 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના તખ્તા પર વર્તમાનમાં ભારતની સર્વમ  AI કંપની ટોકિંગ પોઇન્ટ બની છે. AIની રેસમાં ભારતે સાબિત કરી આપ્યું છે કે અમે વિકસિત દેશોની હરોળમાં ઊભા રહેવા સક્ષમ છે. ચેટજીપીટી, જેમિની જેવા AI ચેટબોટ્સ ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓને રિસ્પોન્ડ કરે છે, પણ તેની ઘણી મર્યાદાઓ છે. ભારતની સર્વમ્  AI  ભારતની તમામ પ્રમુખ ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપશે. 'AI  ફોર એવરીવન' એ કંપનીનું સૂત્ર છે. ગુજરાતી, હિન્દી અને દક્ષિણ ભારતની ચાર મુખ્ય ભાષાઓ સહિત ભારતની તમામ ૨૨ શિડયુલ ભાષાઓનો તેમાં સમાવેશ કરાયો છે.

સર્વમ્ AI અમેરિકાના ઓપન એઆઇ અને ચીનના ડીપસીકને સીધો પડકાર ફેંકવા માગે છે. વોટ્સએપ પર સર્વમ્ AIનું ટ્રાયલ થયું હતું ત્યારે અનેક પ્રતિભાવો મળ્યા હતા, જેમાં એક વાત કોમન હતી.  તે એ કે સર્વમ્  AI  એ માત્ર નવું ચેટબોટ નથી, પણ તે ભારતને ગૌરવ અપાવતું નવું  સંશોધન છે. સર્વમ્  AIને કારણે અન્ય વિદેશી ચેટબોટ્સ પર આધાર રાખવો નહીં પડે તેવી અપેક્ષા છે. એક વપરાશકારે લખ્યું છે કે સર્વમ  AIનો ઉપયોગ કરીને મેં એક અઠવાડિયામાં ચાર એપ બનાવી છે જેમાં કેન્સર સપોર્ટ, વોઇસ ટ્રાન્સલેશન, મેડિકલ સ્ક્રાઇબ જેવાનો સમાવેશ થાય છે.

સર્વમ્ એ સંસ્કૃત શબ્દ છે.સર્વમ્ એટલે સર્વ, અથવા આ કંપનીના સંદર્ભમાં કહીએ તો, તો સર્વને માટે,  સર્વ વસ્તુ, સર્વ સ્થળ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ભારત ખાસ્સું પાછળ રહી ગયું હતું, પણ હવે સર્વમ AI સાથે ભારતે એક હનુમાન કૂદકો માર્યો છે તેમ કહી શકાય. ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ભારત આમ તો ઘણી બસ ચૂકી ગયું છે. જેમ કે, બ્રાઉઝર સંબંધિત રીસર્ચ. ભારતે પોતાનું બ્રાઉઝર બનાવ્યું નહીં એટલે ભારતીયોએ ગુગલ ક્રોમ, ફાયર ફોક્સ, સફારી વગેરે જેવાં વિદેશી બ્રાઉઝર પર ભરોસો રાખવો પડયો છે. AIના મામલામાં આવું ન થાય તે માટે ભારત અત્યારથી જ પ્રયત્નશીલ બની રહ્યું છે. 

દાવો એવો થયો છે કે ગુગલના જેમિની અને ઓપન એઆઇના ચેટજીપીટી કરતાં પણ સર્વમ્ AI ટેકનોલોજીની દ્રષ્ટિએ બહેતર અને ઉપયોગ કરવામાં સરળ બની રહેશે.  સર્વમ્ AI સ્ટાર્ટઅપની સ્થાપના બેંગલુરુમાં પ્રત્યુષ કુમાર અને વિવેક રાઘવન નામના ઉત્સાહી યુવાનોએ ડિસેમ્બર ૨૦૨૩માં કરી હતી. ૪૨ મિલિયન ડોલરનું ફન્ડ એકઠું કરવામાં આવ્યું હતું. આ રકમનો મોટો હિસ્સો રિસર્સ એન્ડ ડેવલપમેન્ટ પાછળ  ખર્ચાયો છે. ભારત સર્વમ્ AI જેવા સાહસની જ રાહ જોઇને બેઠું હતું.  

 ઇન્ડિયનએઆઈ મિશન હેઠળ ભારતનું પોતાનું મૂળભૂત મોડલ વિકસાવવા માટે  ૬૭ કંપનીઓ કતારમાં ઊભી હતી. તેમાંથી ૨૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભારતના આઈટી મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવે સર્વમ્ AI  પર પસંદગીનો કળશ ઢોળ્યો.  

સર્વમ્ AIના સંચાલકો કહે છે કે ગુગલના જેમીની અને ઓપન AIના ચેટ જીપીટી કરતાં વધુ અસરકારક પરિણામો સર્વમ્ AI આપી રહ્યું છે. સર્વમ્ AIની ચર્ચા વિશ્વના તખ્તા પર એટલા માટે થઇ રહી છે કે અન્ય AI મોડલ કરતાં તેની ટેકનોલોજીમાં દેખીતો ફર્ક છે. ભારતનું સર્વમ્ AI ભારતીયોની તાસીર, ઉપયોગિતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. વિવિધ ભારતીય ભાષાની આર્કાઇવ્ઝ, મેન્યુસ્ક્રીપ્ટ અને ડોક્યુમેન્ટસને હેન્ડલ કરવા પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. 

સર્વમ્ AIની ટીમ બરાબર જાણે છે કે ભારતના વપરાશકારોને શું જોઇએ છે.  AI વધુને વધુ ભારતીયો સુધી પહોંચાડવાનું અને વપરાશકારોની પડતી સમસ્યાઓના  સોલ્યુશન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. 

AIનો ઉપયોગ આસાન બની રહે, ભરોસોપાત્ર બની રહે અને તે મૂળ ભારતની ટેકનોલોજી હોય એવી સૌની અપેક્ષા સર્વમ્ AI પુરી કરી શકશેએમ લાગી રહ્યું છે. એક અહેવાલ એવા પણ છે કે ભારતનો પ્રથમ AI પાર્ક તમિળનાડુ ખાતે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભો કરાઇ રહ્યો છે. તે માટે તમિળનાડુની સરકારે સર્વમ્ AI સાથે એમઓયુ પણ સાઇન કર્યા છે. આ રકમ માતબર છે અને ભારત AIની રેસમાં સરસ દેખાવ કરી શકે તે માટે થઈ રહેલા પ્રયાસો પ્રશંસનીય છે.