Get The App

યુપીઆઇના આસાન ઉપયોગના કારણે લોકો વધુ ખર્ચ કરી રહ્યા છે

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
યુપીઆઇના આસાન ઉપયોગના કારણે લોકો વધુ ખર્ચ કરી રહ્યા છે 1 - image


- મહિને દહાડે 18 અબજ જેટલાં ટ્રાન્ઝેકશન 

- પ્રસંગપટ

- ડિજિટલ સ્વરૂપમાં પૈસાની લેતીદેતી કરતી સિસ્ટમ જનતા આટલી ઝડપથી સ્વીકારી લેશે તેવું કોઇએ કલ્પ્યું નહોતું

છેલ્લાં દશ વર્ષની અંદર ભારતમાં સૌથી વધુ ઝડપે કંઇ વિકસ્યું હોય તો તે છે, યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) સિસ્ટમ. મહિને દહાડે જેના થકી ૧૮ અબજ જેટલાં ટ્રાન્ઝેકશન થતા હોય અને નાના-મોટા, ગરીબ-તવંગર સૌ તેનો ઉપયોગ કરતા હોય ત્યારે સમજી શકાય કે ચૂકવણી કરવાનો ભાર આસાન કરી દેવાયો છે. ગ્રામ્ય ભારતીયો, શહેરોના નાના દુકાનદારો અને લારી- ગલ્લાવાળા સુધીના સૌનાં બેંક એકાઉન્ટ જનધન ખાતાં મારફતે ખૂલ્યાં અને તેના પગલે  યુપીઆઇ સિસ્ટમે વેગ પકડયો. યુપીઆઇનો વપરાશ કરતા લાખો લોકો તેને આર્થિક ટ્રાન્ઝેક્શનની સરળ અને સલામત રીત કહી રહ્યા છે.

આ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમમાં ભારત વિશ્વમાં મોખરે છે. ખિસ્સામાં નગદ રૂપિયા ન હોય, પણ તમારા મોબાઇલમાં ગુગલપે, પેટીએમ, ફોનપે, ભિમ જેવી એપ હોય તો તમે આખો દિવસ હરીફરી શકો છો, શોપિંગ કરી શકો ખાઈ-પી શકો છો. અંતરિયાળ ગામડાની પ્રજાથી લઈને ધાર્મિક સ્થળોએ ફૂલ અને નાળિયેર વેચનારા સુધીના સૌ કોઈ યુપીઆઇ સિસ્ટમ વાપરે છે. હકીકત તો એ છેકે યુપીઆઇ ક્યાં નથી વપરાતું તેની યાદી બનાવવી મુશ્કેલ છે.

ભારતની યુપીઆઇ સિસ્ટમ અન્ય આઠ દેશોમાં ચાલે છે - ફ્રાન્સ, મોરેશિયસ, કતાર, યુએઈ, સિંગાપોર, શ્રીલંકા, નેપાળ અને ભુતાન.   ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ તાજેતરમાં નોંધ્યું છે કે રીટેલ પેમન્ટ સિસ્ટમમાં ભારત વિશ્વમાં લીડર બનીને ઉભરી આવ્યું છે. ૨૦૧૬માં ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલા આ ભગીરથ કાર્યને હજુ દશ વર્ષ પણ પૂરાં થયાં નથી, પણ એની નામના ચામેર ફેલાઈ ગઈ છે. ગણતરી મિનિટોમાં કે ઇવન સેકન્ડ્સમાં જાતજાતનાં બિલ ભરી નાખતી, કુટુંબીજન કે વેપારીને પૈસા મોકલી આપતી આ સિસ્ટમનો કોઇ એકવાર ઉપયોગ કરે છે તેનો કાયમી વપરાશકાર બની જાય છે.

પૈસાની લેતીદેતી માટે વર્ષોથી ચાલી આવતી 'એક હાથ સે લે, દૂસરે હાથ સે દે'ની પરંપરામાં પરિવર્તન લાવવું શક્ય જણાતું નહોતું. 'પરચુરણ નથી' એમ કહીને રાઉન્ડ ફીગરમાં વ્યવહાર થાય એટલે એક પક્ષને ખોેટ જતી હતી. સરકારી રાહતો સીધા જ વપરાશકારના બેન્ક ખાતામાં જમા કરવા માટે જનધન બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા તે પછી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો.

પૈસાની આપ-લેની રુઢિમાં બદલાવ લાવી શકાશે નહીં તેવું લાગતું હતું, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છવાઇ ગઈ. અહીં પરચુરણની તંગીની કોઇ સમસ્યા આડે આવતી નથી.  ફાટેલી કે ઘસાઇ ગયેલી નોટોના ઝઘડા પણ હવે જોવા મળતા તેની પાછળનું કારણ યુપીઆઇ  સિસ્ટમ છે. 

ડિજિટલ સ્વરૂપમાં પૈસાની લેતીદેતી કરતી સિસ્ટમ જનતા આટલી ઝડપથી સ્વીકારી લેશે એવું કોઇએ કલ્પ્યું પણ નહોતું. જ્યાં વેપારી માટે રકમ લઈને પહોંચ આપવી ફરજીયાત હતી ત્યાં હવે ઓનલાઇન પહોંચ યુપીઆઇ સિસ્ટમ આપી રહી છે. દરેક ટ્રાન્ઝેક્શનની પહોંચને તમે સ્ટોર કરીને સાચવી શકો છે, વોટ્સએપ પર કે અન્યત્ર શેર પણ કરી શકો છો.  

પૈસો અને તેની લેવડદેવડ બહુ સંવેદનશીલ અને જવાબદારીભરી બાબત છે. પૈસાની લેતીદેતીની રીત બદલવી બહુ સમસ્યાજનક સાબિત થઈ શકે છે.  લોકો જે રીતથી ટેવાઈ ગયેલા હોય તેમાં ફેરફાર કરવો ખાસ શક્ય હોતો નથી, પણ યુપીઆઇ સિસ્ટમે આ કામ કરી બતાવ્યું છે. તેની પાછળનાં મુખ્ય કારણો છે જનધન બેન્ક ખાતાં, ઓપરેટીંગમાં સરળતા અને ત્વરીત ટ્રાન્ઝેકશન. સૌથી મોટી સફળતા એ છે કે જેમને અંગ્રેજી ફાવતું નથી કે સ્માર્ટફોન ઓપરેટ કરતાં ખાસ આવડતું નથી તેવા લોકો પણ યુપીઆઈ વાપરતાં શીખી ગયા છે. યુપીઆઈને કારણે નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી ખરીદી પળવારમાં કરી શકાય છે. 

યુપીઆઇ સિસ્ટમના કારણે લોકોના રોજીંદા ખર્ચામાં વધારો થયો હોવાનું પણ જણાયું છે. પહેલાં ખિસ્સામાં હોય એટલા જ પૈસાનો ખર્ચ કરવાની મર્યાદા રહેતી. પણ યુપીઆઈને કારણે બેંકખાતામાં જમા હોય એટલાં પૈસા ખર્ચવાની આઝાદી મળી ગઇ છે.

યુપીઆઇથી પેમેન્ટ કરનારાઓ એક વાત સાથે સંમત થશે કે પહેલાં લોકો ગમતી વસ્તુ લેતાં પહેલાં ખિસ્સામાં રોકડા પૈસા કેટલા છે તે જોઈ લેતા હતા, પરંતુ હવે બેંકનું ખાતું ક્યારે ખાલી થાય છે તેની ખબર પડતી નથી.

Tags :