BNPL નામની લોલીપોપ બતાવીને મધ્યમ વર્ગને ખરીદીમાં ફસાવીને લૂંટ

- બાય નાઉ પે લેટરના પ્રલોભનોમાં પડતાં પહેલા વિચારો
- પ્રસંગપટ
- દર મહિને નાણા ચૂકવવાની ક્ષમતા ના હોય તો આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમોથી દૂર રહેવું જોઇએ
તાજેતરના દિવાળીના તહેવારોમાં લોકોએ ઘર વપરાશની ચીજોની ધૂમ ખરીદી કરી તેની પાછળ બે મુદ્દા કામ કરતા હતા. એક મુદ્દો ક્રેડીટ કાર્ડનો હતો તો બીજો આજે ખરીદો પછી ચૂકવો વાળી સિસ્ટમ હતી. બંને મુદ્દા ખરીદનારાઓને જોણે અજાણે દેવા તરફ ખેંચી જનારા હતા. ક્રેડીટ કાર્ડમાં ખરીદીની ચોક્કસ મર્યાદા હતી જ્યારે બાય નાઉ પે લેટર વાળી સિસ્ટમમાં કોઇ મર્યાદા નથી હોતી. ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતાં પણ આસાન ઉપયોગ બાય નાઉ પે લેટરમાં થતો હોય છે.
BNPLના નામે બાય નાઉ પે લેટરમાં પૈસા વાપરવાની કોઇ મર્યાદા નથી હોતી. તે ખરીદવા માટે કોઇ ખાસ ડોક્યુમેન્ટ આપવાના નથી હોતા. ઝીરો વ્યાજ લેવાય છે, ફોન નંબર અને આધાર કાર્ડની કોપી એડ્રેસ પ્રૂફ માટે આપવી પડે છે. લોકો બાય નાઉ અને પે લેટર વાળી સ્કીમ હેઠળ ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી ૫૦,૦૦૦ રૂપિયાની ખરીદી કરી રહ્યા છે.
ક્રેડીટ કાર્ડ અને બાય નાઉ પે લેટર વાળી સ્કીમમાં તેનો વપરાશ કરનાર નિયમિત પેમેન્ટ કરી શકે તો તે ઉત્તમ કહી શકાય પરંતુ લોકો ચૂકવણીનો સમય પાળી શકતા નથી એટલે છેલ્લે દેવાના ટ્રેપમાં ફસાઇ જાય છે. કોઇ પણ જામીન વગર ૫૦,૦૦૦ રૂપિયાની ચીજ કોણ આપે?
દિવાળી પછી હવે જ્યારે એક મહિનો પુરો થશે ત્યારે ક્રેડીટ કાર્ડ અને બાય નાઉ પે લેટર સ્કીમ હેઠળના હપ્તા શરૂ થશે.
ક્રેડીટ કાર્ડમાં તો મિનીમમ પેમેન્ટની જોગવાઇ હોય છે પરંતુ બાય નાઉ પે લેટર સ્કીમમાં મિનીમમ પેમેન્ટ જેવી કોઇ જોગવાઇ નથી હોતી. તેમાં ખરીદતી વખતે હપ્તા બાંધી શકાતા હોય છે.
પરંતુ જો તમે પેમેન્ટનો સમય ના સાચવી શકો તો બાકીની રકમ પર તગડું વ્યાજ લેવાય છે અને લાંબા ગાળે ખરીદી ભારે પડે છે.
બાય ટુડે પે લેટર જેવી સ્કીમોનો આઇડયા જરૂરીયાત મંદોને દેવામાં ધકેલીને તગડું વ્યાજ કમાવવાનો હોય છે. તાત્કાલીક ચૂકવણી નહીં કરવા પાછળનો મૂળ હેતુ ફાયનાન્સની સ્કીમ મુકનારા જાણતા હોય છે. ખરીદી કરનાર સમય સાચવી શકવાનો નથી તેની કંપનીઓને ખબર હોય છે. કઇ રીતે ખરીદનારને ખંખેરવો તેજ તેમનો આઇડયા હોય છે.
ખરીદનારને નાણા ચૂકવવા હપ્તાનું પ્રલોભન પણ અપાય છે. મધ્યમ વર્ગની વ્યકિત પોતાની પહોંચ બહાર ખરીદી કરવા માટે આજે ખરીદો પછી ચૂકવોનો માર્ગ પસંદ કરે છે. પછી ચૂકવીશું એમ માનનાર માટે મહિનો ક્યારે પુરો થાય તેની ખબર નથી રહેતી.
કેટલાંક લોકો એમ માને છે કે આજે ખરીદો પછી ચૂકવો વાળી સ્કીમ મફતમાં હોય છે પરંતુ હકીકતે તેમાં પ્રોસેસીંગ ચાર્જ વગેરે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે. જો સમયસર હપ્તો ના ભરાય કે મોડો ભરવામાં આવે તો તગડી પેનલ્ટી લેવાય છે.
આવી સ્કીમો મુકનારા લોભામણી જાહેરાતો કરીને મધ્યમ વર્ગને આકર્ષે છે. લોકોને પ્રથમ નજરે તે આસાન ખરીદી લાગે પરંતુ ખરીદનારની અનિયમિતતા તેને દેવામાં ધકેલી દે છે. કેટલીક સ્કીમો રોજીંદા દરે વ્યાજ પડાવી લે છે. ચક્રવૃધ્ધિ વ્યાજ પણ લે છે. ખરીદનારે ખરીદતી વખતે જે ફોર્મમાં સહી કરી હોય છે તેમાં પેનલ્ટી અને ચક્રવૃધ્ધિ વ્યાજ ચૂકવવા માટે સંમતિ આપી હોય છે.
બેંકમાંથી સીધોજ હપ્તો બાદ થઈ જાય તેવી ઓટો ડેબીટ સિસ્ટમમાં હપ્તો પાસ ના થાય તો બીજાજ દિવસથી પેનલ્ટી શરૂ થઇ જાય છે.
દર મહિને નાણા ચૂકવવાની ક્ષમતા ના હોય તો આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમોથી દુર રહેવું જોઇએ. આવી સ્કીમો મુકનારા લોકો વસૂલાત કરવાની સિસ્ટમ પણ જાણતા હોય છે.અનુભવીઓ કહે છે કે આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમ લોકોને લોલીપોપ બતાવીને લૂંટવાની સ્કીમ હોય છે.

