Get The App

ચૂંટેલા વિધાનસભ્યની જગ્યાએ રનર- અપને વિજેતા જાહેર કરાયા

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટેલા વિધાનસભ્યની જગ્યાએ રનર- અપને વિજેતા જાહેર કરાયા 1 - image

- ભારત રાજકીય ઇતિહાસની પહેલી ઘટના 

- પ્રસંગપટ

- હારેલા ઉમેદવારે કોર્ટમાં કહ્યું કે વીજેતાએ ચાર્જશીટ કરાયેલા ક્રિમિનલ કેસોનો ઉલ્લેખ ફોર્મમાં નથી કર્યો 

- મુકેશ મલ્હોત્રા અને રામનિવાસ રાવત

માત્ર મધ્યપ્રદેશ નહીં, પણ ભારતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે ચૂંટાયેલા ઉમેદવારને હારેલો જાહેર કરીને રનર-અપ ઉમેદવાર એટલે કે હરીફાઇમાં બીજા નંબરે આવનારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હોય. ભારતના રાજકારણમાં પક્ષપલ્ટુ નામનો વાઇરસ પ્રસરેલો છે. અહીં એક એવી આવનજાવનની વાત છે જે દર્શાવે છે કે રાજકારાણમાં નસીબનો બળિયો જીતે છે. દેશભરના રાજકરાણીઓમાં ચર્ચાતા આ કેસમાં ભાજપ અને કોંગ્રસના વિધાનસભ્યો વચ્ચેની સત્તાની ચડઉતર રસપ્રદ રીતે વણાયેલી છે. 

અહીં એક છે, ભાજપના ઉમેદવાર રામનિવાસ રાવત અને સામે છે, કોંગ્રેસના ભૂતપૂર્વ  વિધાનસભ્ય મુકેશ મલ્હોત્રા. ૨૦૨૪ના લોકસભાના ચૂંટણી જંગ પહેલાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય મુકેશ મલ્હોત્રા પક્ષ બદલીને ભાજપમાં આવી ગયા હતા. ભાજપે એમને પ્રધાન બનાવવાનું પ્રોમીસ આપ્યું હતું. તેના પગલે  તેમને મધ્યપ્રદેશના જંગલ ખાતાના પ્રધાન બનાવી દેવાયા હતા. ભાજપમાં આવતાંની સાથે જ એમને પ્રધાનપદું આપી દેવામાં આવ્યું એટલે તેના વિરોધમાં ભાજપના રામનિવાસ રાવત કોંગ્રસમાં જોડાઇ ગયા હતા. મલ્હોત્રાએ હોદ્દાપર ચાલુ રહેવા પેટા ચૂંટણી જીતવી જરૂરી હતી.

પેટા ચૂંટણીમાં મુકેશ મલ્હોત્રા (ભાજપ) અને રામનિવાસ રાવત (કોંગ્રેસ) આમનેસામને આવી ગયા હતા. ચૂંટણીમાં જંગલ ખાતાનો હવાલો સંભાળનાર મુકેશ મલ્હોત્રા જીત્યા હતા અને ભાજપ છોડી કોંગ્રસમાં ગયેલા રામનિવાસ રાવત હાર્યા હતા. આ પેટાચૂંટણી ૨૦૨૪માં યોજાઇ હતી. ભાજપ તરફથી ઉભેલા જંગલ ખાતાના પ્રધાન મુકેશ મલ્હોત્રાએ (કોંગ્રસના ભૂતપૂર્વ સભ્ય) કોંગ્રસ તરફથી ઉમેદવાર બનેલા રામનિવાસ રાવતને (ભૂતપૂર્વ ભાજપના સભ્ય) ૭૦૦૦ વોટથી હરાવ્યા હતા. મલ્હોત્રા આદિવાસી નેતા છે. જે બેઠક પર જંગ લડાયો તે વિજયપુર બેઠક આદિવાસી બેઠક નહોતી. 

જંગ જીતેલા મુકેશ મલ્હોત્રા હવે પોતાનો જંગલ ખાતાના પ્રધાનનો હોદ્દો માછો માગી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થવાનું હોઇ મલ્હોત્રાનો ફરી પ્રધાન બનવાનો તખ્તો તૈયાર થઇ ગયો હતો

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ૭૦૦૦ વોટથી હારેલા રામનિવાસ રાવતે ગ્વાલિયર કોર્ટમાં મલ્હોત્રાના વિજયને પડકાર્યો હતો. તેમણે કેસ કરીને દાવો કર્યો છે કે મને હરાવનાર ઉમેદવાર મલ્હોત્રાએ ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકમાં અધૂરી વિગતો આપી છે. કોર્ટમાં તેમણે કહ્યું હતું કે ફોર્મમાં મલ્હોત્રાના સામે થયેલી ચાર્જશીટ અને ક્રિમનલ કેસોનો ઉલ્લેખ નથી. જે ઉમેદવારે ચાર્જશીટ થયેલા ક્રિમિનલ કેસોની માહિતી ન આપી હોય તેેમની ઉમેદવારી રદ કરવી જોઇએ. 

મધ્યપ્રદેશ હાઇ કોર્ટની ગ્વાલિયર બેંચે ઉમેદવારી પત્રકની ચકાસણી કરીને ૮ માર્ચે ચુકાદો આપ્યો હતો કે જીતેલા મલ્હોત્રાએ માહિતી છૂપાવી છે માટે તેમનો  ચૂંટણી વિજય રદ કરવા અને નંબર ટુ તરીકે રહેલા રામ નિવાસ રાવતને ચૂંટાયેલા જાહેર કરવા.

જેમની તરફેણમાં ચૂકાદો છે તે રામવિલાસ રાવત પહેલાં ભાજપમાં હતા. રામવિલાસ ભાજપમાં પાછા ફરવા માગે છે અને જંગલ ખાતાનો હવાલો માંગે છે. 

ચૂંટણીના જંગમાં જીતેલા ઉમેદવારની જગ્યાએ કોઇ કારણોસર રનર-અપને વિજેતા ઘોષિત કરવામાં આવે તેવી ઘટના ભાગ્યે જ બની છે. ગુજરાતમાં એક કિસ્સો ૨૦૨૧માં અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકા આવો કિસ્સો બનેલો. અબીં તાલુકા પંચાયતની ચૂંટણી ૨૮ ફેબુ્રઆરીએ યોજાઇ હતી ત્યારે મતગણત્રી પહેલાં  એક મહિલા ઉમેદવારનું મૃત્યુ થયું હતું, જે ચૂંટણીમાં  વિજેતા જાહેર થયાં હતાં. તે વખતે રનર- અપ એેવા નંબર ટુએ હાઇકોર્ટમાં જઇને કેસ કર્યો હતો કે જ્યારે નંબર વન નથી તો રનર-અપને ચૂંટાયેલા જાહેર કરવા જોઇએ. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રનર-અપને ચૂંટાયેલા જાહેર ન કરી શકાય. આ બેઠક પર નવેસરથી ચૂંટણી કરવી જોઇએ.

મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટમાં જવા ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણીના કાયદા હેઠળ મલ્હોત્રાએ ખોટું કર્યું છે જેનો લાભ રનર-અપને મળ્યો છે. રામનિવાસ અને મલ્હોત્રા વચ્ચેનેા જંગ દેખીતી રીતે જ ચર્ચાનો વિષય બન્યો છે.