Get The App

ત્વિશા શર્મા કેસનું રહસ્ય ગૂચવાતું જાય છેઃ દહેજના રાક્ષસનું અટ્ટહાસ્ય

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
ત્વિશા શર્મા કેસનું રહસ્ય ગૂચવાતું જાય છેઃ દહેજના રાક્ષસનું અટ્ટહાસ્ય 1 - image

- 30 દિવસ પછી પણ તપાસ ઠેરની ઠેર 

- પ્રસંગપટ

- મહિલા પંચ મળવા ગયું ત્યારે  આરોપી ગિરિબાલા જેલમાં 'ધ પ્રેગનન્ટ કિંગ' નામનું પુસ્તક વાંચતાં હતાં

- ગિરિબાલા સિંહ - ત્વિશા શર્મા

દહેજના ખપ્પરમાં હોમાયેલી  ત્વિશા શર્માના મૃત્યુને ૩૦ દિવસ થયા હોવા છતાં તેના મૃત્યુનું ખરું કારણ જાણી શકાયું નથી. આખો કેસ વધુ ને વધુ રહસ્યમય બનતો જાય છે. તપાસ સીબીઆઈના હાથમાં છે. જેની સામે આરોપ છે તે સાસુ અને જમાઈ જેલમાં છે. સાસુ ગિરિબાલા સિંહ નિવૃત્ત જજ છે તેથી એને જેલમાં ફાઈવ સ્ટાર સવલતો અપાય છે તેવા આક્ષેપોનું જેલ સત્તાવાળાઓએ ખંડન કર્યું છે. ત્વિશાનાં માતા-પિતાનાં આંસુ હજુ સુકાતાં નથી. પિતાએ આત્મવિલોપન કરવાની ધમકી આપી છે. મામલો ગૂંચવાતો જાય છે.

દહેજના કેસમાં શંકાના વમણમાં સપડાયેલાં ગિરિબાલા સિંહ જેલમાં કેદી નંબર ૭૧ તરીકે ઓળખાય છે. ૭૧ વર્ષનાં ગિરિબાલા સિંહને મહિલાઓના મેડિકલ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. જે જજે વર્ષો સુધી ચુકાદા આપીને ગુનેગારોને જેલમાં મોકલ્યાં છે, તેને પોતાને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જજની સામે તેમની પુત્રવધૂ ત્વિશા શર્માના હત્યાના કેસમાં સંડોવણીનો આરોપ છે.

ગિરિબાલા અને એનો પુત્ર સમર્થ ભોપાલની જેલમાં છે. તેમના પુત્ર સમર્થને ચાર નંબરની બેરેકમાં રખાયો છે. તેનો કેદી નંબર ૧૭૮૨ છે. જેલના મેન્યુઅલ પ્રમાણે બંનેને રોજિંદી જરૂરિયાતની ચીજો જેવી કે પ્લેટ, બૉલ, બેડશીટ પૂરી પાડવામાં આવી છે. સમર્થને તેની માતાની ધરપકડના એક દિવસ અગાઉ પકડવામાં આવ્યો હતો.

૧૨ મેના રોજ ત્વિશાનો મૃતદેહ તેના ઘરમાં જ લટકતો મળી આવ્યા પછી તેના મોતનું કારણ વધુ રહસ્યમય બનતું જાય છે. તપાસ એજન્સીઓએ ત્વિશાના વજનનું પૂતળું બનાવીને તેને લટકાવીને જોયું હતું કે તે કેવી રીતે લટકી હશે.

શરૂઆતમાં સેશન કોર્ટે ગિરિબાલા સિંહના અગોતરા જામીન મંજૂર કર્યા હતા,  પરંતુ પછી કેસમાં ત્વિશાના કુટુંબીઓએ રજૂ કરેલા કેટલાક દાવાઓની તપાસ જરૂરી હોવાથી મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગિરિબાલા સિંહની આગોતરા જામીનની અરજી કેન્સલ કરતાં જ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈની ટીમ જ્યારે ગિરિબાલા સિંહના ઘરે તપાસ માટે પહોંચી ત્યારે તેની પાસે મકાનનો ડિજિટલ મેપ તૈયાર હતો. સીબીઆઈએ સ્થાનિક પોલીસને તાકીદ કરી હતી કે અમને જગ્યા ફાળવો, અમે લાંબી તપાસ કરવા માંગીએ છીએ.

હાઈકોર્ટના ન્યાયમૂત દેવનારાયણ મિશ્રાએ તેમના ૧૭ પેજના ઓર્ડરમાં લખ્યું હતું કે જે રીતે ત્વિશાના કુટુંબે સાબિતી સાથેના આરોપો લગાવ્યા છે તે જોતાં ગિરિબાલા સિંહને અગોતરા જામીન આપી શકાય નહીં. જોકે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે કેસની ગંભીરતા જોયા વગર અગોતરા જામીન મંજૂર કર્યા છે.

ત્વિશાના કુટુંબના વકીલે કહ્યું હતું કે ત્વિશા પાસે સતત દહેજની માંગ કરાતી હતી. ગિરિબાલા સિંહે તો પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ત્વિશા પર ડ્રગ્સની વ્યસની હોવા જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. બીજી તરફ, ત્વિશાના શરીર પરના ઈજાનાં કારણોનો જવાબ ગિરિબાલા આપી શક્યાં નહોતાં. ત્વિશા પ્રેગનન્ટ હતી ત્યારે આ બાળક કોનું છે એમ પણ ગિરિબાલા અને સમર્થ સતત પૂછતા હતા.

ત્વિશા ગ્લેમરની દુનિયા સાથે સંકળાયેલી હોવાથી બહુ મહત્ત્વાકાંક્ષી હતી. ત્વિશાનું કુટુંબ કહે છે કે દહેજના રાક્ષસે એમની દીકરીને ભરખી લીધી છે. દહેજના કારણે મારી દીકરીને પરેશાન કરાતી હતી અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. ત્વિશાનું કુટુંબ કહે છે કે ગિરિબાલા ભલે નિવૃત્ત જજ હતાં, પરંતુ તેઓ પણ દહેજ પડાવી લેવા માંગતાં હતાં.

ત્વિશાના મોત સાથે અનેક શંકાઓ બહાર આવી હતી. શરૂઆતમાં કહેવાયું કે ગળે ફાંસો ખાવાનાં નિશાન છે. ત્વિશાના કુટુંબે વાંધો ઉઠાવ્યો કે જમાઈ સમર્થ બહુ વગદાર છે અને ગિરિબાલા કાયદાના સર્કલમાં વગદાર છે, માટે તેઓ મૃત્યુ પાછળના કારણો સાથે ચેડાં કરી છુપાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરીને કેસની ઊંડી તપાસ થઈ શકે તે માટે કેસ સીબીઆઈને સોંપ્યોસ ને દહેજનો રાક્ષસ કેવી રીતે ત્વિશાને ગળી ગયો તે રહસ્યના પોપડા એક પછી એક ઉખડવા લાગ્યા. ૩૩ વર્ષની દીકરીનો જાન ગયો છે. ગિરિબાલા અને તેમનો પુત્ર સમર્થ તપાસમાં મોં ખોલવા તૈયાર નથી. ત્વિશાનું કુટુંબ તપાસને વધુ કડક બનાવવાની માગણી કરે છે. મહિલા પંચ જ્યારે નિવૃત્ત જજ ગિરિબાલાને મળવા જેલમાં ગયું ત્યારે તેઓ 'ધ પ્રેગ્નન્ટ કિંગ' નામનું પુસ્તક વાંચતાં જોવા મળ્યાં હતાં.