ફ્લાઇંગ કોફિનની પંગત: મિગ-21, લેબ્રાડોર, ડોનેલ ડગ્લાસ અને જેગુઆર
- અનેક જવાનો અને નાગરિકોના ભોગ લેવાયા છે
- પ્રસંગપટ
- મિગ-21 ભારતનું પહેલું સુપર સોનિક ફાઇટર જેટ હતું: એરફોર્સનાં વિમાનો તૂટી પડવાની કુલ 400 ઘટનાઓ
એક સમયે મિગ-૨૧ વિમાનને ફ્લાઇંગ કોફિનની ઉપમા આપવામાં આવી હતી, કેમ કે આ ફાઇટર જેટે એરફોર્સના કેટલાય પાઇલોટોનો ભોગ લીધો હતો. એરફોર્સનું અન્ય એક વિમાન ૨૪ લેબ્રાડોર બોમ્બર પણ ફ્લાઇંગ કોફિનની યાદીમાં આવતું હતું. અનેક પાઇલોટો અને દેશના નાગરિકોનો જીવ આ વિમાનને કારણે ગયા છે. ખાસ કરીને આ વિમાન ઉડાડવાની પરફેક્ટ તાલીમ તેમજ મેન્ટેનન્સના અભાવને કારણે આ ફાઇટર પ્લેન્સ કેટલીય વાર હવામાં જ અગનગોળો બનીને ક્રેશ થઇ જતાં હતાં.
આ સુચિમાં ઔર એક વિમાન ઉમેરાયું હતું - મેકડોનેલ ડગ્લાસ ડીસી-૧૦. તેના પર પણ ફ્લાઇંગ કોફીન વિશેષણનો થપ્પા લાગ્યો હતો. મેન્ટેનન્સની ખામીના કારણે આ વિમાનો પણ વારંવાર અકસ્માતનો ભોગ બનતા હતાં.
ફ્લાઇંગ કોફિનની આ યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. તે છે જેગુઆર. આમ, આ જીવલેણ યાદીમાં ચાર પ્રકારનાં વિમાનો સામેલ થઈ ચૂક્યાં છે. સદભાગ્યે તેમાંથી મિગ-૨૧, લેબ્રાડોર બોમ્બર તેમજ મેકડોનેલ ડગ્લાસ ડીસી-૧૦ હવે ઉપયોગમાં લેવાતાં નથી, પણ જેગુઆર હજુય કોફિન બનીને ઉડી રહ્યું છે.
લેબ્રાડોર બોમ્બરમાં ખામી એ હતી કે તેમાં એન્ટ્રી-એક્ઝિટ માટે એક જ પોઇન્ટ હતો - વિમાનના પાછળના હિસ્સામાં. તેથી કટોકટીની ક્ષણોમાં પાઇલોટ તાત્કાલિક ઇમર્જન્સી ગેટનો ઉપયોગ કરી શકતા નહોતા. મિગ-૨૧ની હાઇડ્રોલિક સિસ્ટમ પણ નબળી પડી ગઇ હતી.
જેગુઆરની વાત કરીએ તો છેેલ્લા એક વર્ષ દરમિયાન જેગુઆરના ત્રણ અકસ્માતો નોંધાયા છે. ત્રીજો અકસ્માત તાજેતરમાં રાજસ્થાન ખાતે થયો.
ઇન્ડિયન એર ફોર્સનું જેગુઆર ગયા અઠવાડિયે રાજસ્થાનમાં તૂટી પડયું તે તેનો આ વર્ષમાં નડેલો ત્રીજો અકસ્માત હતો. અગાઉ તે આ માર્ચમાં હરિયાણા અને એપ્રિલમાં જામનગર ખાતે તૂટી પડયું હતું.
જગુઆર વિમાનો જ્યારથી ઇન્ડિયન એરફોર્સ સર્વિસમાં જોડાયાં છે ત્યારથી, એેટલે કે છેલ્લાં ૪૦ વર્ષમાં, ૫૦ વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યાં છે. જેગુઆરનું રોલ્સ રોયસ એન્જિન ટીકાનો ભોગ બની રહ્યું છે. તેને અપડેટ કરવાનો ખર્ચ એટલો ઊંચો આવે છે કે પછી તેને ભંગારમાં કાઢવાનો વિકલ્પ જ બચે છે.
જેગુઆરને ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરાયું ત્યારે, એટલે કે ૧૯૬૦ના દાયકામાં, તે ટ્વિન એન્જિન એરક્રાફ્ટ તરીકે ઓળખાતું હતું. તે સુપર સોનિક ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ હોવાથી તેનું નામ ગૌરવભેર લેવાતું હતું.
ભારતે છેલ્લા ૪૦ વર્ષમાં ૧૪૫ જેગુઆર ખરીદ્યાં છે. જેગુઆરનો પહેલો ૪૦ વિમાનોનો જથ્થો યુકેથી ઉડીને આવ્યો ત્યારે તેને 'શમશેરા' નામ અપાયું હતું. ત્યાર બાદ બાકીના વિમાનો ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કરાર હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ ખાતે તૈયાર કરવામાં આવ્યાં હતાં. હવે તેની ટેકનોલોજી આઉડડેટેડ થઇ ગઇ છે.
બ્રિટન, ફ્રાન્સ, ઇક્વાડોર, ઓમાન, નાઇજીરીયા જેવા દેશોએ જેગુઆર વાપરવાનું બંધ કરી દીઘું છે અને આ વિમાનોને ભંગારમાં નાખી દીધાં છે. વિશ્વમાં હાલ ભારત જ એક એવો દેશ છે કે જે હજુ જેગુઆર વાપરે છે. આવા બિનકાર્યક્ષમ, જુનવાણી વિમાનોને કારણે ટ્રેઇની પાઇલોટોનો જીવ જાય છે.
છેલ્લા છ દાયકામાં એરફોર્સનાં વિમાનો તૂટી પડવાની ૪૦૦ જેટલી ઘટનાઓ નોંધાઇ છે. મિગ-૨૧ ભારતનું પહેલું સુપરસોનિક ફાઇટર જેટ હતું. ૧૯૬૩થી અત્યાર સુધીમાં ભારતે ૧૨૦૦ જેટલાં મિગ એરફોર્સમાં જોડયાં છે. જોકે હવે રાફેલ જેવા ફાઇટરની સામે મિગની ટેકનોલોજી બહુ જુનવાણી બની ગઈ છે.
જેગુઆર વિમાનો ક્રેશ થાય અને જવાનોએ જીવ ખોવો પડે તે મોટી ચિંતાનો વિષય છે. ફ્લાઇંગ કોફિનનો શિકાર બનતા એરફોર્સના પાઇલોટોના કુટુંબીઓની માનસિક હાલત સમજવી અઘરી નથી.
ભારતમાં યુદ્ધની સ્થિતિ વર્ષોના અંતરાલ બાદ પેદા થતી હોય છે. સામાન્ય સંજોગોમાં હેન્ગરમાં પડી રહેતાં લડાકુ વિમાનનોને અપગ્રેડ કરવાનો સમય પાકી ગયો છે. એરક્રાફ્ટના નિષ્ણાતો કહે છેકે વિમાનોનું ભલે યોગ્ય મેન્ટેનન્સ થતું હોય, પણ તેની કાર્યક્ષમતા થોડાં વર્ષો પછી નબળી પડી જ જાય છે.