Get The App

10 દાયકામાં સોનું 2,222 ગણું રૂ.29થી 51,000 સુધીની સફર

- ઓઇલ લપસી પડયું છે અને સોનું ઝગમગી ઉઠયું છે..

- પ્રસંગપટ .

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News

- 2020ના વર્ષમાં સોનાના વધતા ભાવથી હિલીંગ ટચઃ શેરબજારે પણ સોનામાં સુગંધ સમાન સ્થિતિ ઉભી કરી છે

10 દાયકામાં સોનું 2,222 ગણું રૂ.29થી 51,000 સુધીની સફર 1 - image

એક સમય હતો કે જ્યારે સટ્ટો ઓઇલ પર રમાતો હતો ત્યારે સોનાના ભાવો સાયલન્ટ રહેતા હતા. ઓઇલના સટ્ટામાં ઘણાં લોકો પાયમાલ પણ થયા હતા ત્યારે લાંબા ગાળાનું રોકાણ કરનારાઓ સોનું પસંદ કરતા હતા. સોનું અને ઓઇલ બંને રોકાણકારો માટે જણસ સમાન સાબિત થયા છે.

આ બંનેના ભાવોની ચડ ઉતર હંમેશા ચર્ચામાં રહી છે. અનેક વાર ઓઇલના ભાવો સોનાના ભાવો કરતાં વધુ રહ્યા છે . ઓઇલની વૈશ્વિક માંગ અને વૈશ્વિક ઉત્પાદન સાથે ઓઇલના ભાવોમાં ચડ ઉતર જોવા મળતી હતી. જો કે વર્તમાન સમયમાં ઓઇલ લપસી પડયું  છે અને સોનું ઝગમગી ઉઠયું છે.

એક નોંધપાત્ર વાત એ પણ છે કે સોનાના ભાવોની હારોહાર ચાંદીના ભાવો પણ રહ્યા હતા. સતત બે મહિના સુધી સોના કરતાં ચાંદીના ભાવો વધુ રહ્યા હતા. જેને આ કોલમમાં સન્ડે ઇઝ લોંગર ધેન મન્ડે તરીકે નવાજવામાં આવ્યા હતા.આજે ઓઇલના ભાવો તળીએ બેઠા છે પણ સોનું ઉછાળા મારી રહ્યું છે. લાંબા ગાળાના રોકાણ માટે સોનું મજબુત પુરવાર થયું છે જ્યારે કોઇ ઓઇલનો સટ્ટો રમવા તૈયાર નથી. રોકાણકારોએ ઓઇલને પોતાના પોર્ટફોલિયોમાંથી બહાર કાઢી નાખ્યું છે એમ કહી શકાય.સોનાની વાત કરીએ તો ૧૯૩૦માં સોનાનો ભાવ તોલાના ૨૯ રૂપિયા હતા આજે ૨૦૨૦માં એટલેકે ૧૦ દાયકા પછી સોનાનો ભાવ ૫૦,૦૦૦ને વટાવી ગયો છે.

આમ દશ દાયકામાં સોનું અંદાજે ૨,૨૨૨ ગણું વધ્યું છે.  રોકાણ કારો અને ફેમિલીમાં સોનું હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. જો કે આજકાલ ઓઇલના ભાવો તળીયે નહીં પણ માઇનસમાં બોલાય છે જ્યારે સોનાના ભાવો ઉછળી રહ્યા છે. લોકડાઉનના કારણે ઓઇલની ડિમાન્ડ ઘટી છે જ્યારે સોનામાં વૈશ્વિક માંગ વધતાં ભાવો વધ્યા છે. સોનાનો ભાવ મધ્યમ વર્ગમાં સંવેદના ઉભો કરી રહ્ય્યો છે. એક તોલાના ભાવ ૫૧,૦૦૦ પર પહોંચ્યા છે અને તેની આગેકૂચ હજુ ચાલુ છે. રોજેરોજ સોનું નવી ઐતિહાસિક સપાટી બનાવે છે અને મધ્યમવર્ગને મૂંઝવી નાખે છે. મધ્યમ વર્ગ એટલા માટે મૂંઝાયેલો છે કે તેને ત્યાં આવતા પ્રસંગો વધુ ખર્ચાળ બનવાના છે. 

કોમન મેનના મતે સોનાના ભાવો જોઇને  તેને વેચવાનું મન વધારે થાય છે. આવા ઉંચા ભાવે સોનું ખરીદવાનો કોઇને પણ વિચાર આવે તે સ્વભાવિક છે. જેમની પાસે સરપ્લસ પૈસો છે તે સોનામાં રોકાણ કરીને પૈસા કમાઇ શકે છે.આમ પણ, લોકો પાસે થોડી બચત હોય તો પોતાના ઘર માટે સોનું કે સોનાના ઘરેણાં ખરીદતા હતા. 

હોંશિયાર ગૃહિણીઓ કટકે કટકે સોનું ખરીદતી હતી જેથી ઘરના સંતાનોના લગ્ન પ્રસંગે નવેસરથી સોનું ખરીદવું ના પડે. સોનાનો સંગ્રહ કરવાનો લોકોને શોખ પણ છે. ક્યાંતો તે ફેમિલીમાં આવનારા પ્રસંગ માટે ખરીદાય છે કે રોકાણ માટે ખરીદવામાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનની કેટલીક કોમ્યુનિટી લગ્નોમાં દિકરીને ૬૦-૭૦ તોલા આપવાની પ્રથા ધરાવે છે. એવા લોકો માટે વર્તમાન ૫૦,૦૦૦ રૂપિયે સોનું મોટા ખર્ચામાં ધકેલી શકે છે. આ પ્રથા હવે ભલે બહુ ચલણમાં નથી પરંતુ સામાન્ય ઘરોમાં પણ લગ્ન પ્રસંગે દિકરીને  ૧૫-૨૦ તોલા સોનું આપવાનો વ્યવહાર ચાલે છે.  સોનાના વધતા ભાવોથી અનેક લાભ થઇ શકે એમ છે. વર્તમાન લોકડાઉન તેમજ મંદીમાં ફાયનાન્સ કંપનીઓ પાસેથી વધુ વ્યાજ ચૂકવીનેે બિઝનેસ આગળ વધારવાના બદલે ઘરમાં રહેલું સોનું વેચીને મજબુત મૂડી ઉભી કરી શકાય છે. 

સોનું સંકટ સમયની સાંકળ હોવાની સાથે સાથે સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે પણ મદદમાં આવ્યું છે. અનેક કુટુંબોએ પોતાના સંતાનોને વિદેશ મોકલવા કે ઉચ્ચ્ શિક્ષણ આપવા માટે સોનું વેચ્યું છે. હવે જ્યારે સોનું ૫૦,૦૦૦ને વટાવી ગયું છે ત્યારે લોકો પાસે તે એક વધારાના મૂડી તરીકે ઉપયોગી બનશે.

સોનાના વધતા ભાવોના કારણે સોનાની ચેન ચોરતી ગેંગ પણ વધુ સક્રીય બની શકે છે. એટલે સોનાનો દોરો પહેરનારી મહિલાઆએેે ચેતતા રહેવું પડશે.

વૈશ્વિક સ્તરે સોનાની ડિમાન્ડ છે માટે સોનાના ભાવ વધી રહ્યા છે. સોનાના ભાવ ૫૦,૦૦૦ને વટાવશે તે તો કોઇએ કલપ્યું પણ નહોતું.

૨૦૨૦ના વર્ષમાં પ્રજાએ કોરોના રૂપી ફટકો તેમજ યુધ્ધના સંભવિત ડર હેઠળની મુસિબતો જોઇ છે. આવી સ્થિતિમાં સોનાના વધતા ભાવ હિલીંગ ટચ આપી રહ્યા છે. શેરબજાર પણ વધી રહ્યું છે જેણે સોનામાં સુગંધ સમાન સ્થિતિ ઉભી કરી છે.

Tags :