Get The App

સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ 50 હજારઃ ભંડોળ વધારવાની ચાલ

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
સેવિંગ્સ ખાતામાં મિનિમમ બેલેન્સ 50 હજારઃ ભંડોળ વધારવાની ચાલ 1 - image

- ગ્રાહકોને સવલતો આપવાના બદલે ખંખેરવાની વાત

- પ્રસંગપટ

- ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો ગ્રાહકને મિનિમમ ડયુ ભરવાનું કહીને અંદરખાને તો એને ખંખેરી લેવાની જાળ જ રચતી હોય છે

મિનિમમ બેલેન્સ મેન્ટેઇન ન થયું એટલે પેનલ્ટી રુપે અનેક બેન્ક ખાતાધારકોના પૈસા ખાતામાંથી આપોઆપ કપાઈ ગયા હોય તેવું બનતું રહે છે. મિનિમમ બેલેન્સ (ખાતામાં જમા રહેતું ઓછામાં ઓછું નાણું) કેટલું હોવું જોઇએ તેની અનેક ગ્રાહકોને ખબર હોતી નથી. મિનિમમ બેલેન્સ ન જળવાય એટલે પેનલ્ટીના પૈસા કપાતાં-કપાતાં કેટલાયનાં ખાતાં ઝીરો બેલેન્સ પર પહોંચી જાય છે. 

  ભારતની બેંકોમાં વ્યકિતગત તેમજ અન્ય પ્રકારનાં કુલ ૨.૫ અબજ ખાતાં છે. ગયા મહિને જ કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંકે સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ  મેન્ટેઇન  ન થવાથી લેવાતી પેનલ્ટી માફ કરી દીધી. આ બન્નેે બેંકોમાં હવે મિનિમમ બેલેન્સ માટે કોઇ આગ્રહ નહીં રખાય.

જોકે ગઇકાલે દેશની નામાંકિંત  આઇસીઆઇસીઆઈ બેન્કે સેવિંગ્સ એકાઉન્ટમાં ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને સીધા ૫૦,૦૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનો નિર્ણય કર્યો છે. જે દેશમાં ૨૩ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય ત્યાં  આ પ્રકારનો  નિર્ણય મશ્કરી સમાન છે. તેથી જ બેંકના આ નિર્ણયની જોરદાર ટીકા થઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારની બ્રાન્ચોના સેેવિંગ્સ ખાતેદારોએ ૨૫,૦૦૦ રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું રહેશે. મુદ્દે, આ બેંકનું ખુદનું ભંડોળ વધારવાના ફાંફા છે

 મધ્યમવર્ગીય પરિવારો હોમલોન, વાહન લોન વગેરે નિયમિતપણે ભરતા હોય છે. આ સિવાય પણ દર મહિને જાતજાતનાં બિલ પેમેન્ટ કરવાના હોય છે. આવી સ્થિતિમાં ૫૦,૦૦૦ રૂપિયા જેવી રકમ મિનિમમ અમાઉન્ટના નામે ખાતામાં વણવપરાયેલી પડી રહે તે લોકોને કેવી રીતે પોસાય? જે લોકોનો પગાર જ વીસ હજાર કે પચ્ચીસ હજાર હોય એ ૫૦,૦૦૦ રૂપિયાની મિનિમમ બેલેન્સ કેવી રીતે મેન્ટેઇન કરી શકે? 

 મિનિમમ ડયુનું ડિંડવાણું તો જગજાહેર છે. ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો કાર્ડધારકોને સવલત આપે છે કે તમે માસિક બિલિંગ સાઇકલના અંતે ક્રેડિટ કાર્ડનું પૂરેપુરું બિલ નહીં ભરો તો ચાલશે, ફક્ત અમુક મિનિમમ રકમ ભરી દો. આ રીતે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ચાલુ રાખી શકો છો. જો કાર્ડધારક ફુલ પેમેન્ટ કરવાને બદલે દર મહિને આ મિનિમમ ડયુ ભરી દેવાના ચક્કરમાં ફસાઈ ગયો તો એ વહેલા-મોડો દેવાળીયા બની ગયો સમજો. કેટલાય કાર્ડધારકોને ખબર હોતી નથી કે બિલની જે રકમ તમે ભરવાની બાકી રાખી દો છો તેના પર બેંક તોતિંગ વ્યાજ લેવાની છે.  મધ્યમવર્ગીય માણસનો હાથ કાયમ તંગ રહેતો હોય છે. એ ક્રેડિટ કાર્ડના જોરે ધડાધડ ખરીદી તો કરી નાખે છે, પણ બિલ આવે ત્યારે એના હાંજા ગગડી જાય છે. આવી સ્થિતિમાં એને પેલો મિનિમમ ડયુવાળો વિકલ્પ બહુ આકર્ષક લાગે છે.   મસમોટું બિલ ભરવાને બદલે એ તત્પૂરતી નાનકડી રકમ ભરી દે છે, પણ પછીના મહિને સ્થિતિ વધારે વિકરાળ બનીને ઊભી રહે છે.  

 આ કાર્ડધારકને પછી પર્સનલ લોનની ઓફર કરવામાં આવે છે, જેમાંથી પેલી લેણી નીકળતી રકમ કાપી લેવામાં આવે છે. ત્યાર બાદ લોનનો હપ્તો શરુ થઈ જાય છે. બાપડા કાર્ડધારકને ખબર નથી હોતી કે તે જાળમાં ફસાઈ રહ્યો છે. બેન્કોને કમાણી જ આ મિનિમમ ડયુને કારણે થાય છે. જો તમામ કાર્ડધારકો શિસ્તપૂર્વક દર વખતે પૂરેપૂરું બિલ ભરી દે તો બેંકને અકળામણ થઈ જાય. તેથી જ ગ્રાહકોને ફોન કરી કરીને મિનિમમ રકમ ભરવાની સલાહ અપાતી રહે છે. 

બેંકખાતાધારકોનાં હિતોનું રક્ષણ કરતાં સંગઠનોએ નાણાપ્રધાનને વિનંતી કરી છે કે આઇસીઆઇસીઆઇ બેંકે   સેવિંગ્સ એકાઉન્ટ માટેનું મિનિમમ બેલેન્સ પાંચ ગણું કરી નાખ્યું છે તે મામલે દરમ્યાનગીરી કરે.

જો આજે આઈસીઆઈસીઆઈ બેન્કને રોકવામાં નહીં આવે તો કાલે પ્રાઇવેટ સેક્ટરની અન્ય બેંકો પણ આ પગલે ચાલશે.