- તોફાની પ્રવાસીને કાબુમાં રાખવાની તાલીમ જરૂરી
- પ્રસંગપટ
- રેલવે કે એસટી બસમાં જો કોઈ આવી ગુસ્તાખી કરે તો સહપ્રવાસીઓ એને મેથીપાક ચખાડે
ટાટા ગુ્રપ એર ઇન્ડિયાનો વહીવટ આવશે પછી તેની સર્વિસ વધુ સારી અને જવાબદેહી બનશે તે વાત ઠગારી નીવડી છે. આમ પણ, લગભગ તમામ ભારતીય એરલાઇન્સ સર્વિસના નામે પાંગળી પુરવાર થઇ રહી છે. પ્રવાસીઓ અંદરોઅંદર મારામારી કરે, ઘોંઘાટ કરે કે એટિકેટ ન જાળવે એવા કિસ્સા સાવ સામાન્ય થઈ ગયા છે. એકલદોકલ મહિલાઓની છેડતીની ઘટનાઓ પણ ચાલુ વિમાને બનેલી છે. એર ઇન્ડિયા સામે પ્રવાસીઓની અનેક ફરિયાદો છે. સામાન્યપણે વિમાનના પ્રવાસીઓ શાંતિપ્રિય અને શિસ્તના આગ્રહી હોય છે, પરંતુ કેટલાક નિર્લજ્જ દારૂડીયા પ્રવાસીઓ સ્થળકાળ ભૂલીને ગેરવર્તન કરતા હોય છે.
તાજેતરમાં દિલ્હીથી બેંગકોક જતી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં એક પેસેન્જરે સહપ્રવાસી પર પેશાબ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જે ઘૃણાસ્પદ પણ છે અને ચિંતાજનક પણ છે. એર ઇન્ડિયામાં આવી ઘટના બીજીવાર બની છે. તેથી આ લેટેસ્ટ બનાવને સોશિયલ મીડિયા પર ‘Pee-gate ૨.૦' તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીથી બેંગકોક જતી ફ્લાઇટમાં એક પ્રવાસીએ જાપાની નાગરિક પર પેશાબ કરતાં હોબાળો મચ્યો છે. જાપાનના પ્રવાસી બ્રિજસ્ટોન ઇન્ડિયાના સિનિયર અધિકારી છે. અગાઉ આવી ઘટના ૨૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ બની હતી, જેમાં ફ્લાઇટ ન્યૂયોર્કથી દિલ્હી જતી હતી. શંકર મિત્રા નામની વ્યક્તિએ ૭૨ વર્ષના એક મહિલા સહપ્રવાસી પર પેશાબ કર્યો હતો. આ મહિલાએ તેની ફરિયાદમાં લખ્યું હતું તે પ્રમાણે એમનાં કપડાં, હેન્ડ બેગ, શૂઝ વગેરે પેશાબથી લથબથ થઇ ગયું હતું.
લેટેસ્ટ ઘટનામાં, ટુ-ડી સીટ પર બેઠેલો તુષાર મસંદ નામનો ચોવીસ વર્ષનો ઉદ્ધત જુવાનિયો વ્હિસ્કીના બે પેગ ગટગટાવી ગયો હતો અને પછી ઊભા થઈને એણે બાજુની સીટ પર બેઠેલા જપાની સજ્જન પર મૂત્રત્યાગ કર્યો હતો. એર ઇન્ડિયાએ ૩૦ દિવસ માટે તુષાર મસંદ પર પ્રતિબંધ લગાવ્યો છે. આવું દુષ્કૃત્ય કરનારને એક જ મહિના માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્માં પ્રતિબંધિત કરવો એ બહુ નાની સજા છે.
વિમાનના પ્રવાસીઓ કરતાં ટ્રેનના પ્રવાસીઓમાં સહકારવૃત્તિ વધારે સતેજ હોય છે. રેલ્વે કે એસ.ટી બસમાં કોઈ પ્રવાસીએ સહયાત્રી પર પેશાબ કર્યો હોય તેવી ઘટના ધ્યાનમાં આવી નથી. જો ટ્રેન કે એસટી બસમાં આવી ઘટના બને તો અન્ય પ્રવાસીઓ એને બરાબર મેથીપાક ચખાડે, પરંતુ વિમાનમાં પ્રવાસીઓ તમાશો જોતાં બેસી રહે છે. પછી ફરિયાદ નોંધાય અને સાક્ષી તરીકે બોલાવાય છે ત્યારે પણ તેઓ નરો વા કુંજરો વા કરે છે.
હજારો રૂપિયાની ટિકિટ ખર્ચીને આવેલા વિમાનના પ્રવાસીઓ આવું મવાલી જેવું વિકૃત વર્તન કરે ત્યારે જબરું આશ્ચર્ય થાય છે. રેલ્વેના જનરલ ક્લાસના પ્રવાસીઓ પણ આવો બદતમીઝ વર્તાવ કરતા નથી.
આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એરલાઇન્સનો સ્ટાફ ત્વરિત પગલાં લેવાના બદલે ઘાંઘા થઈ જાય છે. તોફાની પ્રવાસીઓને કાબુમાં રાખવાની ટ્રેનિંગ તેમને અપાઇ હોતી નથી તે દેખાઇ આવે છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચનાં ભૂતપૂર્વ ડિરેક્ટર સૌમ્યા સ્વામીનાથને સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયાના પ્રવાસમાં તેમની સાથે બનેલી ગેરવર્તાવનું વર્ણન કર્યું છે. તેઓ નૈરોબીથી દિલ્હી આવી રહ્યાં હતાં. ૬૫ વર્ષનાં આ મહિલાએ પોતાની સીટ વિશે ફરિયાદ કરી હતી, પરંતુ એર ઇન્ડિયાના સ્ટાફે સાવ વાહિયાત જવાબ આપ્યો હતો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે આ હું પહેલીવાર પ્લેનમાં બેઠી નથી, હું મહારાજા ક્લબની સભ્ય છું. ન તો તેમની બેઠક બદલી આપવામાં આવી, ન અપગ્રેડ કરવામાં આવી કે ન તો તેમની તકલીફ જાણવાની તસદી લેવામાં આવી. સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ જોઇને એર ઇન્ડિયાએ દિલગીરી વ્યક્ત કરી હતી.
દિલગીરી વ્યક્ત કરવામાં આવી મોટી કંપનીઓ બહુ ઉસ્તાદ હોય છે, પણ ફરી વાર એની એ જ ભૂલ રિપીટ કરવામાં એમને કોઈ સંકોચ થતો નથી. સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયાના વહિવટ અંગે અનેક ટીકાઓ વાંચવા મળે છે. વિમાનમાં સ્વચ્છતાનાં ધારાધોરણ પણ જળવાતાં નથી. કાર્યક્ષમ સ્ટાફ, તેમની ઉત્તમ ટ્રેનિંગ અને કડક શિસ્તભાવના - પ્રવાસીઓના સુખદ અનુભવ માટે આ જરુરી બાબતો છે.


