- નેપાળ સ્ટાઇલનાં તોફાનો હવે ફ્રાન્સને પણ હચમચાવે છે
- પ્રસંગપટ
- નેપાળના ભષ્ટ સત્તાધારીઓના સંતાનોની અતિ વૈભવી લાઇફસ્ટાઇલ જોઈને જનતા અકળાઈ હતી
શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ સ્ટાઇલનાં તોફાનો હવે ફ્રાન્સને પણ હચમચાવી રહ્યા છે. તોફાનો અચાનક ફાટી નીકળે છે અને આખી રાજકીય સત્તાને ઉથલાવી નાખે છે. આ દેશોમાં તોફાનોનાં કારણો ભલે અલગ હોય, પરંતુ તેને પીઠબળ પુરૃં પાડનારા અજ્ઞાાત તત્ત્વોનો શોધી શકાતાં નથી. માત્ર અટકળો લગાવી શકાય છે. તાજેતરની નેપાળની હિંસક રાજકીય ઉથલપાથલ પાછળ કોનો હાથ હોઇ શકે ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક કહે છે કે સત્તાધીશ વડાપ્રધાન ઓલી ચીન તરફી છે, તો કોઇ કહે કે તોફાનો પાછળ અમેરિકાનો હાથ છે. કેટલાક કહે છે કે અમેરિકાએ નેપાળમાં જંગી રોકાણ કર્યું એટલે ચીન છંછેડાયું હતું. કેટલાક કહે છે કે નેપાળમાં રાજાશાહીના સમર્થકોને ભારતે પડદા પાછળ ટેકો આપીને તોફાનો કરાવ્યા છે.
બાંગ્લાદેશનાં તોફાનો પાછળ ચીન અને અમેરિકા એમ બંનેનાં નામો ઉછળ્યાં છે. નેપાળનાં તોફાનો પાછળ ત્યાંનો ઉશ્કેરાયેલો યુવા વર્ગ હતો. નેપાળના સત્તાધારીઓએ જેવો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો કે તરત જ યુવાનોમાં ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટયો હતો. જો નેપાળની સરકારે નિયમો પાડવામાં ઠાગઠૈયા કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જરા કુનેહપૂર્વક સંભાળી લીધા હોત તો હિંસક તોફાનો આટલી હદે ન થાત.
સોશિયલ નેટવર્ક પરના પ્રતિબંધ મુકવામાં નેપાળે કાચું કાપ્યું હતું. ચીનની નામાંકિત એપ ટિકટોક ચાલુ હતી, પરંતુ તોફાને ચઢેલા યુવાનો એમ માનતા હતા કે ટિકટોક ચીનની માલિકીનું હોવાથી તે ચાલુ રાખ્યું છે.
ચીનનું નામ સાંભળીને નેપાળના યુવાનો ઉશ્કેરાયા છે એવું પણ નથી, કેમ કે નેપાળમાં અરાજકતા બહુ મોટા પાયે ચાલતી હતી. એકાદ સ્ફોટક દિવાસળીની જ જરૂર હતી, જે સોશિયલ નેટવર્ક પરના પ્રતિબંધે પુરી પાડી હતી. સોશિયલ મીડિયા પરના પ્રતિબંધે નેપાળ સળગાવવામાં ઉદ્દીપકનું કામ કર્યું હતું એમ કહી શકાય. નેપાળના વડાપ્રધાનના વહિવટથી આખો દેશ નારાજ હતો એમ તોફાનો પરથી લાગી રહ્યું છે. નેપાળની જનતા પાસે વિરોધ દર્શાવવા એક માત્ર માધ્યમ સોશિયલ મીડિયા હતું. તેના પર લોકો પેટભરીને સરકારને ગાળો લખતા હતા. નેપાળના વડાપ્રધાન દૂધ અને દહીંમાં પગ રાખવા ગયા તેમાં ફસાયા હતા.
કોઇ ભૂતપૂર્વ રાજકીય નેતાને સળગાવી દેવા જેવી ઘટના દુખદ છે, પરંતુ ગુસ્સાની આગમાં સૂકા ભેગું લીલું પણ બળી જતું હોય છે. બુધવારે લશ્કરે કડક હાથે તોફાનીઓને શાંત કરી દેવામાં આવ્યા હતા.
લૂંટફાટ કરતા હજારો લોકોને પકડવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીનીને સત્તા પરથી ભગાડાયાં ત્યારે પણ આવી જ હિંસા જોવા મળી હતી. વિશ્વના કેટલાક દેશોમાં યુદ્ધો ચાલે છે, તો ફ્રાંન્સ જેવા દેશોમાં બહારથી આવેલા શરણાર્થીઓ હવે સત્તામાં પોતાની ભાગીદારી માગી રહ્યા છે.
નેપાળના તોફાનો પર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત થયું છે. હકીકત તો એ છે કે નેપાળના યુવાનો વિશ્વનો વિકાસ અને સંભવિતતાઓ સોશિયલ નેટવર્ક પર જોતા હતા, સમજતા હતા. બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાની મુરાદ તેમના મગજના એક ખૂણે છૂપાયેલી હતી. નેપાળમાં સોશિયલ મીડિયા પર નેપોબેબી નામનું અભિયાન ચાલતું હતું. નેપાળના ભષ્ટ રાજકારણીઓનાં સંતાનો કેવી લકઝરી કાર વાપરે છેે, પ્રજાના પૈસે કેવા શાહી ઠાઠમાં જીવે છે, કેવી પાર્ટીઓ કરે છે વગેરેના ફોટા શેર કરવામાં આવતા હતા. જેમ ભારતમાં ભાઇ-ભતીજા વાદ અને કુટુંબવાદ બદનામ છે, એવું જ નેપાળમાં છે. નેપાળમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતો સોશિયલ મીડિયા પર મુકાતી હતી. લોકો તેના પર પોતાની પોસ્ટ અને વિચારો મુકતા હતા. તેમાં સરકાર પ્રત્યે નફરત જોવા મળતી હતી. નેપાળના લોકો આક્રોશ સાથે લખતા હતાકે ચીનથી આવતા આદેશ પ્રમાણે નેપાળની સરકાર ચાલે છે.
નેપાળના કોમ્યુનિસ્ટો સામે પણ આક્રોશ જોવા મળતો હતો અનેે તેમનો ભ્રષ્ટાચાર પણ જનતાને અકળાવી મૂકત હતો. નવા કેરટેકર અધિકર્તાઓ સામે બહુ મોટી જવાબદારીઓ છે. લોકોમાં ઊકળતો આક્રોશ શાંત પાડવાનો છે અને દેશમાં લોકશાહીનું પુન: સ્થાપન કરવાનો છે.


