Get The App

ભારતનો 50 અબજ ડોલરનો દવા ઉદ્યોગ વૈશ્વિક તખ્તા પર બદનામ થઇ રહ્યો છે

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
ભારતનો 50 અબજ ડોલરનો દવા ઉદ્યોગ વૈશ્વિક તખ્તા પર બદનામ થઇ રહ્યો છે 1 - image

- ભારત 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' તરીકે ઓળખાય છે

- ભારતમાં ભેળસેળવાળી ચીજો વેચાવી, ખુલ્લામાં ખોરાક વેચાવો વગેરે બાબતો સાવ સામાન્ય ગણાય છે

- પ્રસંગપટ

ભારતનો ૫૦ અબજ ડોલરનો દવાઓના ઉદ્યોગ વૈશ્વિક તખ્તા પર બદનામ થઇ રહ્યો છે. ભારતની એક્સપોર્ટ થતી દવાએા અને કોરોનાના મારણ તરીકે વપરાયેલી મહત્વની રસીઓના પગલે ઉભી થયેલી નામના સરકારની ઢીલી નીતિના કારણે ખાડે જઇ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કફ સિરપના વિવાદમાં ઝૂકાવીને વિશ્વનું ધ્યાન આ વિવાદ તરફ ખેંચ્યું છે. જે કંપનીએ પ્રાણઘાતક કફ સિરપ બનાવ્યું છે તેના માલિકની તમિળનાડુ સરકારે ધરપકડ કરી છે. 

આવા મુદ્દે રાજકીય વિવાદ પણ છે. જે રાજ્ય ખાસ કરીને મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુ થયા તે ભાજપ શાસિત છે અને જે રાજ્યમાં કફ સિરપનું ઉત્પાદન કર્યું તે વિપક્ષી જોડાણનો એક ઘટક પક્ષ તમિળનાડુનો ડીએમકે છે. જેના કારણે આ મુદ્દે રાજકીય પક્ષોની આક્ષેપબાજી લાંબી ચાલવાની નથી. 

ટેસ્ટીંગ વેચાણ વગેરે બાબતમાં ભારતનો દવા ઉદ્યોગ અને સરકાર બંને પાંગળા પુરવાર થયા છે.  ભારતે તાજેતરમાં ત્રણ કફ સિરપને ટોક્સીક જાહેર કર્યા છે. જેમાં ગયા મહિનામાં  ઝેરી કફ સિરપ પીવાના કારણે ૨૦ જેટલાં બાળકોના કમોતથી ભારતનું ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર વિવાદમાં આવી ગયું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત પાસે જવાબ માંગ્યો છે કે બાળકોના જાન લેનાર કફ સિરપ કેટલા દેશોમાં મોકલાયું છે? ભારત વિરોધી દેશો ખાસ કરીને અમેરિકા ઝેરી કફ સિરપના મુદ્દાને ઉછાળીને ભારતના દવા ઉદ્યોગ સામે પ્રશ્નાર્થ ઉભો કરી શકે છે. ભારત સરકારે ચેતીને ચાલવાની જરૂર છે.

ભારતમાં ફાર્માસ્યુટીલ ક્ષેત્રે ક્વોલિટી કન્ટ્રેાલની પોલ ખુલી પડી ગઇ છે. ડુપ્લીકેટ દવાઓ અને ઝેરી પદાર્થોવાળી દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોય ત્યારે ડ્રગ કન્ટ્રોલ બોર્ડ શું કરે છે જેવા પ્રશ્નો પૂછાય તે સ્વભાવિક છે. ભારતમાં ભેળસેળવાળી ચીજો વેચાવી, ખુલ્લામાં ખોરાક વેચાવો વગેરે સાવ સામાન્ય બાબત બની ગઇ છે. સૌથી ગંભીર સમસ્યા દવાઓમાં વપરાતા ઇનગ્રેડીયન્ટ(તત્વો)ની માત્રાની ચકાસણીમાં દવા બનાવતી નાની કંપનીઓ લાલીયાવાડી ચલાવે છે.

કોરોના કાળ વખતે ભારતે બનાવેલી વેક્સિન વિશ્વભરમાં પ્રશંસા મેળવી શકી હતી. વિશ્વમાં વેક્સીનના સૈાથી મોટા સપ્લાયર તરીકેની નામના ભારતનો દવા ઉદ્યોગ મેળવી શક્યો છે. વિશ્વમાં બનતી કુલ વેક્સીનના ૬૦ ટકા વેક્સીન ભારતમાં બને છે.

બનાવટી દવાઓ અને ઝેરી રસાયણો વાળી દવાઓના વિવાદમાં સપડાયેલા દવા ઉદ્યોગના સંગઠનોએ પોતે સરકાર સાથે બેસીને આચાર સંહિતા નવેસરથી રચવાની જરૂર છે. લોકોની જીંદગી સાથે ચેડાં કરતા દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો સામે કડક પગલાં લેવા જેવી કડક કાયદાની ભલામણ કરવાની જરૂર છે.

 દવા બનાવતી કંપનીઓ રીસર્ચ ક્ષેત્રે પણ મહત્વનું કામ કરે છે. તેમની પાસે દરેક ઉત્પાદનની બેચ અનુસાર કેમિસ્ટો હોય છે. પરંતુ દવા ઉદ્યોગના નાના એકમો અલગ કેમિસ્ટ કે દરેક બેચનું ચેકીંગ પોષાતું નથી. દવા ઉદ્યોગ અને સરકાર બંને આ વાત જાણે છે પણ આંખ આડા કાન કરતા હોય એમ લાગે છે.

ભારતનો દવા ઉદ્યોગ નાનો સૂનો નથી. વિશ્વમાં તે ત્રીજા નંબરે છે. વિશ્વભરમાં ભારતની દવાઓની નિકાસ  થાય છે. ૨૦૨૩માં ૨૫.૩ અબજ ડોલરની દવાઓ ભારતે એક્સપોર્ટ કરી હતી. હાલમાં ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખાય છે. ભારત વિવિધ થેરાપ્યુટીક કેટેગરીની ૬૦,૦૦૦ જેટલા જેનરીક ડ્રગ્સ બનાવે છે.૨૦૨૩-૨૪માં  ભારતના દવા ઉદ્યોગની વેલ્યૂ ૫૦ અબજ ડોલરની હતી જે ૨૦૩૦ સુધીમાં  ૧૩૦ અબજ ડોલર પર પહોંચવાની શક્યતા છે.

વિશ્વમાં દવાઓના થતા કુલ એક્સપોર્ટમાં ભારતનો ફાળો ૨૦ ટકા જેટલો છે. જે દેશોમાં દવાઓ પર આકરા નિયમનો છે એવા અમેરિકા, કેનેડા,યુકે, યુરોપમાં પણ ભારતની દવાઓ એક્સપોર્ટ થાય છે.

રાજસ્થાન અને  મધ્યપ્રદેશમાં બાળકોનો જાન લેનાર કફ સિરપમાં ડાયઇથિલીન ગ્લાયકોલે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. દવાઓમાંના દરેક ઘટક તત્વ તેની નિશ્ચિત માત્રામાં કામ કરે છે અને મિશ્રણની સાથે દવાની ગુણવત્તા તેમજ અસરકારકતા વધારે છે.

સામાન્ય ખાંસી ઉધરસ માટે વપરાતા કોલ્ડરીફ કફ સિરપની માત્રા સૌથી વધુ એવી ૪૮.૬ ટકા હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં જણાયું છે. જે ડાયઇથિલીન ગ્લાયકોલની માત્રા  એક ટકાથી ઓછી હોવી જોઇએ તે કોલ્ડરિફમાં ૪૮.૬ ટકા હતી.