Get The App

જીપીએસ સ્પૂફીંગ એ સાયબર હુમલાનું અતિ જોખમી સ્વરૂપ છે

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
જીપીએસ સ્પૂફીંગ એ સાયબર હુમલાનું અતિ જોખમી સ્વરૂપ છે 1 - image

- પ્રસંગપટ

- દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી માટે જીપીએસ સ્પૂફીંગ જવાબદાર

- દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ ૧૫૦૦ ફ્લાઇટ્સની અવરજવર થાય છે

વિશ્વભરના ઉડ્ડયન ક્ષેત્રમાં આજકાલ ઉહાપોહ ચાલી રહ્યો છે. અમેેરિકાનાં એરપોર્ટ શટડાઉનમાં અટવાયેલાં છે, તો ભારતનાં એરપાર્ટ સ્પૂફીંગનો શિકાર બન્યા છે. એરક્રાફ્ટની નેવિગેટીંગ સિસ્ટમ અને ફ્લાઇટને ડાયવર્ટ કરવાની સિસ્ટમ જીપીએસ આધારિત હોય છે. જીપીએસ સ્પફિંગ એટલે, સાદી ભાષામાં, જીપીએસ રિસીવરને ખોટાં સિગ્નલ મોકલીને કન્ફ્યુઝન પેદા કરવું. આ કામ સાયબર ક્રિમિનલ્સ પણ કરી શકે અને દુશ્મન દેશોની મિલટરી પણ કરી શકે. 

યુક્રેન, ઇઝરાયલ કે ભારત-પાકિસ્તાન સરહદે અવારનવાર જીપીએસ સ્પૂફીંગ થતું હોય છે, પરંતુ દિલ્હીનું  ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ  પહેલીવાર જીપીએસ સ્પૂફીંગનો શિકાર બન્યું હતું. ખોટાં સેટેલાઈટ સિગ્નલને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ કરવા ઇચ્છતાં વિમાનોને ખોટી રીતે ગાઇડ કરવામાં આવ્યાં હતાં. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ  એરપોર્ટ પર રોજ ૧૫૦૦ ફ્લાઇટની અવરજવર થાય છે. 

વિમાનો એરપોર્ટના મેઇન રનવે લેન્ડીંગ સિસ્ટમ સાથે સંદેશાની લેવડદેવડ કરતું હોય છે. ગયા આખા અઠવાડીયા દરમ્યાન દિલ્હી એરપોર્ટ પર નેવીગેટિંગ સિસ્ટમમાં ગરબડ થઈ હોવાની ફરિયાદ કેટલાક પાઇલોટોએ કરી હતી.

દેશની સરહદે જીપીએસ સ્પૂફીંગ વારવાર થતું હોય છે, પરંતુ દેશના શહેરી એરપોર્ટને ટાર્ગેટ બનાવાય ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. જીપીએસ સ્પૂફીંગના કિસ્સામાં એરક્રાફ્ટની પોઝીશનનાં ખોટાં સિગ્નલ મળે છે. તેને કારણે ફ્લાઇટનાં લેન્ડિંગના સમય સાચવી શકાતા નથી. 

ત્રણ દિવસ અગાઉ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ૪૦૦ જેટલી ફ્લાઇટ મોડી પડતા ઉહાપોહ સર્જાયો હતો. રાહતની વાત એ છે કે સ્પૂફીંગ થયું હોવા છતાં કોઇ અકસ્માત થયો નહોતા. હા, એરપોર્ટ પર ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો, કેમ કેે ફ્લાઇટ્સનાં ચોક્કસ શિડયુલ જાણી શકાતાં નહોતાં. સાત જેટલી ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. 

વિમાન જ્યારે રનવે પર લેન્ડ કરવાનું હોય ત્યારે તેને ચોક્કસ સિગ્નલ આપવામાં આવે છે કે જેથી તે અન્ય વિમાન સાથે ટકરાય નહી. જ્યાં સુધી એને આ ચોક્કસ સિગ્નલની 'લીલી ઝંડી' ન મળે ત્યાં સુધી તે હવામા ચકરાવા લીધા કરે છે. દિલ્હીમાં એક બાજુ ઘુમ્મસ ફેલાયેલું હતું ને બીજી તરફ સિગ્નલ ચોક્કસ રીતે કામ કરતાં નહોતાં.

જીપીએસ સ્પૂફીંગમાં નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીને વિમાનને ખોટાં ખોટા સેટેલાઇટ સિગ્નલ એટલે કે ખોટી માહિતી મોકલવામાં આવે. ઉદાહરણ તરીકે વિમાન દિલ્હી પરથી ઉડતું હોય, પરંતુ કોકપિટમાં રહેલું મોનિટર પાયલોટને એવી માહિતી આપતું હોય કે પ્લેન ચંડીગઢ પરથી ઉડી રહ્યું છે.  

જીપીએસ જામીંગ અને જીપીએસ સ્પૂફીંગમાં ફર્ક છે. જીપીએસ જામીંગ સામાન્યપણે સૈન્ય દ્વારા કરવામાં આવે છે. તેમાં સિગ્નલો મળતાં જ બંધ થઈ જાય છે, જ્યારે જીપીએસ સ્પૂફીંગમાં ખોટાં સિગ્નલ મળે છે. જીપીએસ સ્પૂફીંગ એક પ્રકારનો સાયબર અટેક છે. જામીંગ અને સ્પૂફીંગ બંને ઉડ્ડયન ક્ષેત્રે જોખમી બની શકે છે. 

ગયા મે માસમાં ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતના સૈન્યે પાકિસ્તાનની એક ડિફેન્સ સિસ્ટમ જામ કરી દીધી હતી અને પછી પાકિસ્તાનના સરહદ નજીક ત્રાસવાદી તાલીમી કેન્દ્રો તેમજ લશ્કરી છાવણીઓ પર હુમલા કર્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં અઝારબૈજાન એરલાઇન્સનું એક પ્રવાસી વિમાન તૂટી પડયું હતું, જેના કારણે ૩૮ લોકો મોતને ભેટયા હતા. આ ક્રેશ માટે રશિયાની એન્ટિ-એર ક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ જવાબદાર હતી. જીપીએસ જામીંગના કારણે તે આ દુર્ઘટના ભૂલથી બની હતી. ગયા વર્ષે માર્ચમાં ભારતના વાયુદળનું વિમાન ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં ઓપરેશન બ્રહ્મા હેઠળ રાહત સામગ્રી મોકલવા ગયું ત્યારે ચીન દ્વારા થયેલા શંકાસ્પદ જામીંગના કરાણે અટવાયું હતું.

સ્પૂફીંગની ઘટનાઓ જોકે ભારતમાં નવી નથી. નવેમ્બર ૨૩ અને ફેબુ્રઆરી ૨૦૨૫ વચ્ચે જીપીએસ સ્પૂફીંગની ૪૬૫ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંની મોટા ભાગે ભારત-પાકિસ્તાન સરહદે બની હતી. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ૨૦૨૪માં વિશ્વભરમાં જીપીએસ જામીંગની ૪.૩ લાખ ઘટના નોંધાઇ છે. ૨૦૨૩ કરતાં આ આંકડો ૬૨ ટકા વધારે છે.