Get The App

તમિળનાડુના હિન્દી વિરોધી આંદોલન પાછળનો હેતુ કેન્દ્રને ભીંસમાં લેવાનો છે

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
તમિળનાડુના હિન્દી વિરોધી આંદોલન પાછળનો હેતુ કેન્દ્રને ભીંસમાં લેવાનો છે 1 - image

- દક્ષિણનાં રાજ્યોમાં હિન્દીનો વિરોધ નવી વાત નથી

- પ્રસંગપટ

- 1967માં તમિળનાડુમાં ડીએમકે સરકાર આવી ત્યારે તમિળ-અંગ્રેજી એમ દ્વિ-ભાષી પોલિસી અમલમાં મૂકી હતી  

હિન્દીના મુદ્દે તમિળનાડુ અને કર્ણાટક કેન્દ્ર સરકાર સામે શિંગડાં ભરાવી રહ્યાં છે. તમિળનાડુ વર્ષોથી હિન્દીનો વિરોધ કરતું આવ્યું છે. તે માને છે કે કેન્દ્ર સરકાર અમારી માતૃભાષા સામે જોખમ ઊભું કરી રહી છે. બેંગલુરૂમાં તાજેતરમાં હિન્દી વિરોધી દેખાવો થયા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે દક્ષિણ ભારતમાં વિરોધ પક્ષોએ પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે.  તમિળનાડુની ડીમકે સરકારે આક્ષેપ કર્યો છે કે અમે હિન્દી વિરોધી આંદોલન કરી રહ્યા છીએ તેથી કેન્દ્ર સરકારે અમારા રાજ્યને મળનારા  ૨,૦૦૦ કરોડ રૂપિયા પર બ્રેક લગાવી છે.

ભારતના રાજકારણમાં દરેક રાજકીય પક્ષ આક્ષેપબાજીમાં વ્યસ્ત રહે છે. હિન્દી વિરોધી આંદોલન દક્ષિણ ભારત માટે નવું નથી. કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણમાં ઉતારવાના મુદ્દા દક્ષિણ ભારતના રાજકીય પક્ષો શોેધતા રહે છેે. હિન્દીનો મામલો આંદોલન કરવા માટે આસાન એટેલા માટે છે કે આખા દક્ષિણ ભારતમાં વર્ષોથી હિન્દી વિરોધી સેન્ટિમેન્ટ સુષુપ્ત અવસ્થામાં સળવળતું હોય છે. તેને ગમે ત્યારે ફૂંક મારીને જગાડી શકાય છે. 

દક્ષિણ ભારતમાં હિન્દી ભાષા પ્રત્યેની ચીડ એક રીતે રાજકીય ષડયંત્ર સમાન છે. નેશનલ એજ્યુકેશન પોલિસીનો વિરોધ કર્યા પછી તમિળનાડુ સરકાર તેને લોકો સમક્ષ લઇ જવા માગે છે.નેશનલ એજ્યુકેશન પોલિસીનો સંબંધ ત્રણ ભાષાઓ સાથે છે - એક સ્થાનિક માતૃભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી.

તમિળનાડુ ના મુખ્યધાન એમ.કે. સ્ટાલિન, દક્ષિણના અન્ય નેતાઓ અને કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા પણ હિન્દીનો વિરોધ કરવામાં જોડાઈ ગયા છે. શિક્ષણ ક્ષેત્રેે હિન્દીને અપાતા મહત્ત્વનો તેઓ વિરોધ કરી રહ્યા છે. રેલ્વે પરીક્ષા, પોસ્ટલ સર્વિસ તેમજ અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓમાં હિન્દી ભાષાના ઉપયોગ સામે તેમને વાંધો છે. આંદોલનકારીઓના મતે તમિળ ભાષાને પ્રાધાન્ય આપવાની માગણી કરનારાઓને દેશવિરોધી ચિતરવામાં આવે છે તે યોગ્ય નથી, કેમ કે, તમિળ ભાષાને મજબૂત બનાવવા  માટે તો વર્ષોથી પ્રયાસ થઈ રહ્યો છે. આંદોલનકારીઓના એક દાવામાં દમ છે કે  સમગ્રપણે હિન્દી ભાષાનું  પ્રભુત્વ વધવાથી અને સરકારી ઓફિસોમાં તેનું ચલણ વધવાથી ઉત્તર ભારતની  મૈથિલી, વ્રજ, બુંદેલખંડી, અવધિ વગેરે ભાષાઓનો મૃત્યુઘંટ વાગી ગયો છે.

અમારી તમિળ ભાષાનું રક્ષણ અમે નહીં કરીએ તો તે હિન્દીના પ્રભુત્વ નીચે દટાઇ જશે એવું સ્ટાલિનના સાથીઓ કહી રહ્યા છે. આંદોલન માત્ર ડીએમકે કરી રહ્યું છે એવું નથી. દિવંગત જયલલિતા સત્તા પર હતાં અને ભાજપના સાથી પક્ષ તરીકે હતા ંત્યારે તેમના અન્ના ડીએમકે પક્ષે  પણ દાયકાઓ સુધી તમિળનાડુમાં હિન્દી વિરોધી આંદોલન ચલાવ્યું હતું. આંદોલનકારીઓ એ મામલે બહુ સ્પષ્ટ છે કે અમારી લડત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા માટે નહીં, પણ તમિળ અસ્મિતા અને તમિળ ઓળખનું રક્ષણ કરવા માટે છે.

ભૂતકાળ પર નજર કરીએ તો, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના કેટલાક ભાગો  મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળ આવતા હતા. મદ્રાસ પ્રેસિડેન્સીના તત્કાલીન વડા સી.રાજગોપાલચારીએ ઓગસ્ટ,૧૯૩૭માં ૧૨૫ સ્કૂલોમાં  ફરજિયાત હિન્દી શીખવવાનો આદેશ આપ્યો હતો. તેના પગલે ૧૯૩૭થી ૧૯૪૦ દરમિયાન મોટું આંદોલન ચાલ્યું હતું, જેેમાં અનેક લોકો મોતને ભેટયા હતા. આખરે અંગ્રેજ સરકારે ૧૯૪૦માં હિન્દી પોલિસી પાછી ખેંચી લીધી હતી.

૧૯૫૦માં હિન્દીને દેશની સત્તાવાર ભાષા જાહેર કર્યા બાદ ૧૯૬૫ સુધીમાં દરેક રાજ્યમાં તેને અમલી બનાવવાની વાત આવી ત્યારે  પણ ડીએમકેના ફાઉન્ડર સી. એન. અન્નાદુરાઇએ હિન્દી વિરોધી આંદોલન શરૂ કર્યું હતું. તે વખતે વિદ્યાર્થીઓના આત્મ વિલોપનની ઘટનાઓ પણ બની હતી. તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ હિન્દીનો મુદ્દો પાછો ખેંચવો પડયો હતો. ૧૯૬૭માં તમિળનાડુમાં ડીએમકેની સરકાર આવી ત્યારે મુખ્યપ્રધાન બનેલા અન્ના દુરાઇએ તમિળ અને અંગ્રેજી એમ બે ભાષાની પોલીસી અમલી બનાવી હતી. તે વખતે ભારતમાં એક માત્ર તમિળનાડુ એવું રાજ્ય હતું કે જ્યાં હિન્દી પર પ્રતિબંધ હતો.

 હિન્દી એક લિન્ક-લેન્ગવેજ અર્થાત્  તમામ રાજ્યોને જોડતી ભાષા છે. થિયરી એવી છે કે હાલ હિન્દી ભાષાનો મુદ્દો ઉખેડીને ડીએમકે કેન્દ્ર સરકારને હંફાવવા માંગે છે અને તમિળનાડુમાં પોતાનું સ્થાન મજબૂત પણ બનાવવા માગે છે.