Updated: Mar 11th, 2023
- અર્ધલશ્કરી દળોની 18 કંપનીઓ પંજાબ મોકલાઇ
- વિરોધ પક્ષો કહે છે કે પોલીસ સ્ટેશન પર તલવારો લઇને હુમલો કરનાર અમૃતપાલ પર કેમ કોઇ કેસ ના કર્યો?
- પ્રસંગપટ
- અમૃતપાલ સિંહ
પંજાબ ફરી વિવાદમાં આવી ગયું છે. જે પંજાબ ખાલિસ્તાની પ્રવૃત્તિ માટે બદનામ હતું ત્યાં ફરી ખાલિસ્તાની તંબુઓ ઊભા થવા લાગ્યા છે. એમ પણ માનવાની જરૂર નથી કે બધું ખાનગીમાં ચાલે છે. અરાજકતા ઊભી કરવા માગતા લોકો બધું જાહેરમાંજ કરી રહ્યા છે. કોઇ એક ટોળું આવીને પોલીસના જાપ્તામાં રહેલા માણસને છોડી દેવા ફરજ પાડે તે જોઇને દરેકને આધાત લાગે તે સ્વભાવિક છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ખાલિસ્તાની સમર્થકો પોતાના સાથીને જાહેરમાં છોેડાવી ગયા ત્યારે પણ સરકાર પંજાબમાં 'સબ સલામત'ની રેકર્ડ વગાડતી હતી.
ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલ સિંહ હવે બધાની નજરમાં આવી ગયા છે. ખાલિસ્તાનવાદના કારણે ભૂતકાળમાં દેશને થયેલા નુક્સાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોની ૧૮ કંપનીઓ પંજાબ સરકારની મદદે મોકલી છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વારંવાર એમ કહેતા આવ્યા છે કે અમે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ પર સતત ધ્યાન આપી રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા અલગ છે.
પંજાબમાં જાહેરમાં દાદાગીરી કરનારા અને પોલીસોને નહીં ગાંઠતા લોકોની સંખ્યા વધતી જાય છે. મુખ્યપ્રધાન માન બહુ હોશિયારીપૂર્વક કહે છે કે વિરોધ પક્ષો અમારી સરકારની પાછળ પડી ગયા છે અને વાતનું વતેસર કરી રહ્યા છે. જે રાજ્યમાં અપહરણના કેસના મુખ્ય ગુનેગાર લવરપ્રીત સિંહ તૂફાનને છોડાવવા અજનાલા ખાતે ટોળું ખુલ્લી તલવારો અને બંદૂકો બતાવીને પોલીસ સ્ટેશનને ઘેરી લે અને પોલીસે તેમની માંગણીને સરન્ડર થઇને તૂફાનને છોેડવો પડે તે શરમજનક ઘટના વિશે મુખ્યપ્રધાન ભગવંત માન કશું બોલતા નથી.
મુખ્યપ્રધાન માન કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને અજનાલાની ઘટના અંગે મળ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી, પરંતુ વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, અંજનાલાની ઘટનાને છોડવા તૈયાર નથી. વિરોધ પક્ષો કહે છે કે પોલીસ સ્ટેશન પર તલવારો લઇને હુમલો કરનાર અમૃતપાલ પર કેમ કોઇ કેસ ના કર્યો? અમૃતપાલે કરેલું તોફાન આખા દેશે લાઇવ જોયું છે. તલવારો વીંઝતા ટોળાએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો અને હાજર પોલીસ દળ એક ખૂણામાં જતું રહ્યું હતું.
કોંગ્રેસ કહે છે કે મુખ્યપ્રધાન માને ગુનેગારોને પકડયા નથી, પણ પંજાબમાં અશાંંતિ ફેલાવવા તેમને છૂટો દોર આપ્યો છે. જે પોલીસ સ્ટેશન પર હુમલો કરાયો ત્યાં એક પોલીસ અધિકારી સહિત છ લોકોને માથુંં ફૂટવાથી ઇજાઓ થઇ છે. એ બધા હજુ હોસ્પિટલમાં છે છતાં કોઇ હુમલાખોર પર કેસ કરાયો નથી.
કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ માને છે કે ખાલિસ્તાનવાદને કાબુમાં લેવો હોય તો પંજાબમાં રાષ્ટ્રપતિશાસન લાદી દેવું જોઇએ. જો પંજાબ પોલીસમાં આત્મવિશ્વાસ ઊભો કરવો હોય તો તેમના પર હુમલો કરનારા સામે પગલાં લેવાં જોઇએ. શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલે પણ કહ્યું છે કે મુખ્યપ્રધાન માન કાયદો અને વ્યવસ્થા પર સતત નજર હોવાની વાત કરે છે, પણ તે કોઇ પર પગલાં લેતા નથી. તેમણે આક્ષેપ કરતાં કહ્યું છે કે માન બધું જાણે છે છતાં રાજયને તોફાનીઓના હવાલે કરી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે માન સરકારનો હનીમૂન પિરીયડ પુરો થયો છે અને ઊંઘ ઉડાડીને પ્રજાના કામ કરવાનો સમય છે. કેન્દ્ર સરકારે મોકલેલા અર્ધ લશ્કરી દળો પાછળનું કારણ એક જ છે કે ખાલિસ્તાનવાદીઓ અચાનક જ પંજાબની શાંતિ ડહાળી ના નાખે.
પંજાબમાં માંડ શાંતિ સ્થપાઇ છે. પંજાબ રાજકીય અશાંતિને વરેલું છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યપ્રધાન હતા ત્યારે ખાલિસ્તાનવાદીઓ માથું પણ ઊંચું કરી શકતા નહોતા.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર એવા આક્ષેપો થયા હતા કે તેમને ત્યાં ભાગલાવાદી તત્ત્વો મિટીંગ કરવા આવતા હતા. આવા આક્ષેપ તેમના નજીકના સાથી અને આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર એવા કુમાર વિશ્વાસે કર્યા હતા. એટલે તો આમ આદમી પાર્ટીની સરકાર રચાયાના બીજા દિવસે કુમાર વિશ્વાસને ત્યાં પોલીસ મોકલાઇ હતી.
જોકે કુમાર વિશ્વાસને પુરી દેવાની આમ આદમી પાર્ટીની મેલી મુરાદ નિષ્ફળ ગઇ હતી. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે દરેક રાજ્યમાં ચડસાચડસી ચાલતી હોય છે, પરંતુ જ્યારે કોઇ સરકાર ખુદ ભાગલાવાદી એવા ખાલિસ્તાનવાદીઓને છૂટો દોર આપવા માગતી હોય ત્યારે તે દેશ માટે ચિંતાનો વિષય બની જાય છે.
પંજાબની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે ચેતતા રહેવાની જરૂર છે.