Get The App

અફઘાનિસ્તાનને છંછેડીને પાકે પોતાના પગ પર કુહાડો માર્યો છે

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનને છંછેડીને પાકે પોતાના પગ પર કુહાડો માર્યો છે 1 - image

- પીઓકેના હિંસાચારના ઘેરા પ્રત્યાઘાત

- પ્રસંગપટ

- પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને ચીનને ખુશ કરવાનો પ્રયાસ પાકિસ્તાનને ભારે પડશે

અરાજકતામાં અટવાયેલું  પાકિસ્તાન ત્રણ હિંસક મોરચે અટવાયેલું છે. પાકિસ્તાને પીઓકેના દેખાવકારો પર ગોળીબાર કરીને આંદોલન કરનારાઓને ચૂપ કરી નાખવાનો અને ચીનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.

બીજું, બલૂચિસ્તાનના બળવાખોરોને કચડી નાખવાના પ્રયાસમાં પાકિસ્તાન પોતાના સૈનિકો ગુમાવી રહ્યું છે. 

ત્રીજો હિંસક મોરચો અફઘાનિસ્તાન પર હુમલો કરીને ઊભો કર્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાનોને છંછેડીને પાકિસ્તાને સૌથી મોટી ભૂલ કરી છે.

વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાન બદનામ છે. ઇરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં મધ્યસ્થી બનવાની લ્હાયમાં પાકિસ્તાને અન્ય દેશોની ટીકા સિવાય કશું જ મેળવ્યું નથી.

ભારતના નેતાઓ વારંવાર એમ કહીને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી રહ્યા છે કે હજુ ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું. ભારત ગમે ત્યારે સજકલ સ્ટ્રાઇક કરી શકે છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) પર ભારતની નજર છે. આ પ્રદેશમાં ભારત સજકલ સ્ટ્રાઇકનો ડોઝ આપી શકે છે.

પીઓકે સળગી રહ્યું છે. પીઓકેમાં અરાજકતાના માહોલ પાછળ પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાનના શાસકો પાસે પીઓકેની જનતાને સાંત્વન આપવા માટે કોઈ શબ્દો નથી. બંને પક્ષ હવે કાબૂ ગુમાવી રહ્યા છે. પાકિસ્તાની સૈન્યે પીઓકેના તાજેતરમાં જુદા જુદા બે ઘટનાક્રમમાં કુલ ૨૭ લોકોને ફૂંકી માર્યા. 

ચીનના ખોળામાં બેઠા પછી પાકિસ્તાન પીઓકેમાં વધુ બળ વાપરી રહ્યું છે. ચીનના પ્રોજેક્ટ માટે પીઓકેમાંથી વાહનો માટે રસ્તોકાઢવામાં આવ્યો છે. ચીનના  નાગરિકોને અહીં વિશેષ સંરક્ષણ આપવામાં આવે છે. પીઓકેની જનતાને સ્વાભાવિક રીતે જ  પોતાના પ્રદેશમાં ચીનની અવરજવર ખટકે છે. પાકિસ્તાનના શાસકો ચીન પાસેથી તગડી લોન લઈને બેઠા છે.

પાકિસ્તાન એમ બતાવવા મથી રહ્યું છે કે અમે પણ અરાજકતા ચલાવી લેવા  માગતા નથી. પાકિસ્તાન ચીનના જોરે કૂદી રહ્યું છે, પરંતુ રશિયાએ અફઘાનિસ્તાનનો હાથ પકડયો એટલે પાકિસ્તાન સમજી ગયું છે કે અફઘાનિસ્તાન ગમે ત્યારે હિંસક બની શકે છે. અફઘાનિસ્તાનના રશિયા સાથેના લશ્કરી કરાર પાકિસ્તાન માટે પડકાર સમાન બની જવાના છે. અફઘાનિસ્તાન ઊંઘતા રાક્ષસ સમાન છે. તેને છંછેડીને પાકિસ્તાને પોતાના પગ પર કૂહાડો માર્યો છે.પીઓકેમાં હિંસાચાર અંગે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. પીઓકેમાં હિંસાચાર ચાલે છે તેના અહેવાલો વૈશ્વિક સમાચાર માધ્યમોમાં જોવા મળતા હોવા છતાં વિશ્વના કોઈ દેશે પાકિસ્તાનને ખોંખારીને વિરોધ કર્યો નથી. 

બલૂચિસ્તાનની પ્રજા પર અત્યાચાર ગુજારનાર પાકિસ્તાની શાસકોને હવે બલૂચ બળવાખોરો ભારે પડી રહ્યા છે. બલૂચિસ્તાનની ખનીજ સંપત્તિના જોરે કૂદતા પાકિસ્તાનને ખબર છે કે બલૂચ બળવાખોરો ગમે ત્યારે હુમલો કરી શકે છે.

એેમ લાગે છે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને પરત લેવામાં ભારતને ખાસ રસ નથી. પીઓકે પરત લેવાના ભારતને અનેક મોકા મળ્યા હતા. પીઓકે ભારત સરકીને ક્યારે ભારત પાસે આવે તેની જાણે કે રાહ જોવાઈ રહી છે. 

પીઓકેથી પાકિસ્તાન ત્રસ્ત છે. પાકિસ્તાનના વહિવટકારો પીઓકેની અવામને સાચવી શકતા નથી. પાકિસ્તાનનો કોઈ રાજકીય નેતા ત્યાં ફરકતો પણ નથી. આમ, પાકિસ્તાનને બે તરફની હેરાનગતિ છે. એક તરફ બલૂચિસ્તાનના બળવાખોરો મેદાનમાં ઉતર્યા છે, તો બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાની સૈન્યની ધોલાઈ થઈ રહી છે. 

ભારત જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ઝોઝીલા ટનલની સફળતાની ઉજવણી કરતું હતું ત્યારે નજીકમાં આવેલા પીઓકેમાં નિર્દોષ નાગરિકો પર ગોળીઓ ચલાવવામાં આવી રહી હતી. કાશ્મીરમાં ઝોઝીલાની સફળતાની ઉજવણી ચાલતી હતી ત્યારે તે સ્થળથી માત્ર ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા રાવલકોટા, મુઝફ્ફરાબાદ અને મીના માર્ગ ખાતે પાકિસ્તાનના સૈનિકો ત્યાંની પ્રજા પર ગોળીબારો કરતા હતા. ઝોઝીલા ટનલની સિદ્ધિ ખરેખર તો પ્રશંસાને પાત્ર છે.