Get The App

બંગલાના વિવાદમાં અટવાયલા બે ટોચના ચહેરા : ડી.વાય. ચન્દ્રચૂડ એને રેખા ગુપ્તા

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
બંગલાના વિવાદમાં અટવાયલા બે ટોચના ચહેરા : ડી.વાય. ચન્દ્રચૂડ એને રેખા ગુપ્તા 1 - image

- બંને વ્યક્તિઓ સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે

- પ્રસંગપટ

- દિલ્હીનાં મુખ્યપ્રધાને રંગરોગાનનું ટેન્ડર પાછું ખેંચ્યું છે, જ્યારે ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ હજુ ઘર શોધી રહ્યા છે

- ડી. વાય ચન્દ્રચૂડ

- રેખા ગુપ્તા

દિલ્હીમાં બે ટોચની વ્યક્તિઓ વિવાદમાં અટવાયેલી છે. બંને સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. એક છે, ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડી. વાય. ચન્દ્રચૂડ અને બીજાં છે, દિલ્હીનાં વર્તમાન મુખ્યપ્રધાન રેખા ગુપ્તા. ડી. વાય. ચન્દ્રચૂડ તો કાયદાવિદ્ છે જ, પણ રેખા ગુપ્તા પણ એલએલ.બી.ની ડિગ્રી ધરાવે છે. બંને આમ તો કાયદાનું પાલન કરનારા હોવાની ઇમેજ ધરાવે છે, પણ ડી. વાય. ચન્દ્રચૂડે નિવૃત્ત થયા પછી પણ પોતાનો સરકારી બંગલો હજુ સુધી ખાલી કર્યો નથી. બીજી બાજુ, ભાજપી મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પોતાના સરકારી બંગલાના રિનોવેશન પાછળ ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવા માંગતાં હતાં. પીડબલ્યુડી તરફથી તે માટેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ એ જ રેખા ગુપ્તા છે, જેમણે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના શીશમહલ પાછળ કરેલા કરોડોના વેડફાટના મુદ્દાને ભૂરપૂર ઉછાળીને ચૂંટણી જંગ જીત્યો હતો.   

૬૦ લાખના ખર્ચવાળું આ ટેન્ડર સૌની નજરમાં આવી ગયું ને ભાજપના કાર્યકરોમા ંજ ગણગણાટ શરૂ થઈ ગયો. અરવિંદ કંજરીવાલે કરેલા જંગી ખર્ચા પર ટીકા કરનારાં રેખા ગુપ્તા ખુદ લાખોના ખર્ચે ઘર રીનોવેટ કરાવી રહ્યાં છે એ વાત ભાજપના મોવડીઓને પણ ખૂંચી હતી.   

બીજી બાજુ, ડી.વાય. ચન્દ્રચૂડે દિલ્હીમાં મને માફક આવે એવું ઘર મળતું નથી એવો ખુલાસા કરીને કહ્યું હતું કે મારી બે દીકરીઓ - પ્રિયંકા અને માહી - મેલાઇન માયોપથી નામના ન્યરોમસ્ક્યુલર ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. આ અપંગ દીકરીઓની વ્યવસ્થિત સારવાર થઇ શકે એવી કોઇ જગ્યા હું શોધી રહ્યો છું, પરંતુ મને તે મળતી નથી એટલે મેં સરકારી બંગલો હજુ સુધી ખાલી કર્યો નથી.

ભૂતપૂર્વ ચીફ જસ્ટીસની વાત, અલબત્ત, સાચી અને કરૂણા ઉપજે એવી છે. છતાંય સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઇ રહી છે. લોકો કહે છે કે નિવૃત્તિના છ મહિના પહેલાં ઘર શોધી રાખવું જોઇએ. એક્સટેન્શન નથી મળવાનું તેની ખબર હોવા છતાં ઘર આગોતરું કેમ ન શોધી લીધું? કેટલાકે લખ્યું: હવે ખબર પડીને કે લોકોનાં ઘરો બુલડોઝર ફેરવ્યાં પછી તેમાં રહેતા લોકો ક્યાં અને કેવી રીતે રહેતા હશે? અદાલત સત્તાધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપે છે. સત્તાધારીઓ આખરી નોટીસ આપીને બુલડોઝર ફેરવી દે છે. આવી સ્થિતિમાં લોકો ઘરવિહોણા બની જાય છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓની સ્થિતિ કફોડી બની જાય છે.

સુપ્રીમ કોર્ટની વહિવટી ઓફિસે કેન્દ્ર સરકારને લખ્યું છે કે ચીફ જસ્ટીસનો બંગલો ખાલી કરાવીને કોર્ટના હાઉસીંગ ડિપાર્ટમેન્ટને જાણ કરવી કે જેથી અન્ય કાર્યવાહી કરી શકાય. કાયદા અનુસાર ૧૦ નવેમ્બરે, ૨૦૨૪ના રોજ નિવૃત્ત થયેલા  ચીફ જસ્ટીસે છ મહિનામાં પોતાનું નિવાસસ્થાન પાછું આપી દેવાનું હતું. છને બદલે આઠ મહિના થઇ ગયા છે છતાં ચન્દ્રચૂડ સાહેબે બંગલો ખાલી કર્યો નથી. 

વિવાદ થયો અટલે ખુદ ચન્દ્રચૂડ આગળ આવ્યા હતા અને કહ્યું હતું કે  બંગલો ખાલી ન કરવાનો મારો કોઈ ઇરાદો નથી, પરંતુ મારી બે દીકરીઓને સવલત રહે તેનું મકાન મને મળતું નથી.  ચન્દ્રચૂડનો ખુલાસો સંવેદનશીલ છે, પણ ટીકાકારો તેમને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.

રેખા ગુપ્તાનો કેસ રાજકારણીઓની તાસીર દર્શાવે છે. કોમન મેન વિચારે છે કે મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિ શું પોતાના પોતાના સરકારી ઘરનું રીપેરીંગ પોતાના ખર્ચે ના કરાવી શકે? કાયદો તો એવો હોવો જોઇએ કે જે મુખ્યપ્રધાન બંગલો છોડે તેની પાસે રિનોવેશનનો ખર્ચ વસૂલ કરવો. રેખા ગુપ્તા ધારત તો પોતાના ખર્ચે રીપેરીંગ યા રિનોવેશન કરાવીને ઉત્તમ દાખલો બેસાડી શક્યાં હોત, પરંતુ હવે તેમની તુલના કેજરીવાલ જેવા ભ્રષ્ટ રાજકારણીઓની સાથે થઈ રહી છે.  

રેખા ગુપ્તાને જનતાનો મૂડ પારખીને વિવાદ લાંબો ખેંચાય તે પહેલાં ટેન્ડર પાછું ખેંચાવી લીધું, પણ તોય તેમની 'ભૂલ'થી ઊભો થેયેલો વિવાદ તેમનો પીછો છોડતો નથી.

ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ચન્દ્રચૂડે યુદ્ધના ધોરણે નવું ઘર શોધવું જોઇએ, કેમ કે સવાલ માત્ર ટીકાકારોની આક્ષેપબાજી કે ઇમેજનો નથી, પણ કાયદાપાલનનો છે. રેખા ગપ્તાએ મામલો બિચકતો અટકાવી દીધો છે. હવે સૌની નજર ચન્દ્રચૂડ ક્યારે બંગલો ખાલી કરે છે, તેના પર છે.