Get The App

ઇન્ડિગોની હોળીનું નાળિયેર કોની તરફ? ડીજીસીએ સોફ્ટ ટાર્ગેટ છે

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગોની હોળીનું નાળિયેર કોની તરફ? ડીજીસીએ સોફ્ટ ટાર્ગેટ છે 1 - image

- ઇન્ડિગોના સ્ટાફને મેનેજમેન્ટ પ્રત્યે તીવ્ર અસંતોષ હતો 

- પ્રસંગપટ

- વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર ધરાવતું ભારત એવિયેશન  ક્ષેત્રની વહિવટી ગરબડને લીધે બદનામ થયું

સરકાર સામે અચાનક આવી પડેલી આપત્તિનું બીજું નામ ઇન્ડિગો છે.  ભારતને બદનામી અપાવનાર ઇન્ડિગોના વિવાદને ઠંંડો પાડવા સરકાર મથી રહી છે.  ઇન્ડિગોની હોળીનું નાળીયેર કોની તરફ ફેંકવું તે વિચારાઇ રહ્યું છે. આ તબક્કે સૌથી સોફટ ટાર્ગેટ ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન) દેખાઇ રહ્યું છે. તેમાંથી કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવશે અને કેટલાકની બદલી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. 

ઇન્ડિગોની મનમાનીના કારણે હજારો પ્રવાસીઓ અટવાયા અને વિશ્વ સ્તરે ભારતની બદનામી થઈ. ભારત ચોથા નંબરનું અર્થતંત્ર હોવા છતાં એવિયેશન જેવા મહત્ત્વના ક્ષેત્રના વહિવટી લોચા બહાર આવ્યા છે. 

દેશભરમાં ઇન્ડિગોની રદ કરાયેલી  ફ્લાઇટોની સૈાથી વધુ અસર દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર વર્તાઇ હતી. અલબત્ત, હેરાન પરેશાન તો દેશભરના વિમાન પ્રવાસીઓ થયા હતા. ઇન્ડિગોને કેન્સલ કરાયેલી ફ્લાઇટની બુકીંગના પૈસા પરત આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો. લોકોને પૈસા પરત મળી રહ્યા છે, પરંતુ એમણે સહેલી હાલાકીનું  શું? 

ભારતમાં હવે કોમનમેન પણ વિમાનમાં અવરજવર કરતો થયો છે. ઇન્ડિગોના ફ્લાઇટ કેન્સલેશનને સ્ટેટ ટ્રાન્સપોર્ટની કેન્સલ થતી બસો સાથે સરખાવી શકાય. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરાનાં એરપોર્ટની ભીડ ક્યારેક એસટી બસસ્ટેન્ડની ભીડને ટક્કર મારતી હોય છે. 

હવે લોકોને ખબર પડી છે કે એસટી બસ કેન્સલ થાય કે ફ્લાઇટ કેન્સલ થાય -  પ્રવાસીઓને પડતી હાલાકીમાં બહુ ઝાઝો ફર્ક હોતો નથી. બસ કેન્સલ થાય ત્યારે પ્રવાસીઓ પાસે પ્રાઇવેટ વાહનોનો વિકલ્પ હોય છે. આવા પ્રાઇવેટ વાહનોમાં કપચી કે રેતી ભરેલી ટ્રકો પણ આવી જાય છે.

વિમાન પ્રવાસીઓને હાલાકી શું છે તે ઇન્ડિગોએ બતાવ્યું છે. વિમાનપ્રવાસ આરામદાયક હોય છે, તો સાથે સાથે કંટાળજનક પણ હોય છે. કલાક- દોઢ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું, ફ્લાઇટો લેટ થવી, વિમાનમાં  પ્રવાસીઓના સ્ટાફ સાથે ઝગડા આ બધું હવે કાયમી બની ગયું છે. શ્રીમંત અને શિક્ષિત લાગતા લોકો પણ નાની નાની વાતમાં ક્રૂ મેમ્બરો સાથે ઝગડી પડતા હોય છે. પ્રવાસીઓ વચ્ચે બથ્થંબથ્થા થઈ જતા હોય છે. આવા મારામારી કરી રહેલા પ્રવાસીઓને છોડાવવાને બદલે કેટલાક ઉત્સાહી સહપ્રવાસીઓ મોબાઇલ ધરીને વીડિયો ઉતારતા હોય છે. 

ડીજીસીએની કામગીરીને શંકાની નજરે જોવાઇ રહી છે. તેના સભ્યો સામે પણ પગલાં લેવાવાં જોઇએ, કેમ કે તેમને પાયલોટોની સમસ્યાની ખબર હોવા છતાં તેમણે ઇન્ડિગોના સંચાલકો પર સમસ્યાનું  નિવારણ લાવવાનું દબાણ નહોતું કર્યું.  

સમસ્યા ઊભી થાય કે તરત જ તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાના બદલે વાતને ટલ્લે ચઢાવી દેવાની અધિકારીઓની નીતિને કારણે ઇન્ડિગો જેવી કંપનીઓ ફાવી જાય છે. આંતરિક વર્તુળો કહે છે કે વિમાન કંપનીઓ ડીજીસીએ પર પ્રભુત્વ જમાવે છે. ડીજીસીએના અધિકારીઓએ પાઇલોટોની ફરિયાદોનું સમાધાન શોધવાને બદલે ફરિયાદો કંપનીના સાહેબોને ફોરવર્ડ કરી દીધી હતી.

પાઇલોટોને અઠવાડિયામાં ક્યારેક એક રજા સુધ્ધાં ન આપવી અને તેમની ક્ષમતા કરતાં વધારે કામ લેવું જાણે કે ઇન્ડિગોમાં સામાન્ય બાબત બની ગઈ હતી.   

ઇન્ડિગોના એક સ્ટાફ મેમ્બરે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઈ રહ્યો છે. તેમાં કેવી રીતે દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન કંપની પડી ભાંગી તે વિશેની વાતો છે. સેંકડો ફ્લાઇટ કેન્સલ કરવાની ઘટના કંઇ રાતોરાત બનતી નથી. આ બ્રેકડાઉન પાછળનું એક મહત્ત્વનું કારણ સ્ટાફમાં ઊભી થયેલી નફરત પણ છે. પત્રમાં લખ્યું છે કે એવિયેશન ફિલ્ડમાં ઇન્ડિગોનું નામ છે, પણ તેની પાછળ સ્ટાફનો પરસેવો છે. ઇન્ડિગોનું મેનેજમેન્ટ સ્ટાફની કદર કરવામાં નબળી પૂરવાઈ થઈ છે.

પાઇલોટોને આરામ માટે પૂરતો સમય માગતા હતા. ગ્રાઉન્ડ સ્ટાફ અને એન્જિનીયરોને પગારના મામલામાં ભારે અસંતોષ હતો. ઇન્ડિગોએ પાયાની સમસ્યાઓેની અવગણના કરી. તેનું પરિણામ કંપની, સરકાર અને પ્રવાસીઓ સૌએ ભોગવવું પડયું.