Get The App

ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે સ્વદેશી ઉત્પાદન વધારવું જરૂરી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે સ્વદેશી ઉત્પાદન વધારવું જરૂરી 1 - image

- પ્રસંગપટ

- ભારતીય ખાતર ઉદ્યોગ વૈશ્વિક ઘટનાઓથી મુક્ત નથી

- ખાતર બજાર ૨૦૨૫-૨૦૩૩ દરમિયાન ૪ %ના સંકલિત વાષક વૃદ્ધિ દરે વિકાસ કરીને ૨૦૩૩માં રૂા. ૧.૪૦ લાખ કરોડ સુધી પહોંચશે

કોઈ પણ દેશમાં કૃષિ માટે ખાતર અવિભાજ્ય અંગ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખાતરનું મહત્ત્વ સૌ જાણે છે, છતાં એને લગતા કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવી આવશ્યક છે.  ભારત વિશ્વમાં ખાતરનો બીજો સૌથી મોટો વપરાશકાર અને ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશનો આયાત પરની નિર્ભરતામાંથી યુરિયા ઉત્પાદનમાં લગભગ આત્મનિર્ભરતા હાંસલ કરવા સુધીનો પ્રવાસ નોંધપાત્ર રહ્યો છે. છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો ખાતર ઉદ્યોગ વધતી માગ, વ્યૂહાત્મક સરકારી હસ્તક્ષેપ અને વૈશ્વિક નિર્ભરતાના સતત પડકારો સામે ઝીંક લેતો જોવા મળે છે.

૨૦૨૧-૨૨થી ૨૦૨૩-૨૪નો સમયગાળો ભારતીય ખાતર ઉદ્યોગ માટે નિર્ણાયક રહ્યો છે.ભારતમાં ખાતરનો કુલ વાષક વપરાશ ૨૦૨૩-૨૪માં આશરે ૬૦૧ લાખ મેટ્રિક ટનસુધી પહોંચ્યો છે. એની સામે સ્થાનિક સ્તરે ખાતરના ઉત્પાદનમાં પ્રશંસનીય વધારો જોવા મળ્યો છે. ૨૦૧૪-૧૫માં ૩૮૫.૩૯ લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું, જે વધીને ૨૦૨૩-૨૪માં ૫૦૩.૩૫ લાખ મેટ્રિક ટન સુધી થયું હતું. સરકારે પણ આ વૃદ્ધિ કરવા માટેનું પીઠબળ પૂરું પાડયું છે. 

યુરિયા ભારતના ખાતર ઉદ્યોગમાં મુખ્ય આધારસ્તંભ બની રહ્યું છે. એ વપરાશનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૩૧૪ લાખ મેટ્રિક ટન કરતાં વધુ યુરિયાનું ઉત્પાદન કર્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ સ્થાનિક ઉત્પાદન હતું. આનો અર્થ એ છે કે લગભગ ૮૭ ટકા યુરિયાની માગ સ્થાનિક સ્તરે પૂરી થાય છે. આમ, આત્મનિર્ભરતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે. છેલ્લાં છ વર્ષમાં દેશમાંછ નવા યુરિયા પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનાથી સ્થાનિક યુરિયા ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર ૭૬.૨ લાખ મેટ્રિક ટનનો ઉમેરો થયો છે. ખાસ કરીને, રામાગુંડમ અને ગોરખપુર યુનિટ્સ ૨૦૨૧માં કાર્યરત થયા.ત્યારબાદ ૨૦૨૨માં બરૌની અને સિંદરી કાર્યરત થયા.

યુરિયા ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ છે, જ્યારે ફોસ્ફેટિક (ડીએપી - ડાયઅમોનિયમ ફોસ્ફેટ) અને પોટાશિક (એમઓપી - મ્યુરિયેટ ઓફ પોટાશ) ખાતરો માટે પરિસ્થિતિ અલગ છે. આ પોષક તત્ત્વો માટે ભારતની આયાત પરની નિર્ભરતા સ્પષ્ટ છે. ડીએપીના વપરાશનો માત્ર ૪૦ ટકા હિસ્સો સ્થાનિક ઉત્પાદનમાંથી આવે છે, અને ૧૦૦ ટકા એમઓપી હજુ પણ આયાત કરવામાં આવે છે. ૨૦૨૩-૨૪માંભારતે ૭૦.૪૨ લાખ મેટ્રિક ટનયુરિયા સહિત કુલ ૧૦૬.૫૩ લાખ મેટ્રિક ટનખાતરોની આયાત કરી હતી.

ખાતર ક્ષેત્રમાં સરકારની ભૂમિકા સર્વોપરી છે, મુખ્યત્વે તેની વ્યાપક સબસિડી પદ્ધતિ દ્વારા ઉદ્યોગને ટેકો મળ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એ માટે સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે. 

ખાતર સબસિડીનો બોજ સરકાર પર નોંધપાત્ર રહ્યો છે, ખાસ કરીને તાજેતરના વર્ષોમાં વૈશ્વિક ભાવની અસ્થિરતાને કારણે એ જરૂરી બન્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માંરૂ।. ૧,૫૭,૬૪૦.૧ કરોડ, ૨૦૨૨-૨૩માંરૂ।. ૨,૫૪,૭૯૮.૯ કરોડ અને ૨૦૨૩-૨૪માંરૂ।. ૧,૯૫,૪૨૦.૫૧ કરોડની સબસિડી આપવામાં આવી હતી. ભારતીય ખાતર ઉદ્યોગ વૈશ્વિક ઘટનાઓથી મુક્ત નથી. ઉદાહરણ તરીકે, રશિયા-યુક્રેન સંઘર્ષને લીધે ૨૦૨૨ અને ૨૦૨૩માં વૈશ્વિક ખાતરના ભાવ અને પુરવઠા પર નોંધપાત્ર રીતે અસર થઈ હતી. ૨૦૨૩ અને ૨૦૨૪ની શરૂઆતમાં વૈશ્વિક ખાતર બજારોમાં થોડી સ્થિરતા આવી હતી. ભારતીય ખાતર બજાર ૨૦૨૫-૨૦૩૩ દરમિયાન ૪ ટકાના સંકલિત વાષક વૃદ્ધિ દરે વિકાસ કરીને ૨૦૩૩માંરૂ।. ૧.૪૦ ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. દેશમાં અનાજની માગ વધી રહી છે ત્યારે ખાતરના પૂરતા પુરવઠા ઉપરાંત પ્રિસિઝન ફામગ અને ડ્રોન જેવી ટેક્નિકનો ઉપયોગ કરવાની જરૂર રહેશે. ભારતે સ્થાનિક યુરિયા ઉત્પાદનમાં પ્રશંસનીય પ્રગતિ કરી છે, પણ પોટાશિક અને ફોસ્ફેટિક ખાતરના પુરવઠા માટે અલગ સ્થળો નક્કી કરવાની જરૂર છે. આ સાથે જ વૈશ્વિક સ્તરે ખાતરના સ્થિર ભાવ મળી રહે એ અગત્યનું છે.