- સામાન્ય ફોલ્ટ માટે અઠવાડિયા સુધી વેઇટીંગ
- પ્રસંગપટ
- આઇસીઇ વ્હીકલ માટે ક્લેમ કેટલાક કલાકમાં જ મૂકવો પડે છે પરંતુ ઇવી વ્હીકલ માટે તે શક્ય નથી બનતું..
ઇલેકટ્રીક વ્હીકલની બોલબાલા વધી રહી છે. પરંતુ પડદા પાછળની કેટલીક હકીકતો પર ઉત્પાદકો અને ડીલરો મૌન રાખીને બેઠા છે. ઇવીના ઉપયોગથી આર્થિક બચત થાય છે તેમ સમજીને લોકો તે તરફ વળ્યા છે પરંતુ તેની ફોલોઅપ સવલતોના ધાંધીયા જોવા મળે છે. પોતાના ઇવી ટુ વ્હીલર સૌથી વધુ વેચાતા હોવાનો દાવો કરતી કંપનીઓ ગ્રાહકોને સવલતો આપવામાં ધાંધીયા કરતી જોવા મળે છે.
એક તરફ ફોર વ્હીલર ઇવી વાળા ચાર્જીંગની સમસ્યાથી પીડાય છે તેા ટુ વ્હીલરવાળા સર્વિસ સમયસર થતી નથી તે સમસ્યાથી પીડાય છે. સૌથી વધુ ટુ વ્હીલર ઇવી વેચતી કંપનીઓમાં સર્વિસ સ્ટેશનો પર તાત્કાલીક કોઇ કામ થતા નથી. દરેક અઠવાડીયા પછીની તારીખ આપે છે. ઇવી ટુ વ્હીલર ચાલકને જ્યારે ઇમર્જન્સીમાં રીપેરીંગની જરૂર પડે છે ત્યારે અઠવાડીયું રાહ જોઇને બેસી રહેવું પડે છે.
સોશ્યલ નેટવર્ક પર એક ઇવી ફોર વ્હીલરના વપરાશકારે લખ્યું છે કે મેં ગયા વર્ષે ઇવી ફોર વ્હીલર મારા આત્મ ગૌરવ માટે ખરીદ્યું હતું. હું પર્યાવરણની સમસ્યાને ઉકેલવામાં મદદ કરવા માંગતો હતો. પરંતુ મારી ગાડીમાં રહેલા સામાન્ય ફોલ્ટના રીપેર માટે મારે અઠવાડીયા સુધી રાહ જોવી પડી હતી. ઇવી ફોર વ્હીલર ધરાવતા અનેક લોકોને આવો અનુભવ થયેલો છે. આવા ડીલેના કારણે ઇન્સ્યોરન્સ કવર મેળવી શકાતું નથી.
ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જીન(ICEs)ના ઉપયોગથી સિસ્ટમ ઉભી કરાઇ છે પરંતુ તેની ઇકો સિસ્ટમ હજુ ઘૂંટણીયા કાઢે છે. ઇવી કારના ઉત્પાદકો હજુ ધાર્યા સર્વિસ સેન્ટરો કે તે માટેના નિષ્ણાત સ્ટાફને રોકી શક્યા નથી એમ કહી શકાય.
ઈવીની બેટરી એક એન્જીન સમાન હોય છે. તેને ખાસ વર્કશોપમાં રીપેર કરાવવી પડે છે. બહાર પ્રાઇવેટમાં કોઇ ઓટો ગેરેજમાં તેને રીપેર કરાવી શકાતી નથી. આવા વર્કશોપ બહુ ઓછા હોઇ દરેકે વેઇટીંગ લીસ્ટમાં ક્યારે નામ આવે તેની રાહ જોવી પડે છે. આઇસીઇ વેહીકલ માટે ક્લેમ કેટલાક કલાકમાંજ મુકવો પડે છે. પરંતુ ઇવી વેહીકલ માટે બેથી ત્રણ અઠવાડીયાનો ગાળો થઇ જાય છે. રીપેરીંગની ઇકો સિસ્ટમના અભાવે ક્લેમ બાબતે વિવાદ ઉભા થઇ રહ્યા છે.
તાજેતરમાં ઇવી ફોર વ્હીલર લઇને એક ભાઇ સુરત જવા નીકળ્યા હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવેના છેડે આવેલી હોટલની પાસેના પેટ્રોલ પંપની નજીક ઇલેકટ્રીક કારનું ચાર્જીંગ સ્ટેશન હતું. ત્યાં તેમની ગાડીનો ચાર્જીંગ માટે ત્રીજો નંબર હતો. તેમની ગાડી ૧૦૦ કિલોમીટર ચાલી શકાય એટલું ચાર્જીંગ ધરાવતી હતી.
ચાર્જીંગ સ્ટેશન પર જ્યારે તેમનો નંબર આવ્યો ત્યારે વિસ્તારમાં લાઇટ જતી રહી હતી. લાઇટ ક્યારે આવશે તે નક્કી નહોતું. સુરત જવા નીકળનારા બહુ પ્રેકટીકલ હતા. ફેમીલી સાથે અટવાઇ જવાના બદલે તે અમદાવાદ પરત પાછા ફર્યા હતા. તેમનો નિર્ણય આવકાર્ય હતો પરંતુ ચાર્જીંગ સ્ટેશનો ઓછા છે તે હકીકત છે એમ જાણવા મળ્યું હતું.
ડીલરો બહુ સ્માર્ટ હોય છે. તે ગ્રાહકને એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને કયા વિસ્તારમાં ચાર્જીંગ સ્ટેશનો છે તેની માહિતી આપીને છૂટી જાય છે પરંતુ એપમાં આપેલી યાદીમાંના ચાર્જીંગ સ્ટેશનો ક્યાંતો બંધ હોય છે કે અવાવરૂ જગ્યા પર હોય છે.
ભારતમાં જ્યારે ઇવીએ પ્રવેશ કર્યો ત્યારે લોકો તેને હોંશે હોંશે આવકારી હતી. ઇવી ટુુવ્હીલર માટે આસાન ચાર્જીંગ હતું અને ઘેેરબેઠા તે આસાનીથી થઇ શકતું હતું. પરંતુ ફોર વ્હીલર માટે ફાસ્ટ ચાર્જીંગ ઘેર થઇ શકતું નથી.
ઇલેકટ્રીક વ્હીકલ માટે ચાર્જીંગ સેન્ટરો ઉભા કરવા આસાન છે. સરકાર તે માટે ખાસ સવલતો પણ આપે છે. હવે જ્યારે ઇવી ફોર વ્હીલર વસાવનારાઓની સંખ્યા વધી છે ત્યારે ઇવી ઉત્પાદકોએ ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશનો તેમજ કારના રીપેરીંગ બાબતે સવલતો ઉભી કરવા પર ધ્યાન આપવું જોઇએ.


