- જયપુર હોસ્પિટલની આગે તંત્રની પોલ ખોલી નાખી
- પ્રસંગપટ
- ઝાંસી જીલ્લાની એક હોસ્પિટલના નીયોનેટલ વોર્ડનું દ્રશ્ય તો અત્યંત ખોફનાક હતું: 18 નવજાત શિશુ ભડથું થયાં હતાં
ઇલેક્ટ્રિક વાયરીંગના મામલામાં હવે તો એવું આધુનિકીકરણ થઈ ગયું છે કે શોટ સર્કીટને અવકાશ ન રહે. આખી સિસ્ટમને એ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે કે સામાન્ય ફોલ્ટમાં પણ સ્વિચ ઓફ થઇ જાય ને કોઇને નુક્શાન ન થાય... પણ જયપુરની સવાઇ માનસિંહ (એસએમએસ) ગર્વમેન્ટ હોસ્પિટલની આગે વહીવટતંત્રની પોલ ખોલી નાખી છે. હોતી હૈ-ચલતી હૈ જેવો અભિગમ નિર્દોષ લોકોનો જીવ લઇ લેતો હોય છે.
ન્યુરો આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને માનસિક આરામ માટે ઊંઘની દવા અપાય છે. મોટા ભાગના દર્દીઓને ગ્લુકોઝ સલાઇન વગેરે ડ્રીપ મારફતે અપાય છે. કેટલાક ઓક્સિજન પર હોય છે. આવા પથારીવશ અશક્ત લોકોને તાત્કાલિક ધોરણે આગમાંથી બચાવવા મુશ્કેલ હોય છે. ગયા રવિવારે જ્યાં આગ લાગી તે જયપુરની હોસ્પિટલનો ન્યુરો આઇસીયુ વોર્ડ બીજા માળે છે, જ્યાં ૧૧ દર્દીઓ ક્રિટિકલ સપોર્ટ સિસ્ટમ પર હતા. પ્રારંભિક અહેવાલ પ્રમાણે સાત દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
સરકારી હોસ્પિટલોમાં મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના દર્દીઓ વધુ લાભ લેતા હોય છે. જોકે પ્રાઇવેટ હોસ્પિટલોના મેનેજમેન્ટ કરતાં અનેકગણો વધુ પૈસો સરકાર પાસે છે, તો પણ વહીવટી ક્ષેત્રે ધાંધીયા હોય છે. જ્યાં દુર્ઘટના ઘટી તે જયુપરની હોસ્પિટલ રાજસ્થાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ડોક્ટરનો દાવો છે કે એણે અવારનવાર હોસ્પિટલના વડાને ફરિયાદ કરી હતી કે દીવાલોમાંથી કરંટ આવે છે અને છતમાંથી પાણી લીક થઇ રહ્યું છે, પરંતુ રીપેરીંગ માટે કોઇ પગલાં લેવાયા નહોતાં. સરકારે કેટલાકની બદલી કરીને ઘટના પર લીંપણનો પ્રયાસ કર્યો છે, પરંતુ સુધારણાના પગલાં ક્યારે લેવાશે તેની કોઇને ખબર નથી. મૃતકોના પરિવારને સહાય કરવી તે એક રુટિન બની ગયું છે.
નવેમ્બર ૨૦૨૪માં ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લાની સરકારી હોસ્પિટના નીયોનેટલ વોર્ડની આગનું દ્રશ્ય તો ખોફનાક હતું. નીયોનેટલ વોર્ડમાં પ્રિમેચ્યોર એટલે કે સાતમા-આઠમા મહિનામાં જન્મેલા નવજાત શિશુઓને ઇન્ક્યુબેટર (કાચની પેટીમાં) રાખવામાં આવે છે. આગ લાગી ત્યારે નવજાત શિશુઓના વોર્ડ બહાર બેઠેલા સંબંધીઓ કાચ તોડીને અંદર ઘૂસ્યા હતા. ચારેબાજુ ધૂમાડો હતો. લોકો પેટીમાં રહેલાં બાળકોને રીતસરના ખેંચીને બહાર લાવ્યા હતા. ૪૪ નવજાત શિશુને બચાવી લેવાયા હતા, પણ ૧૮ બચ્ચાં ભડથું થઇ ગયાં હતાં. તેમના મોંઢામાંથી રડવાનો અવાજ પણ નીકળી શક્યો નહોતો.
હોસ્પિટલોમાં તકેદારી માટે કોઇ ચેકિંગ સિસ્ટમ હોય તો પણ તે અસરકારક નથી હોતી. નીયોનેટલ વોર્ડ, આઇસીયુ વોર્ડ વેગેરે ફાયરપ્રૂફ હોવા જોઇએ એવી માંગ ઉઠી છે. આઇસીયુમાં રાખેલા દર્દીના સગા-સંબંધી બહાર બેઠા બેઠા સતત ચિંતા કરતા રહે છે. ડોક્ટર રાઉન્ડમાં આવે ત્યારે જ તેમને બોલાવવામાં આવે છે. સરકારી હોસ્પિટલોમાં પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સ્વચ્છતા કે નિયમિતતા ભાગ્યે જ જોવા મળે છે. સરકારી હોસ્પિટલની તુલનામાં પ્રાઇવેટ હોસ્પિટલો મોંઘીદાટ હોય છે તો પણ લોકો ખાનગી હોસ્પિટલો વધુ પસંદ કરે છે.
હોસ્પિટલોમાં આગ લાગવાની કમકમાટીભરી ઘટના મોટાં શહેરોની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બની છે. આવી દુર્ઘટના ઘટે ત્યારે કોઇની જવાબદારી નક્કી થતી નથી અને મામલો શોટ સર્કીટ જેવી વાતમાં ખપાવી દેવામાં આવે છે. ક્યારેય કોઇ હોસ્પિટલનાં લાઇસન્સ રદ નથી થયાં કે ક્યારેય કોઇ ડોક્ટર યા તો મેનેજમેન્ટના માણસને બેદરકારી બદલ જેલની હવા ખાવા પડી નથી.
જયપુરની હોસ્પિટલમાં ભોગ બનેલા અમુક દર્દીઓના કુટુંબીઓએ કહ્યું હતું કે આગ લાગી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ભાગી ગયો હતો. આઇસીયુ વોર્ડમાં કોઇ ડોકટર હાજર નહોતો. હોસ્પિટલના ૪ આઇસીયુ વોર્ડમાં કુલ ૨૧૦ દર્દીઓ એેડમીટ હતા. દુર્ઘટના બની ત્યારે તેમની દેખરેખ માટે સ્ટાફનો એક જ માણસ હતો અને તે પણ આગ લાગી ત્યારે નાસી ગયો હતો.
સરકારે ખરેખર તો પોતાને હસ્તક હોસ્પિટલોમાં પ્રાઇવેટ હોસ્પિટલો કરતાંય વધુ સારી સવલત આપવાના પ્રયાસ કરવાનો હોય, પણ સરકાર પાસે આ દિશામાં આગળ વધવા માટે નથી સમય કે નથી ઇચ્છાશક્તિ.


