ગુગલના ટેકાથી ગ્રામ્ય સ્કૂલોના 50 લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકો AI સમર્થ બનશે
- AIને સાક્ષરતા સાથે સાંકળી લેવાનું અભિયાન
- પ્રસંગપટ
- ગામડામાં જ્યાં સાક્ષરતા અભિયાનને પણ લોકો ટેકો નથી આપતા ત્યાં AI દ્વારા સાક્ષરતાનો પ્રચાર એ મોટો પડકાર
AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને પ્રભાવ બંને સતત વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં તેના ઉપયોગને લઈને નવાં નવાં ઇનોવેશન થઈ રહ્યાં છે. ભારતમાં રોજીંદા વપરાશના ઉપકરણોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. હવે શિક્ષણ ક્ષેત્રે AIની મદદ સાથે સાક્ષરતાના પ્રચાર-પ્રસાર માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. ભારતભરમાંAI સાક્ષરતા માટેના પ્રયાસો ગુગલના સહયોગથી શરૂ થઇ રહ્યા છે તે આવકાર્ય વાત છે.
પચાસ લાખ લોકોને AI સાક્ષરતા સાથે સાંકળી લેવાની યોજના છે. AI આધારીત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે અને શાળાનાં બાળકોને ગળે ઉતરે જાય તે રીતે તેમને સમજાવવામાં આવશે. શિક્ષણના પાયા સમાન સ્કૂલના ભણતરમાં AIનું શિક્ષણ આપવું તે એક નવતર પગલું કહી શકાય. તાજેતરમાં ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં સાક્ષરતા અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. તેનું નામ AI સમર્થ આપવામાં આવ્યું છે. AI સાક્ષરતા માત્ર સ્કૂલે જતા વિદ્યાર્થીઓને જ નહીં, પણ તેમના વાલીઓ અને શિક્ષકોને પણ આપવામાં આવશે.
સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ગામડાઓ સુધી પહોંચ્યા પછી ત્યાંના વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી બાબતે જિજ્ઞાાસા ઊભી થઈ છે. સ્માર્ટફોન તેમજ ટેબલેટનો ઉપયોગ સ્કૂલોમાં વધ્યા બાદ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે AI સાક્ષરતા જરૂરી બની ગઈ છે. સમર્થનો અર્થ જ થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે માહિતગાર થવું એને સિસ્ટમ સાથે વણાઇ જઇને જે-તે વિષયમાં સમર્થ બનવું.
કેટલાક સમય પહેલાં ભારતની સ્કૂલોમાં સર્વે કરાયો હતા. સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટેકલોનોજીમાં કેટલો રસ લઇ રહ્યા છે તે જાણવાનો આ સર્વેનો આશય હતો. દેખીતું છે કે જો તેમનામાં આધુનિક ટેકનોલોજી સમજવા બાબતે રસ હોય તો આ તેમને આ વિષયની નિકટ લઈ જઈ શકાય.
AI શું છે તેની વાતો સાંભળ્યા કરવાનો કોઇ અર્થ નથી. AI ટેકનોલોજીની પ્રેક્ટિકલ સમજ મહત્ત્વની છે. એક વાત તો નક્કી છે કે ગ્રામ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને AI સાક્ષરતા અભિયાન સાથે વણી લેવાશે ત્યારે ચમત્કાર સર્જાશે. આગામી પાચ વર્ષમાં પચાસ લાખ લોકોને AI સાક્ષરતા સાથે જોડવામાં આવશે. આ અભિયાનને કારણે વર્તમાન શિક્ષણ ક્ષેત્રે ઊભી થતી અમુક સમસ્યાઓને નિવારી શકાશે તેવી અપેક્ષા છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને AI જેવા ભારેખમ વિષયનું જ્ઞાાન આપવું પડકારજનક છે, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે. AI સાક્ષરતા અભિયાનને સ્કૂલોના સિલેબસની સાથે વણી લેવામાં આવશે. AI નિષ્ણાતો કહેે છે કે જમે જેમ AI સાક્ષરતા અભિયાન આગળ વધતું જશે અને લોકોમાં ક્રમશઃ તેના વિશેની સમજણ વધતી જશે પછી તેનો ઉપયોગ પણ વધશે તેમજ નવા AI ઇનોવેશન્સ પણ થશે.
કોર્પોરેટ કંપનીઓ અને શિક્ષિત વર્ગને AIનું નોલેજ આપવું પ્રમાણમાં આસાન હોય છે, પરંતુ ગામડાંની સ્કૂલો અને શિક્ષકોને આ વિષયમાં સાક્ષર બનાવવા એ મોટા પડકાર છે. અનેક પડકારો હોવા છતાં સેન્ટ્રલ સ્કેવર ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થાએ સમર્થ પ્રોજેક્ટ હાથમાં લીધો છે.
ડિજિટલ સિસ્ટમના ઉપયોગમાં દેશમાં બે ભાગ પડયા હોય એમ લાગે છે. શેહેરોમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે, પણ ટાઉન લેવલે અને ગામડામાં તેનો ઉપયોગ સાવ ઓછો અથવા તો નહીવત્ થાય છે.
ગ્રામ્ય સ્કૂલો અને શિક્ષકોને AI સાક્ષરતા અભિયાન સાથે સક્રિય રીતે જોડવાનું આ જ કારણ છે. આ પ્રોજેેક્ટમાં જે ગ્રામ્ય સ્કૂલોને AI સાક્ષર બનાવવાની વાત છે ત્યાં સામાન્ય શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ પણ નથી. તેથી તેમને રસ જાગે તે રીતે AI સમર્થ અભિયાન શરૂ કરવું પડશે. હાલં ભારતમાં પંદર લાખ સ્કૂલો છે અને ૯૫ લાખ શિક્ષકો છે. ગામડાંમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૨૬ કરોડ ૫૦ લાખ છે. ગામડામાં જ્યાં સામાન્ય સાક્ષરતા અભિયાનને પણ લોકો અપેક્ષિત ટેકો નથી આપતા ત્યાં AI સાક્ષરતા માટે ટેકો મેળવવો એ મોટા પડકાર સમાન બની રહેવાનું છે. AI સાક્ષરતાથી ગામડામાં ડિજિટલ ટેકનોલોજીને ઉપયોગ વધશે. AI સાક્ષરતામાં ભારતના શિક્ષણ જગતને નવી દિશા બતાવી શકવાનું કૌવત છે.