Get The App

ક્રૂડના ભાવ દબાણ હેઠળઃ રશિયાથી નિકાસ ઘટી સામે અમેરિકામાં સ્ટોક તથા ઉત્પાદનમાં વૃદ્ધિ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ક્રૂડના ભાવ દબાણ હેઠળઃ રશિયાથી નિકાસ ઘટી સામે અમેરિકામાં સ્ટોક તથા ઉત્પાદનમાં વૃદ્ધિ 1 - image

- પ્રસંગપટ

- અમેરિકા દ્વારા રશિયા પર અંકુશો તાજેતરમાં વધારવામાં આવ્યા

- ઓપેકના ઉત્પાદક દેશોએ ડિસેમ્બર માટે ઉત્પાદનમાં વૃદ્ધિ કરી પરંતુ ૨૦૨૬ના આરંભમાં બ્રેક વાગશે

ક્રૂડતેલમાં ઘરઆંગણે તથા વિશ્વના બજારોમાં તાજેતરમાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ઘટયા ભાવથી જો કે ઉછાળા આવી રહ્યા હતા પરંતુ આવા ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા.  બ્રેન્ટક્રૂડના  ભાવ બેરલના નીચામાં એક તબક્કે ૬૪ ડોલરની અંદર ઉતરી ૬૩.૮૦થી ૬૩.૮૫ ડોલર સુધી જતા રહ્યા હતા. જ્યારકે યુએસ ક્રૂડના ભાવ નીચામાં બેરલના ૬૦ ડોલરની અંદર ટ્રેડ થતા પણ તાજેતરમાં જોવા મળ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં વેપાર કરાર વિષયક પોઝીટીવ સંકેતો આવ્યા છે તથા આ બન્ને દેશો વચ્ચે વેપાર વિષયક તણાવ પણ હળવો થતાં ક્રૂડતેલના ભાવમાં નીચા ભાવથી તાજેતરમાં ધીમો ઉછાળો આવ્યો હતો પરંતુ આવી ધીમી ભાવ વૃદ્ધી અલ્પજીવી નિવડતાં બજાર ભાવ ફરી નીચા ઉતરતા દેખાયા હતા. અમેરિકા દ્વારા રશિયા પર અંકુશો તાજેતરમાં વધારવામાં આવ્યા હતા તથા તેના પગલે વિશ્વ બજારમાં રશિયાથી આવતા ક્રૂડ તેલનો પુરવઠો પણ ઘટયાના સમાચાર મળ્યા હતા. આમ છતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ જોવા મળી છે અને આ માટે ધીમી પડેલી માગને જવાબદાર ગણાવાઈ રહી હોવાનું વિશ્વ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આ તરફ અમેરિકન  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ અમેરિકામાં તાજેતરમાં ક્રૂડતેલના સ્ટોકમાં આશરે ૬૪થી ૬૫ લાખ બેરલ્સની વૃદ્ધી થઈ છે. આની અસર પણ ક્રૂડતેલના વૈશ્વિક ભાવ પર જોવા મળી હતી. દરમિયાન, અમેરિકામાં સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વમાં તાજેતરમાં પાંચ લાખ બેરલ્સની વૃદ્ધી થઈ હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના સૂત્રોએ જણાવ્યું હતું. આવું રિઝર્વ ત્યાં વધી હવે ૪૦૯૬ લાખ બેરલ્સ થઈ ગયાના સમાચાર આવ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનું દૈનિક ઉત્પાદન તાજેતરમાં વધી ૧૩૬થી ૧૩૭ લાખ બેરલ્સનાં મથાળે પહોંચ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. આવું દૈનિક ઉત્પાદન ત્યાં આ વર્ષના આરંભમાં જેટલું હતું તેની સરખામણીએ હવે દૈનિક ૧ લાખ ૯ હજાર બેરલ્સ જેટલું વધ્યું હોવાનું તથા હવે આવું દૈનિક ઉત્પાદન વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં તેના કારણે પણ ક્રૂડતેલના ભાવમાં તાજેતરમાં પીછેહટ દેખાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી પાર કરી તાજેતરમાં ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં વ્યાજના દરમાં ઘટાડો કરાયા પછી હવે આગળ ઉપર ત્યાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કદાચ કરાશે નહિં એવા સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી ગયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોના સંહઠન ઓપેક દ્વારા આ વર્ષે એપ્રીલ મહિનાથી ઉત્પાદન કાપના બદલે ઉત્પાદન વધારવાની શરૂઆત કરવામાં આવી હતી અને હવે ૨૦૨૬ના નવા વર્ષમાં ઓેપેક દ્વારા જાન્યુઆરીથી શરૂ થનારા ત્રણ મહિનાના ગાળામાં આવી ઉત્પાદન વૃદ્ધીને બ્રેક લગાવવામાં આવશે એવું ઓપેકના સૂત્રોએ જણાવ્યું હતું. બેન્ક ઓફ અમેરિકાના જણાવ્યા મુજબ જો ઓપેક દ્વારા આવી ઉત્પાદન વૃદ્ધી ચાલુરાખવામાં આવી હોત તો ક્રૂડતેલના ભાવ ગબડી બેરલના ૫૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. જો કે ઓપેક દ્વારા ડિસેમ્બર મહિના માટે ઉત્પાદન વૃદ્ધી આગળ વધારવામાં આવ્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા.  દરમિયાન, અમેરિકા દ્વારા રશિયા પરક અંકુશો વધારાતાં તથા યુક્રેન દ્વારા રશિયા પર હુમલાઓ વધારવામાં આવતાં  રશિયાથીી દરિયાઈ માર્ગે થતી ક્રૂડતેલની નિકાસ તાજેતરમાં ઘટી જાન્યુઆરી ૨૦૨૪ પછીની નવી નીચી સપાટીએ  ઉતરી ગયાના સમાચાર પણ મળ્યા હતા.  દરમિયાન, ઓપેક દ્વારા ડિસેમ્બર માટે ક્રૂડતેલની દૈનિક ઉત્પાદન વૃદ્ધી ૧ લાખ ૩૭ હજાર બેરલ્સ કરવાનો નિર્ણય પણ તાજેતરમાં કરવામાં આવ્યો હોવાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ પૂર્વે ઓકટોબર ૨૦૨૨થી ઉત્પાદન ઘટાડવાની શરૂઆત ઓપેક દ્વારા કરવામાં આવી હતી તથા આવી ઉત્પાદન ઘટાડવાની પ્રક્રિયા ઓપેક દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રાખવામાં આવી હતી. જો કે આ ગાળા દરમિયાન અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટીના, ગુયાના, નોર્વે તથા કેેનેડા જેવા દેશોમાં ક્રૂડતેલનું ઉત્પાદન વધારવામાં આવતાં આ વર્ષે એપ્રિલ મહિનાથી ઓપેકના દેશોએ ઉત્પાદનમાં ફરી વૃદ્ધી કરવાનો નિર્ણય કર્યો હતો અને હવે ૨૦૨૬ના જાન્યુઆરી  મહિનાથી આવી ઉત્પાદન વૃદ્ધીને ફરી બ્રેક લગાડવાનો નિર્ણય ઓપેક દ્વારા કરવામાં આવ્યો હોવાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.