આઝમ, મુખ્તાર, અતીક અને એન્કાઉન્ટર યુપીની જનતાને ડરાવનારાઓમાં ફફડાટ
- પ્રસંગપટ
- મહેલ જેવા બંગલાઓ પર બુલડોઝરો ફરી રહ્યાં છે
- યોગી સરકારે પહેલી ટર્મમાં એન્કાઉન્ટરનો સિલસિલો ઊભો કર્યો હતો, તો બીજી ટર્મમાં બુલડોઝરને હાથો બનાવ્યો છે
રાજકીય પીઠબળ વિના લોકો કેટલા પાંગળા બની જાય છે તેનાં જીવત ઉદાહરણ તરીકે ઉત્તરપ્રદેશના આઝમ ખાન, અતીક અહમદ અને મુખ્તાર અંસારીનું નામ આપી શકાય છે. જેમના નામ માત્રથી ઉત્તરપ્રદેશના લોકો ધૂ્રજતા હતા તે બધાં હવે યોગી સરકારથી ભાગતા ફરે છે. તેમની સંપત્તિ અને મહેલ જેવા બંગલાઓ પર બુલડોઝરો ફરી રહ્યાં છે. જેમની સાથે ઓળખાણ રાખવા પડાપડી થતી હતી તે બધાનાં નામ અને સંપર્કો હવે લોકો પોતાના ફોેનમાંથી ડિલીટ કરી રહ્યા છે.
અંસારી, આઝમ અને અતીક એ ત્રણેય એવાં નામો છે કે જેના પડછાયા પણ ઉત્તરપ્રદેશમાં ધારે તે કરાવી શકતા હતા. સ્વર્ગનું સુખ ભોગવતા આ ત્રણેય શેતાનો માટે હવે નર્ક ભોગવવાનું આવ્યું છે. રાજકીય પક્ષોના જોરે અને વોટબેંકની આળપંપાળના કારણે આ ત્રિપુટી આખા ઉત્તરપ્રદેશમાં ત્રાસ ફેલાવતી હતી. પોલીસતંત્રને ખિસ્સામાં રાખતાં આ તત્ત્વો અન્ય અધિકારીઓને પણ જાહેરમાં તતડાવતા હતા. યોગી સરકાર ફરી વાર પાંચ વર્ષ માટે સત્તા પર આવતાં આ ગુનેગારોનો અંત સમય નજીક આવી ગયો. આ અસામાજિક તત્ત્વોનું આખું કુટુંબ દાદાગીરીના ધંધામાં ગળાડૂબ હતું. તેમને એમ હતું કે દર પાંચ વર્ષે બદલાતી રાજ્ય સરકારમાં આ વખતે ફરી અખિલેશ યાદવની સરકાર આવશે અને આપણને તાગડધિન્ના થઇ જશે, પરંતુ સમયે તેમને સાથ ન આપ્યો અને જનતાએ ફરી ભાજપની યોગી સરકાર પર પસંદગી ઉતારી.
યોગી સરકારે મેદાનમાં ઉતારેલું બુલડોઝર નામનું નવું શસ્ત્ર ઉત્તરપ્રદેશના અસામાજિક તત્ત્વો અને તેમના મળતિયાઓને ફફડાવી રહ્યું છે. આદિત્યનાથ યોગીએ પહેલી ટર્મમાં એન્કાઉન્ટરનો સિલસિલો ઊભો કર્યો હતો. તેમણે એન્કાઉન્ટ કરાવીને અનેક ગુંડાઓને ઢાળી દીધા હતા, તેમની ગેંગના સાથીઓની પાછળ પડીને તેમને અપંગ બનાવી દીધા હતા. યોગી સરકારે જેમ તેમની પહેલી ટર્મમાં એન્કાઉન્ટરને હાથો બનાવ્યેો હતો એમ બીજી ટર્મમાં બુલડોઝરને હાથો બનાવ્યો છે.
લગભગ તમામ અસામાજિક તત્ત્વો અને તેમની ગેંગના લોકો ગેરકાયદે બાંધકામ કરીને મકાનો ચણતા હતા. અખિલેશ સરકારની સાંઠગાંઠના કારણે સ્થાનિક અધિકારીઓ તેમની સામે પગલાં લઇ શકતા નહોતા. ૭૪ વર્ષના આઝમ ખાન અને તેમના પુત્રનો મતદારો પરનો પ્રભાવ આજે પણ અકબંધ છે, પરંતુ તેઓ કાયદાની ચુંગાલમાં ફસાઇ ગયા છે. તેમના ટેકેદારો તલવાર અને બંદૂકના જોરે મતદારોને ડરાવ્યા કરતા હતા, પરંતુ યોગી સરકારે આ બાપ-બેટાની જોડીને જેલમાં ધકેલી દીધી છે.
જૌહર શોધ સંસ્થાને વર્ષે ફક્ત ૧૦૦ રૂપિયાના ભાડા પર લીઝ આપેલી જમીનના જૂના સરકારી કરારને યોગી સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (સિટ)ના રિપોર્ટના આધારે કેન્સલ કર્યો છે. આ જમીન જે કામ માટે ફાળવાયેલી હતી તેના બદલે તે અન્ય કામ માટે વપરાતી હોવાના અહેવાલ સિટે તેના રિપોર્ટમાં આપ્યો હતો.
૬૦ વર્ષના અતીક એહમદ પોતાની સાથે મોટી ગેંગ રાખતો હતો. જેલમાં રહીને પણ એ બહાર લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. યોગી સરકારે તેના સાગરીતોનું નેટવર્ક પકડીને તેમને જેલમાં ધકેલી દીધા છે. જેલમાં અતીકનો પરિવાર તેને છૂટથી મળી શકતો હતો, પણ હવે તે ભાગતો ફરે છે.
૫૯ વર્ષનો મુખ્તાર અંસારી હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં છે, પરંતુ જેલમાં બેઠા-બેઠા તેણે તેની સામેના ગુનાના તાજના સાક્ષી બનેલા માણસની જાહેરમાં હત્યા કરાવી નાખી. આ હત્યાથી ભડકી ઉઠેલી યોગી સરકારે મુખ્તારના બે સાથીઓનું એન્કાઉન્ટર કરાવી નાખ્યું હતું અને અડધો ડઝન જેટલા સાગરીતોનાં મકાનો પર બુલડોઝર ફેરવી દીધાં હતાં.
યોગી સરકારનાં પગલાંથી સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ સમસમીને બેસી રહ્યા છે, પરંતુ અસામાજિક તત્ત્વોમાં વ્યાપેલા ફફડાટને જોઇને આદિત્યાનાથ યોગી વધુ ભૂરાંટા થયા છ. અસામાજિક તત્ત્વોની તોડાતી ઇમારતો જોઇને સ્થાનિક લોકોમાં યોગી સરકાર પર ભરોસો વધ્યો છે.
અસરગ્રસ્તો યોગી સરકારના બુલડોઝર એક્શન સામે કોર્ટમાં ગયા હતા, પરંતુ ગેરકાયદે ઊભી કરાયેલી ઇમારતોને તોડી પાડવાના પગલાં પર કોર્ટે કોઇ મનાઇ હુકમ નહોતો આપ્યો.