- કાયદાની નબળાઇ અને નૈતિકતાનો અભાવ
- પ્રસંગપટ
- બિહારના રાબડી દેવીએ બંડ પોકાર્યું છે કે જાવ થાય તે કરી લો હું બંગલો ખાલી નહીં કરૂં
મફતમાં મળતું કોઇ જવા દેતું નથી. ભારતના રાજકારણીઓ પાંચ વર્ર્ષ રાજ કર્યા પછી જ્યારે હારે છે ત્યારે સરકારે આપેલી બંગલા જેવી સવલતોને પોતાની માલિકીની સમજી બેસે છે.નબળા કાયદા અને સત્તાધારી પક્ષ સાથેની મિલીભગતના કારણે સરકારી બંગલો ખાલી કરવામાં આ લોકો ઠાગા ઠૈયા કરતા હોય છે. ભારતના રાજકારણમાં રાજકારણીઓ લોકોને સલાહ આપતા ફરે છે પરંતુ જ્યારે તેમને પોતાને નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે બ્હાના બાજી કરતા જોવા મળે છે.
લોકશાહીમાં સત્તાધીશોને મળતી સૌથી વધુ સવલતોના કારણે તે રાજાશાહી જીવન જીવવાની ટેવ પડી જાય છે. પક્ષ પલટા કરવા પાછળના અનેક કારણો પૈકી એક અને મહત્વનું કારણ સરકારી સવલતો ચાલુ રહ તે હોય છે. કેટલાક ને બંગલાનો મોહ હોય છે તો કેટલાકને આગળ પાછળ સિક્યોરીટી ફરે તેનો મોહ હોય છે. સત્તાની સાથે જ્યારે સરકારી બંગલો મળે ત્યારે લોકો પોતાની મનપસંદનો કલર, મનપસંદ બાથરૂમ એેસેસરીઝ, બંગલાના પડદા, સિલીંગ ફેન વગેરે બદલાવે છે.
કેટલાક પોતાની રીતે અલગ વિશાળ બંગલો ઉભો કરીને કાયમી વસવાટ મળ્યો હોય એમ તે તૈયાર કરાવે છે. જેમકે અરવિંદ કેજરીવાલ એમ માનતા હતા કે તે કાયમી સ્તરે મુખ્યપ્રધાન તરીકે રહેવાના છે અને તેમને કોઇ હરાવી શકે નહીં. જોકે ભારતના અનિશ્ચિત રાજકારણમાંથી તે ફેંકાઇ જવામાં તેમણે ઉભો કરેલો શીશ મહેલજ આડે આવ્યો હતો. કેટલાક રાજકારણીઓ ઉસ્તાદ હોય છે. સમય ગમે ત્યારે પલટાઇ શકે છે. તેમ સમજીને ભ્રષ્ટાચાર કરીને પોતાનું અલગ ફાર્મ હાઉસ ઉભું કરી દે છે.
વારંવાર રાજકારણીઓ બંગલા ખાલી નથી કરતા જેવા વિવાદ ઉભા થાય છે. તાજેતરમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ બંડ પોકાર્યું છે કે જાવ થાય તે કરી લો હું બંગલો ખાલી નહીં કરૂં. પ્રજાના મકાનો પર બુલડોઝર ફેરવનારા ક્યારેય કોઇ રાજકારણીને ધક્કા મારીને બહાર નથી કાઢતા કે ક્યારેય તેમના ઘરનો સામાન ઉંચકીને બહાર ફંગોળી નથી દેતા.
રાજકારણીઓમાં મીલીભગત હોય છે. વિવિધ રાજકીય પક્ષોના નેતા હોવા છતાં દરેક એકબીજાને સાચવતા હોય છે. કાયદો કહે છે કે સત્તા ગુમાવ્યા પછી મકાન ખાલી કરવું પડે,નૈતિકતા કહે છે કે હાર્યાના ૨૪ કલાકમાંજ સરકારી બંગલો પરત આપવો જોઇએ. જોકે ભારતના રાજકારણીઓ અને નૈતિકતાને કોઇ સીધો સબંધ નથી. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવને જ્યારે સરકારી નિવાસ ખાલી કરવાનું આવ્યું ત્યારે તેમણે બંગલામાં નખાવેલી બાથરૂમ એસેસરીઝ કાઢીને લઇ ગયા હતા. એટલેજ તેમના પર ટોટી ચોરનું લેબલ વાગ્યું હતું.
વર્તમાન મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરી કહે છેકે મારો પક્ષ મને બંગલો છોડવાનું કહેશે ત્યારે હું ૨૪ કલાકમાં તે ખાલી કરી દઇશ. જોકે રાબડી દેવી કહે છે કે હું બંગલો છોડવાની નથી. જો સરકાર બંગલો ઇચ્છેતો મને ધક્કામારીને બહાર કાઢી શકે છે. ભાજપને મુશ્કેલી એ છેકે જો રાબડી દેવીને ફાળવેલો બંગલો બળજબરી કરીને પરત લેવામાં આવે તો રાબડી દેવી તરફ સહાનુભૂતીનું મોજું ઊભું થઇ શકે છે. ભાજપ આ વિવાદથી ડરે છે.
રાબડીના પક્ષ રાષ્ટ્રીય જનતાદળે પણ કહ્યું છે કે મુખ્યપ્રધાન વિશાળ બંગલામાં રહે છે. તેમને સત્તાવાર રીતે મળે તેના કરતાં મોટો નિવાસ ફાળવવમાં આવ્યો છે. રાબડીના પક્ષે સરકારી નિવાસ કોણે ખાલી નથી કર્યા તેની યાદી બહાર પાડી છે. તે કહે છે કે કાયદા બધા માટે સરખા જોઇએ. અન્ય લોકો બંગલા ખાલી નથી કરતા તો રાબડીદેવીને શા માટે ટાર્ગેટ બનાવાય છે?
રાબડી દેવી પર ભાજપ કીન્નાખોરી રાખે છે. તેમને અને લાલુપ્રસાદ યાદવને સરકારી બંગલો ફાળવવો જોઇએ એવા રાષ્ટ્રીય જનતાદળના વળતા પ્રહાર સામે ભાજપ ચૂપ છે. બિહારમાં ભૂંડી રીતે હારેલો પક્ષ સત્તાધારી પક્ષ ભાજપને હંફાવી રહ્યો છે. કાયદાની નબળાઇ અને નૈતિકતાનો અભાવનો લાભ રાબડી દેવી ઉઠાવી રહ્યા છે. વિપક્ષ સામે પગલાં લેવામાં ભાજપ નબળું સાબિત થઇ રહ્યું છે.


