Get The App

ડિજિટલ ગુનેગારો કચરામાંથી લોકોનાં નામ-સરનામાં ને ફોન નંબર મેળવે છે

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ ગુનેગારો કચરામાંથી લોકોનાં નામ-સરનામાં ને ફોન નંબર મેળવે છે 1 - image

- વ્યક્તિગત ડેટા ફ્રોડ કરનારાઓ માટે માસ્ટર કી સમાન છે

- પ્રસંગપટ

- એેડ્રેસ લખેલાં કવર કે કાગળોને ફેંકી દેતા પહેલાં તેના પરથી તમારું એડ્રેસ અને અન્ય વિગતો દૂર કરી નાખવી 

સાયબર ક્રાઇમ કરનારાઓને તેઓ જેમને શિકાર બનાવવા માગે છે તે લોકોની પરફેક્ટ વિગતો ક્યાંથી મળી જાય છે તે બાબત એક રહસ્યમય કોયડા સમાન હતી. સાચું નામ, એડ્રેસ, ફોન નંબર, કોની સાથે છેલ્લું ડીલીંગ કર્યું વગેરે બાબતો ફોન પર જણાવીને સાયબર ક્રિમિનલો લોકોનો વિશ્વાસ જીતી લે છે અને પછી તેમને જાળમાં ફસાવી દે છે.   

ફ્રોડ કરનારાઓને પર્સનલ ડેટા ક્યાંથી મળે છે તેનો ભેદ, અલબત્ત, ઉકેલાઈ ગયો છે. જવાબ છે - ડસ્ટબિન એટલે કે કચરાટોપલી. સાયબર  ક્રિમિનલો માત્ર ઇમેલ કે ફોન નંબરનો ઉપયોગ કરે છે એવું નથી, તેઓ પરફેક્ટ એડ્રેસનો ઉપયોગ કરીને તમારા ઘર સુધી પહોંચી શકે છે. એક વાર તેમની પાસે ઘરનું સરનામું આવી જાય પછી તેઓ વિવિધ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. તેઓ મેસેજ મોકલે છે, પોલીસનો સ્વાંગ ધરીને ધમકી આપતા કૉલ કરે છે, બેંક ખાતાંની વિગતો માગે છે, તમારો રજિસ્ટર્ડ ફોન બોલી બતાવીને તમારા આધાર કાર્ડની વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે.

ડિજિટલ એરેસ્ટની વઘતી ઘટનાઓ પાછળ શિકાર બનતી વ્યક્તિનું સાચું સરનામું મોટો ભોગ ભજવે છે. તમને ફ્રોડ કૉલ મળે ત્યારે સૌથી પહેલાં તો તમને વિશ્વાસમાં લેવા તમારું આખું નામ પૂછશે. તમે નામ કહેશો એટલે એ તમારો ફોન નંબર, છેલ્લે કોની પાસેથી કુરિયર કે પાર્સલ મંગાવ્યું હતું તેની વિગતો પટ પટ કરતાં બોલવા માંડશે. આ વિગતો સાચી હોવાથી તમે જેવા સહેજ ઢીલા પડશો કે તરત ઓનલાઇન ક્રિમિનલ તમારા પર હાવી થવા માંડશે.    

ડિજિટલ એરેસ્ટની ધમકી આપતા ગુનેગારો ફોન પર ખાસ કરીને સિનિયર સિટીઝનોને વધારે ધમકાવે છે. તેઓ જાણે છે કે વડીલોને પોતાની આબરૂની વધુ પડી હોય છે. વડીલો ઇચ્છતા હોય છે કે પોતાના કારણે પોતાનાં સંતાનોને મુશ્કેલી ન પડવી જોઈએ. તેમને પોલીસ ઇન્ક્વાયરી માટે કોઈ બોલાવે તે પસંદ નથી. તેથી તેઓ ફોન પર અજાણી વ્યક્તિ સાથે નમ્ર બનીને વાત કરે છે. વડીલોની આ માનસિકતાનો પૂરેપૂરો ગેરલાભ આ સાયબર ક્રિમિનલો ઉઠાવે છે.

આજે લોકો ઓનલાઇન ઓર્ડર કરીને જાતજાતની વસ્તુઓ મગાવે છે. લોકોને કુરિયર દ્વારા અથવા ટપાલમાં બેન્ક વગેરે જેવી જેવી સંસ્થાઓ તરફથી મોકલવામાં ડોક્યુમેન્ટ્સ સહિત કંઈકેટલીય કવરો ઘરના સરનામાં પર મળે છે. લોકો કુરિયરમાં આવેલી વસ્તુઓનાં ખોખાં તેમજ ખાલી કવરો કચરામાં નાખી છે અથવા પસ્તીવાળાને આપી દે છે. આવું કરતી વખતે લોકોને કલ્પના પણ હોતી નથી કે કવર પર લખેલાં તમારાં નામ-સરનામાં અને અન્ય વિગતો ફ્રોડ કરનારાઓ સુધી પહોંચી શકે છે. 

અડધાં ફાટેલાં કવરો, ખોખાં, ઇકોમર્સ પરથી મંગાવેલી ચીજોનાં પ્લાસ્ટિકનાં આવરણો, કે જેને તમે વેસ્ટ ગણો છો, તે તમને લાખોમાં પડી શકે છે. 

કેટલાક ઘરોમાં દિવાળી કે અન્ય તહેવારોમાં સાફસૂફી થાય છે ત્યારે ઊંધું ઘાલીને તમામ પસ્તી વેચી દે છે. હોલસેલમાં પસ્તી ખરીદનારાઓ પણ એમ માને છે કે આ કાગળિયાનો પછી મશીનમાં નાખીને માવો બનાવી દેવામાં આવશે.

હકીકત જુદી છે. પસ્તીના ઢગલામાંથી મળતાં એડ્રેસ લખેલા કવરો અને ખોખાં અગલ તારવી લેવાય છે, જે પછી સાયબર ફ્રોડ કરનારાઓ સુધી પહોંચી જાય છે. 

કેટલાક લોકો જૂની ચેકબુક, બેંક ખાતાનાં સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડનાં સ્ટટેમેન્ટ વગેરેના બે-ચાર ટુકડા કરીને ફેંકી દે છે. વાસ્તવમાં તમારો એકાઉન્ટ નંબર, એડ્રેસ કે વિગતો ન દેખાય તે રીતે આ કાગળ કપાવા જોઈએ ને પછી જ કચરામાં કે પસ્તીમાં ફેંકવા જોઈએ. બિનઉપયોગી કાગળો ફાડીને ફેંકી દેવા એ કંઈ ગંભીર ગુનો નથી, પણ આ ફાટેલા કાગળ ફાઈનાન્શિયલ ફ્રોડ કરનારા માટે લાખોે રૂપિયા કમાવવાની ચાવી બની જાય છે.

મોટી ઓફિસોમાં નામ-સરનામાંવાળાં કવર તેમજ અન્ય નકામા કાગળની નાની નાની કરચો કરી નાખતાં મશીનનો ઉપયોગ થતો હોય છે. તેથી આ કશીય મહત્ત્વની વિગતો છતી કરી દેતો કચરો ખોટી વ્યક્તિના કોઇના હાથમાં જઈ શકતો નથી.

અમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીમાંથી જે બોક્સમાં માલસામાનની ડિલીવરી થઈ હોય તેના પર શિપિંગ લેબલ લગાવેલું હોય છે, જેમાં ખરીદનારનાં નામ-સરનામાં ઉપરાંત ફોન નંબર પણ ટાઇપ થયેલાં હોય છે. સાયબર પોલીસ તેને સેન્સિટીવ ડેટા કહે છે. આવા સેન્સિટીવ ડેટા મળે એટલે સાયબર ક્રિમિનલ્સના હાથમાં જાણે કે માસ્ટર કી આવી જાય છે.

જરા જુઓ કે જે કવર, ખોખાં કે અન્ય કાગળિયાને તમે ફાડીને, ડૂચો વાળીને કે એમ જ કચરાટોપલીમાં યા તો પસ્તીમાં પધવાવો છે તેના પર તમારું નામ-સરનામું-ફોન નંબર વાંચી શકાય એવી હાલતમાં તો નથીને? એેડ્રેસ લખેલાં સ્ટીકરો કાઢી નાખો અથવા તેને પેનથી છેકી કાઢો અને પછી જ તને કચરામાં ફેંકો.