Get The App

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ખલનાયક સાબિત થઇ રહ્યા છે

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી સંસ્થાકીય રોકાણકારો ખલનાયક સાબિત થઇ રહ્યા છે 1 - image

- વૈશ્વિક હાશકારો 24 કલાકમાં જ ઓલવાઇ ગયો 

- પ્રસંગપટ

- યુદ્ધવિરામની નહિવત્ અસર, ઇઝરાયલે હુમલા ચાલુ રાખ્યાઃ શેરબજારના ત્વરિત પ્રત્યાઘાત

યુદ્ધવિરામની અસર શેરબજાર પર પહેલા દિવસે પોઝિટીવ જોવા મળી હતી.  બુધવારે ઉછળેલા સેન્સેક્સનો ગુરૂવારે ધબડકો થઈ ગયો હતો. ગઇ કાલે ડાઉ જોન્સને  જોયા બાદ એમ મનાતું હતું કે ગુરૂવારે સેન્સેક્સમાં ફરી ઉછાળો જોવા મળશે, પરંતુ બજારના મોટા ભાગના નિષ્ણાતો ખોટા પડયા હતા. વૌશ્વિક હાશકારો ૨૪ કલાકમાં જ ઓલવાઈ ગયો, કેમ કે ઇઝરાયલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા.

ભારતીય શેરબજાર વૈશ્વિક સંકેતોના નબળાઈને કારણે ઘટી રહ્યું છે, એવું શેરબજારના  નિષ્ણાતો માની રહ્યા છે. તેમના કહેવા મુજબ, બુધવારે ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા તાજા હુમલાઓને કારણે વૈશ્વિક બજારની ચિંંતામાં વધારો થયો છે. યુએસ-ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામની આશા અને સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝના પુનઃ ખુલ્લા થવાની શક્યતાઓને ઝટકો લાગ્યો છે.

આ ઉપરાંત, નિષ્ણાતોએ કહ્યું કે બે અઠવાડિયાંનો યુદ્ધવિરામ વૈશ્વિક અર્થતંત્રને થયેલા આર્થિક નુકસાનને ઓછું કરવા માટે પૂરતો નથી. તેમણે ઉમેર્યું કે મોંઘવારીનો ભય યથાવત છે, કારણ કે મધ્ય-પૂર્વમાં તેલની માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનને કારણે તેલ અને ગેસની સપ્લાય મોટી ચિંતા બની રહેશે.

ઇરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ઇરાનના હોર્મુઝની ખાડી પરના કબજાને કારણે ભારતનું અર્થતંત્ર ડામાડોળ થવા જઇ રહ્યું હતું. રાંધણ ગેસની લાંબી લાઇનોએ લોકોને ત્રાહિમામ્ કરી મુક્યા હતા.

એક તરફ અમેરિકાની ભયાનક હુમલાની ચેતવણી ચાલુ, જ્યારે બીજી તરફ હોર્મુઝની ખાડીમાં અટવાઈ પડેલો ભારતનો સપ્લાય. યુદ્ધવિરામ જાહેર થયું છે, પરંતુ તેની અસરો હજુ વર્તાઈ નથી કેમ કે યુદ્ધવિરામની શરતોથી  સંલગ્ન દેશો અસંતુષ્ટ છે. 

ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોએ એક જ દિવસમાં આશરે રૃા. ૦.૯૦ લાખ કરોડ ગુમાવ્યા. બજારના નિષ્ણાતોએ આ ઘટાડા પાછળ નીચે મુજબનાં પાંચ મુખ્ય કારણો દર્શાવ્યાં છેઃ

૧. નબળા વૈશ્વિક સંકેતો

ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા તાજેતરના હુમલાઓએ મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આના કારણે એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી. જાપાનનો નિક્કી ૦.૬૫%, ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ ૧%, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧.૫૦% જેટલો ઘટયો. વૈશ્વિક બજારના આ નકારાત્મક સેન્ટિમેન્ટની સીધી અસર ભારતીય બજાર પર પડી.

૨. મોંઘવારીનો ડર

નિષ્ણાતો માને છે કે જો બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામ થાય તો પણ મોંઘવારીનો ખતરો ટળ્યો નથી. યુએસ-ઈરાન વચ્ચેની મંત્રણામાં કોઈ ચોક્કસ ઉકેલ ન આવે ત્યાં સુધી અનિશ્ચિતતા રહેશે. ક્રૂડ ઓઈલના પુરવઠામાં અવરોધ અને વધતા ભાવને કારણે રોકાણકારોમાં મોંઘવારી વધવાનો ડર છે. તેથી  નિફ્ટીની ૨૩,૮૦૦થી ૨૪,૦૦૦ની રેન્જમાં તેઓ નફો વસૂલ (Profit Booking) કરી રહ્યા છે.

૩. ઔદ્યોગિક માંગમાં ઘટાડો

ભારત ગેસના સપ્લાય માટે કતર જેવા મધ્ય પૂર્વીય દેશો પર નિર્ભર છે. યુએસ-ઈરાન યુદ્ધ દરમિયાન તેલ અને ગેસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનને કારણે ગેસની કટોકટી સર્જાઈ શકે છે. ગેસની અછત ઔદ્યોગિક ઉત્પાદનને અસર કરશે, જેનાથી દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાની આશંકા છે.

૪. હોર્મુઝની સામુદ્રધુની અંગે ચિંતા

હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનનું સંપૂર્ણ નિયંત્રણ રહેવાની રહે તેવી શક્યતા છે. આ જળમાર્ગ વેપાર માટે અત્યંત મહત્ત્વનો છે. જો ઈરાન આ માર્ગ પર નિયંત્રણ મેળવે, તો તે ભવિષ્યમાં નવા જિઓપોલિટિકલ તણાવનું કારણ બની શકે છે. સપ્લાય ચેઈન માટે આ જોખમી સ્થિતિ છે.

૫. FII દ્વારા સતત વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારતીય રોકડ બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. જોકે સ્થાનિક રોકાણકારો (DIIs) ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ FIIs  સતત વેચવાલી અને સાવચેતીભર્યા વલણને કારણે બજાર પર દબાણ જળવાઈ રહ્યું છે.