- સીપીઆઇ (એમ)ના નવા જનરલ સેક્રેટરી એમ.એ. બેબી
- પ્રસંગપટ
- આ ડાબેરી પક્ષની તાજેતરની પાંચ-દિવસીય રાષ્ટ્રીય બેઠક પર લોકોનું ધ્યાન ખાસ ગયું નથી
દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર આજે સૌની નજર છ, પરંતુ તમિળનાડુના મદુરાઇમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) અથવા સીપીઆઇ(એમ)ની ૨૪મી રાષ્ટ્રીય બેઠકનું હજુ ત્રણ દિવસ અગાઉ, ૭ એપ્રિલે સમાપન થયું તેના અહેવાલો તરફ ઝાઝા લોકોનું ધ્યાન ખેંેંચાયું નથી. પાંચ દિવસના આ સેશનમાં દેશભરમાંથી હજારો કાર્યકરો આવ્યા હતા.
અધિવેશનમાં નવી સેન્ટ્રલ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં નવા જનરલ સેક્રેટરી તરીકે સિતારામ યેચુરીની જગ્યાએ એમ.એ. બેબીની નિમણૂક કરવામાં આવી હતી. પક્ષની નિર્ણાયક બોડીમાંજે મહત્ત્વનું અને ચર્ચાસ્પદ પરિવર્તન કરાયું તેમાં પ્રકાશ કરાત અને બ્રિન્દા કરાતની બાદબાકી મુખ્ય છે. કરાત-યુગલ જોકે સેન્ટ્રલ કમિટીમાં આમંત્રિત સભ્ય તરીકે જોડાયેલું રહેશે. નવી જનરેશનના નેતાઓને જગ્યા આપવા બંને ખસી ગયાં તે ધ્યાનાકર્ષક બાબત છે.
ભારતના રાજકારણમાં અનેક પરિવર્તનો આવ્યાં છતાં સીપીઆઇ (એમ) પક્ષ તેની ડાબેરી વિચારધારાને વળગી રહ્યો છે. નવી ટીમ પણ આ વિચારધારાની સાથે બંાધછોડ કર્યા વગર આગળ વધવા માગે છે. નવા સેક્રેટરી એમ.એ. બેબી રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય છે અને કેરળમાં પ્રધાન રહી ચૂક્યા છે. બેબી ડાબેરી વિચારધારાના ચુસ્ત હિમાયતી છે.
બ્રિન્દા કરાત અને પ્રકાશ કરાતે કરેલી મહેનત ભૂલાય તેમ નથી. આજે બંને ૭૭ વર્ષનાં છે. આ પહેલું એવું રાજકીય યુગલ છે, જેમણે પક્ષની કામગીરી કશા વિક્ષેપ વગર ફુલ-ટાઇમ થઈ શકે તે માટે સંતાનવિહોણા રહેવાનું પસંદ કર્યું હતું. કુટુંબ વધારવા કરતાં તેમણે પોતાના પક્ષનો વ્યાપ વધારવાનું પસંદ કર્યું હતું.
ડાબેરી પક્ષોમાં આ કપલ પાવરફુલ ગણાવા લાગ્યું હતું. બ્રિન્દા કરાતનો મિજાજ એક સ્ટ્રીટ ફાઇટર જેવો હતો. તેઓ પોતાના પક્ષની વિચારધારા મહિલાઓમાં આગળ વધારતાં હતાં. ડાબેરી પોલિટ બ્યૂરોમાં એ પહેલાં એવાં મહિલા નેતા હતાં કે જેમને સાંભળવા સિનિયર નેતાઓ બેસી રહેતા. પ્રકાશ કરાત પક્ષનો વહીવટમાં ધ્યાન આપતા, જ્યારે બ્રિન્દા કરાત રોડ પરના દેખાવો અને ટેલિવિઝન સ્ટુડિઓની ડીબેટમાં વધુ દેખાતાં હતાં. યુપીએ અને ડાબેરી પક્ષ વચ્ચેના જોડાણ માટે આ યુગલ સેતુ સમાન સાબિત થયું હતું.
કટોકટીકાળમાં તેમણે લગ્ન કર્યાં હતાં. સીપીઆઇ (એમ)ની પ્રગતિમાં કરાત યુગલનો મહત્ત્વની ભૂમિકા છે. કોઇ લગ્ન વિશે પૂછતું તો બ્રિંદા કરાત કહેતાં કે અમારાં લગ્ન કરતાં દેશમાં કોઈ મોટો ઇશ્યુ છેે જ નહીં કે શું? કપાળે મોટો ચાંલ્લો, સાડી અને હાથમાં ચાંદીની બંગડીઓ બ્રિન્દા કરાતની ઓળખ બની ગઇ હતી.
ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા અન્ય બે યુગલોને પણ પક્ષ યાદ કરે છે -એ.કે. ગોપાલન અને સુશીલા તેમજ ટી.વી. થોમસ અને કે.આર. ગૌરી.
સીપીઆઇ (એમ)ના આંતરિક ડખા અવારનવાર સપાટી પર આવતા રહ્યા છે. તાજેતરમાં ડાબેરી પક્ષની કેટલીક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે સીપીઆઇ (એમ)નો મુકેશ નામનો વિધાનસભ્ય મહિલા નેતાઓને જાહેરમાં ગંદી ગાળો આપે છે. ખુદ બ્રિન્દા કરાતે તેની સામે પગલાં લેવાની માંગ કરી હતી.
૧૯૬૪માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાંથી છૂટા પડીને સીપીઆઇ (એમ)ની રચના કરવામાં આવી ત્યારે તે મતદારોમાં છવાઇ ગઇ હતી. આ પક્ષે ૩૪ વર્ષ પશ્ચિમ બંગાળમાં શાસન કર્યું છે. ઇલેક્ટોરલ બોન્ડમાં તેની આવક શૂન્ય હતી તે બહુ મહત્ત્વની વાત કહી શકાય. ૨૦૧૦માં તો ત્રણ રાજ્યોમાં તેની સરકાર હતી. હાલમાં તે બે રાજ્યમાં જોડાણવાળી સરકારમાં સામેલ છે - એક કેરળ અને બીજું તમિળનાડુ. લોકસભા અને રાજ્યસભામાં તેની બે-બે બેઠકો છે.
મદુરાઇ ખાતેની બેઠકોમાં સત્તાધારી મોદી સરકારની જોરદાર ટીકા થઈ હતી. તેને કોર્પોરેટ-કમ્યુનલ મિલીભગતવાળી સરકાર ગણાવવામાં આવી. ભારતના રાજકારણમાં ડાબેરી વિચારધારા ફેંકાઇ ગઈ છે, છતાં તેને વળગી રહીને પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ સીપીઆઇ (એમ) કરી રહ્યું છે. ભારતમાં દરેક રાજકીય પક્ષ સત્તાની દિશામાં ગતિ કરતો દેખાય છે અને તે માટે પક્ષના બંધારણમાં ફેરફાર કરે છે, જ્યારે ડાબેરી પક્ષો પોતાની નીતિઓને વળગી રહ્યા છે. તેનું પરિણામ પણ તેઓ ભોગવી રહ્યા છે.


