Get The App

સોશિયલ નેટવર્ક વિના નેપાળ ત્રસ્ત યુવાનોને શૂન્યાવકાશનો અનુભવ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ નેટવર્ક વિના નેપાળ ત્રસ્ત યુવાનોને શૂન્યાવકાશનો અનુભવ 1 - image

- પ્રસંગપટ

- નેપાળની સંસદમાં ઉગ્ર દેખાવોઃ પ્રતિબંધ ભારે પડયો

- નેપાળમાં કડક પગલાં કંપની સત્તાવાર રીતે રજીસ્ટર્ડ કરાવો, પછી જ ઓપરેટ કરો 

નેપાળની સરકારે ફેસબુક, યુટયુબ, એકસ સહિત ૨૬ મોટાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રાતોરાત બંધ કરી નાખતાં નેપાળના હજારો-લાખો નાગરિકો, ખાસ કરીને યુવાનો, શૂન્યાવકાશ અનુભવી રહ્યા છે. સરકારના આ પગલાના વિરોધમાં નેપાળની સંસદમાં ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે. સોશિયલ નેટવર્ક પર મૂકાયેલો પ્રતિબંધનો વિરોધ આટલો ઉગ્ર બની જશે એવું તો સત્તાવાળાઓએ કલ્પ્યું પણ નહોતું. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એટલાં વિરાટ બની ચૂક્યાં છે કે તેઓ નાના દેશોને ગાંઠતા નથી કે ત્યાંના કાયદા-કાનૂનની ખાસ પરવા પણ કરતા નથી. સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ્સ અબજો ડોલર કમાય છે, પરંતુ જે દેશમાં તેમના વપરાશકારો છે ત્યાં પોતાની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવતા તેમને ચૂંક આવે છે.

નેપાળની સરકારના જણાવ્યા મુજબ, બે ડઝન કરતાં વધારે સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ્સને વારંવાર નોટીસ મોકલીને જણાવાયું હતું કે તમારી કંપનીને નેપાળમાં સક્રિય રાખવી હશે તો તેનું સત્તાવાર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. આ કંપનીઓએ નેપાળ સરકારની નોટિસની અવગણના કરી. રજીસ્ટ્રેશન વગર જ બધું ચાલતું રહ્યું. અંતે કંટાળીને નેપાળ સરકારે તાત્કાલિક અસરથી ફેસબુક, યુટયુબ, એકસ સહિત ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ કરી દીધાં.

નેપાળના લગભગ ૮૦ ટકા સોશિયલ મીડિયા યુઝર્સ ફેસબુક વાપરે છે. પ્રતિબંધ અમલમાં મૂકાયો ત્યારે પહેલાં તો ઇન્ટરનેટની સ્પીડ ઓછી છે તે પ્રકારનાં કારણો અપાતાં રહ્યાં, થોડી કલાકોમાં જ હકીકત સામે આવી ગઈ.  

ભારતમાં જે એપ્લિકેશન પુનઃ એક્ટિવેટ થવાની અફવા ફેલાઈ હતી તે ે ટિકટોક એપ નેપાળમાં વાપરી શકાય છે, કેમ કે તે નેપાળમાં રજીસ્ટર્ડ છે. ટિકટોક, વાઇબર ઉપરાંત અન્ય ત્રણ પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નેપાળમાં રજીસ્ટર્ડ છે.

લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ બંધ હોવાથી નેપાળના ઉદ્યોગંધંધા, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્ર, ગૃહ ઉદ્યોગ વગેરે સાથે સંકળાયેલા લોકો પણ અકળાઇ ઉઠયા છે. ફ્રીલાન્સ કામકાજ કરનારાઓ તેમના ગ્રાહકો સાથેનો સંપર્ક કરી શકતા નથી.

 નેપાળની સરકારે સોશિયલ નેટવર્ક કંપનીઓને એમ પણ લખ્યું હતું કે નેપાળમાં તમારા એક લાયઝનિંગ અધિકારીની નિમણૂક કરો. આ મુદ્દે નેપાળની સંસદમાં એક ખરડો પણ રજૂ કરવામાં આવ્યો હતો. અલબત્ત, તેના પર હજુ ડીબેટ થવાની બાકી છે. 

કેટલાક નેપાળી સંગઠનો માને છે કે આ બિલ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારે છે. નેપાળ સરકાર માને છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લખેલી પોસ્ટ્સ લખનારની જવાબદારી નક્કી થવી જોઈએ. 

નેપાળી યુવાનો એપ્સ ઓપરેટ કરવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો ઉપયોગ કરવા ફાંફા મારી રહ્યા છે. સોશિયલ મીડિયાનું વળગણ બધા દેશોમાં છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે લોકો તેના વિના રહી શકતા નથી. નેપાળના નાગરિકોને સોશિયલ મીડિયા ઓપરેટ  કરવા માટે વીપીએનનો ઉપયોગ કરવા સામે સરકારે લોકોને ચેતવ્યા છે. તેનાથી ફ્રોડ થવાની અને માલવેરનું જોખમ ઊભું થાય છે. 

 નેપાળ પોલીસ અને સાયબર બ્યુરોએ પ્રોક્સી બ્રાઉઝર વગેરેથી ચેતતા રહેવાની જાહેરાતો શરૂ કરી છે, પણ સોશિયલ મીડિયાના વ્યસનીઓ  ગૂગલ પર 'વીપીએન ફોર નેપાળ' લખીને સર્ચ કરવામાં વ્યસ્ત છે. ગુગલ પર આ પ્રકારની સર્ચમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. 

સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ લાખો લોકોને ગૂંગળાવી શકે છેે, કેમ કે તે હવે તેમના રોજીંદા જીવનનું એક મહત્ત્વનું અંગ બની ગયું છે. નેપાળમાં ટિકટોકના યુર્ઝર્સ પુષ્કળ છે. નેપાળ સરકારની કમબખ્તી એ છે કે દેશમાં ટિકટોક પ્રતિબંધિત ન હોવાથી લોકો ટિકટોકના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ્સ શા માટે નેપાળમાં પોતાની કંપની રજીસ્ટર્ડ કરાવતાં નથી તેના વિશે કોઈ ખુલાસો થયો નથી. પ્રતિબંધ મુકાયાના ૨૪ કલાક પછી પણ કોઇ કંપનીએ નેપાળ સરકારનો સંપર્ક કર્યો નહોતો. આ પ્રતિબંધ લાંબો ચાલશે તો નેપાળમાં યુવાનો આંદોલન કરશે એમ મનાય છે. દરેક દેશે સોશિયલ મીડિયાના વળગણ સામે વિચારીને પગલાં ભરવા જોઇએ.